Trending News
સ્થાનિક સમાચાર

તો કચ્છમાં પણ સુજલામ સુફલામના નામે કરોડોની ખનીજચોરીના આયોજનબદ્ધ ષડયંત્રનો પર્દાફાશ થાય : કલેકટરશ્રી કરે વક્રદ્રષ્ટી..!

16 June

ગાંધીનગરથી ફલાઈંગ-વિજિલન્સ વરસાદ પહેલા ક્રોસ વેરીફીકેશન કરાવે




ગ્રામ્ય વિસ્તારોમાં જળસંગ્રહ ક્ષમતા વધારવાના નામે કિંમતી ખનિજ ઉસેડી  બારોબાર વેચી દેવા સાથે માન્ય લિઝના રોયલ્ટી પાસ ઇસ્યુ કરી દેવાયા હોવાની ચકચાર : સરકારે ખોદકામ દરમ્યાન નીકળતું ખનિજ સરકારી કામમાં જ વાપરવાના જ કરેલા આદેશની સરેઆમ ઐસીતૈસી : સરકારી કૉન્ટ્રાક્ટરો ખુદ ખનિજ ચોરી કરતા હૉવાથી વાડ જ ચિભડા ગળ્યાનો થઈ રહ્યો છે તાલ

સુજલામ સુફલામમાં ખાણેત્રા કે ખોદાણ જયાં કીમંતી ખનીજ હોય ત્યાં કરવાનુ જ નથી થતું, કદાચ ખોદકામ દરમ્યાન ખનીજ નીકળે તો ખાણખનિજ વિભાગને જાણ કરવાની થાય છે, અને તે ખનીજનો સરકારી કામમાં જ ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ અહીં તો મોટાભાગે ખોદકામ જ એવા ક્ષેત્રોમાં કરાયા છે જયાં ખનીજનો બેલ્ટ હોય છે, સુજલામ સુફલામ અને જળસંગ્રહ તો તેલ લેવા ગયું, પણ બેનામી ખનીજ ઉત્ખનન બેરોકટોક ધમધમે છે, કરોડોની રોયલ્ટીચોરી થાય છે, ખનીજના રોયલ્ટી પાસ પણ પછીથી બની જાય છે અને બધુ કાગળ પર સમુસુથરૂં પાર પાડી દેવાય છે : જાગૃત નાગરીકની ટકોર

રેડ પડે ત્યારે ‘અમને તો ખબર જ નથી આ ખનિજ છે’ નું રટણ કરી નિર્દોષ ભાવ બતાવી ઘણા છૂટી ગયા, કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓની પણ છે સંડોવણી હોવાની ચર્ચા

ચોમાસામાં ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાતી પૂરની પરિસ્થિતિ પાછળ આ જ બેદરકારી જવાબદાર, કારણ કે જળસંગ્રહ ક્ષમતા વધતી નથી વધે છે માત્ર ખનીજ ચોરી...! : કેટલાક જગ્યા ખનીજ ન હોવા છતાં ખનન કરવામાં આવ્યુ હતું ત્યાં ખનીજ તંત્રની એનઓસી લેવાઈ કે નહી...?


