Trending News
સ્થાનિક સમાચાર

કંડલાથી કોલસો ભરીને નિકળેલી ટ્રકમાંથી ૮૯ લાખનો દારૂ મોરબીમાં પકડાયો

16 June




મોરબી એલસીબીને જોઈને ચાલકે ગાડી ભગાવી, કોલેજ પાસે મુકી ભાગી ગયો : કોલસાની ભુકીની બોરીઓ ઉતારી તપાસ કરતા સંખ્યાબધ્ધ દારૂની પેટીઓ મળી આવી : કચ્છમાં દારૂ તો આવે છે પરંતુ હવે અન્ય જિલ્લાઓમાં સપ્લાય પણ થાય છે ! 


ગાંધીધામ : સામાન્ય રીતે પંજાબ, રાજસ્થાન, હરિયાણા સહિતના વિસ્તારોમાંથી કચ્છ આવતો દારૂ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પકડાઈ જાય છે પરંતુ કચ્છથી વિદેશી દારૂ ભરેલો ટ્રક રાજકોટ જતો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબીએ શનાળા ચોકડી નજીક વોચ ગોઠવી ટ્રકને અટકાવવા પ્રયાસ કરતા ટ્રક ચાલકે ગાડી ભગાવી હતી, જે બાદ એલસીબીની ટીમે પીછો કરતા ટ્રક ચાલક નવી મેડિકલ કોલેજ પાસે ટ્રક રેઢો મુકી નાસી ગયો હતો. પોલીસે ટ્રકમાં કોલસાની ભુકીની આડમાં છુપાવેલો રૂા. ૮૯.૩ર લાખનો દારૂ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 
કંડલા બાયપાસ તરફથી ટ્રક નંબર જી.જે.૧૦ ઝેડ ૭૮રર રાજકોટ તરફ જનાર છે. જે ટ્રકમાં કોલસાની બોરીઓની નીચે વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. બાતમીને આધારે એલસીબી પીઆઈ એમ. પી. પંડયા, પીઆઈ વી. એન. પરમાર, બી.ડી.ભટ્ટ સહિતની ટીમે શનાળા - રાજપર પોલીસ ચોકી સામે રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમ્યાન આ ટ્રક નિકળતા તેને રોકવાના પ્રયાસ કરતા ટ્રક ડ્રાઈવરે ટ્રક ભગાવી મુકતા એલસીબી ટીમે ખાનગી તથા સરકારી વાહનમાં ટ્રકનો પીછો કરતા ટ્રક ડ્રાઈવર રાજકોટ તરફ જતા હાઈવે રોડ ઉપર મેડીકલ કોલેજની સામે ટ્રક રેઢો મુકી ખેતર તથા બાવળની ઝાડીનો લાભ લઈ નાસી છુટયો હતો. પોલીસે ટ્રકમાં તપાસ કરતા કોલસાની ભુકી ભરેલી બોરીઓની આડમાં છુપાવેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૬૬૯૬ બોટલ કિંમત રૂા. ૮૯,૩ર,૮૦૦ તેમજ રૂપિયા ર૦ લાખની કિમતના ટ્રક સહિત કુલ્લ રૂપિયા ૧,૦૯,૩ર,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યા બાદ મોરબી સીટી એ ડીવીઝન પોલીસમાં ગુનો દાખલ કરાવાયો છે.
અત્રે મહત્વનું છે કે, કચ્છમાં કોલસાનો કાળો કારોબાર થાય છે. ખાસ કરીને કંડલા વિસ્તારમાં ઈમ્પોર્ટેડ કોલસો આયાત થતો હોય છે અને આ ગાડી કંડલા બાયપાસથી નિકળી હતી. જેથી દારૂ સાથે ગાંધીધામનું કનેક્શન હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ગાંધીધામ સુધી દારૂ આવી ગયો તે તો પકડાયું નહીં પણ કચ્છથી નિકળી ગયા પછી મોરબીમાં દારૂ ભરેલી ગાડી પકડાઈ છે, જેના ગાડી નંબરના આધારે તપાસ કરી અત્યાર સુધી આ પ્રમાણે કેટલી ખેપ કરવામાં આવી છે તે સહિતની હકીકતો સામે આવી શકે છે.

............

Comments

COMMENT / REPLY FROM