ભુજ : કચ્છ એટલે વરસાદ તરસ્યો મુલક પણ છેલ્લા કેટલાક વર્ષથી મેઘરાજાની કૃપાદ્રષ્ટિ હોવાથી વરસાદ સારો પડે છે જેથી ૮ મહિના પાણીની જરૂરિયાત સંતોષાય છે તકેદારીના ભાગરૂપે દર વર્ષે ચોમાસા પહેલા જિલ્લામાં તળાવ, ખેત તલાવડી, નહેરમાં ખોદકામ કરી જળસંગ્રહ ક્ષમતા વધારવામાં આવે છે ચોમાસામા પાણી સાથે માટી અને રેતી તણાઇ આવે છે જેથી દર વર્ષે આ પરંપરા ચાલુ રહે છે પણ કચ્છમાં સરકારની આ યોજનાનો ગેરઉપયોગ થઈ રહ્યો છે. સુજલામ સુફલામ હોય કે પછી વોટરશેડ અને સિંચાઈ વિભાગના કામોના નામે જળસંગ્રહ ક્ષમતા વધવી જોઈએ પણ જિલ્લામાં ક્ષમતા વધારવાના નામે ખનીજ ચોરી થઈ રહી હોવાથી ચોમાસામા ગ્રામ્ય વિસ્તારોમાં પુર જેટલી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ વખતે કલેકટર કચેરી દ્વારા  સિંચાઈ સહીત કામો ઉપર ખાસ નજર રાખી હતી. તેમાં સરકારી કામો હોય ત્યાં સુજલામ - સુફલામની મંજુરી અપાઈ હતી. જે પાછળ અમુક જણને મંજુરી મળતા કેટલાકને લામ થયો તો કેટલાકના સપના અધુરા રહી ગયા. હવે જોવાનો એ છે કે, સુફલામ - સુજલામ સહિત અનેક યોજના કેટલાક દિવસો બાકી છે ત્યારે મોડેથી મળેલી મંજુરીના કામો કેટલાક કામો થાય છે. ?સુજલામ સુફલામ યોજના અંતર્ગત નિયમ એવો છે કે, જો તળાવ કે જળસંગ્રહના કામોમાં ખોદકામ દરમિયાન ખનીજ મળી આવે તો ખાણ ખનીજ વિભાગને જાણ કરવાની હોય પરંતુ આવી કોઈ જાણ કરવામાં આવતી નથી અને ખોદકામ દરમિયાન નીકળતું ખનીજ બારોબાર વેચી દેવામાં આવતું હોય છે. નિયમ પ્રમાણે સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે માટી નીકળે તેનો સરકારી કામોમાં ઉપયોગ કરવાનો હોય છે પરંતુ સરકારી કામોમાં પણ મંજુર જગ્યાએથી ખનીજ લેવાને બદલે જ્યાં નજીક પડે ત્યાંથી મોરમ ઉસેડી ખનીજ ચોરીને પ્રોત્સાહન અપાતા હોવાના કિસ્સા ભુજ-અંજાર હાઇવે રોડના કામમાં સામે આવી ચૂક્યા છે.અગાઉ ઘડુલી-સાંતલપુરનું કામ ચાલુ હતું ત્યારે લખપતમાં પણ આ જ પ્રમાણે ખનીજ ચોરી સામે આવી હતી.સરકાર યોજના બનાવી નિયમો બનાવે પરંતુ વાસ્તવિકમાં તેનું અમલીકરણ થતું નથી  પરિણામે ખનીજ ચોરોને જલસા થઈ પડે છે હાલના ઘટનાક્રમની જો વાત કરીએ તો નખત્રાણા, અબડાસા, લખપત, ભુજ, અંજાર, માંડવી, મુન્દ્રા, વાગડ સહિતના વિસ્તારોમાં અને ખાસ કરીને અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં સુજલામ સુફલામના કામો કરવામાં આવે છે સ્થાનિક ગ્રામજનોને પણ ખબર હોતી નથી કે તેમના ગામમાં સુજલામ સુફલામના કામો થયા છે માત્ર બીલો બનાવવામાં આવતા હોય છે સુજલામ સુફલામ યોજના એ ખરેખર જળસંગ્રહ ક્ષમતા વધારવાની બદલે ખનીજ ચોરોને પ્રોત્સાહન આપતી યોજના બની ગઈ છે. કચ્છના પેટાળમાં ચાઇનાક્લે, બેન્ટોનાઈટ, બોકસાઈટ, લાઈમસ્ટોન જેવા કીમતી ખનીજનો જથ્થો છે. ખનીજ હોય તો માલ ઉસેડી લેવામાં આવે છે અને જો પકડાય તો અમે તો ખોદકામ કરતા હતા તેમ કહી છટકબારી શોધી લેવામાં આવે છે. જાણકારો તો ત્યાં સુધી કહે છે કે સુજલામ સુફલામના નામે ખનીજ ઉસેડી લીધા પછી તેના રોયલ્ટી પાસ અન્ય માન્ય લિઝમાં બનાવી દેવામાં આવે છે ગેરકાયદે ખનીજ કાયદેસરમાં ખપાવી દેવામાં આવતું હોય છે ખરેખર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખનીજ ચોરીને અટકાવવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવી જોઈએ.જે વિસ્તારમાં સુજલામ સુફલામના કામો થયા અને જે ખનીજ બહાર નીકળ્યું તે કયા સરકારી કામમાં અને કેટલું વપરાયું તેનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે તો ઘણી હકીકતો સામે આવે તેમ છે. જોકે, આ હકીકત સત્ય અને તટસ્થ તપાસ થાય તો જ સામે આવે બાકી અધિકારીઓ એકબીજામાં ભળી જાય તો પછી તપાસમાં પણ રિપોર્ટ નીલ આવશે જે કડવી વાસ્તવિકતા છે.

...........

Comments

COMMENT / REPLY FROM