વાગડ પંથકમાં બોગસ દસ્તાવેજનું મોટું કૌભાંડ બહાર આવવાના ભણકારા
વેપાર - ધંધા માટે મુંબઈ સ્થાયી થયેલા વાગડવાસીઓની બિનવારસુ મિલકતો બારોબાર વેચી દેવા ભૂમાફિયાઓ સક્રિય : વહિવટી તંત્રના ભ્રષ્ટ બાબુઓ સાથે સાંઠગાંઠ કરી ભળતા નામનો ઉપયોગ કરી જમીન - મિલકતોના પાર પાડી દેવાયા સોદા : બોગસ દસ્તાવેજો બન્યાની ગંધ મુંબઈગરાઓ સુધી પહોંચતા નવા-જૂની થવાની વકી
ભચાઉ : કચ્છમાં થયેલા સર્વાંગી વિકાસના પગલે જિલ્લામાં જમીન - મિલકતોની કિંમતમાં વધારો થયો છે. વાગડ પંથકમાં નર્મદા મૈયાના નીરના અવતરણ બાદ વિકાસની ગાડી પુરપાટ દોડતી થઈ છે ત્યારે વાગડના ભચાઉ અને રાપર તાલુકાઓના એક સમયે કોડીના ભાવની ગણાતી જમીનો આજે કરોડોની થઈ છે. જમીનની કિંમત અને મંગમાં થયેલા વધારાના પગલે વાગડ પંથકમાં ભૂમાફિયાઓ પણ સક્રિય થયા છે. છેલ્લા થોડા વર્ષોમાં વાગડ પંંથકમાં જમીન સંદર્ભેના નાના-મોટા વિવાદો અને કૌભાંડો વધ્યા છે. મુંબઈ અને દેશના વિવિધ વિસ્તારોમાં સ્થાયી થયેલ વાગડવાસીઓની કચ્છમાં આવેલી કેટલીક જમીનોના બારોબાર સોદા થયા હોવાની ચકચાર વાગડ પંથકમાં મચી છે. આવા કિસ્સાઓની ચર્ચાઓ વચ્ચે મુંબઈ સ્થિત વાગડવાસીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.
આ અંગે વાગડમાં જમીન - મિલકતના વ્યવસાય સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર વાગડ વિસ્તારમાં લેભાગુ જમીન માફિયાઓની ટોળકી સક્રિય થઈ છે. વાગડના રાપર અને ભચાઉ શહેર તથા તાલુકાના અનેક પરિવારો વેપાર - ધંધાર્થે મુુંબઈ સહિત દેશના વિવિધ વિસ્તારોમાં સ્થાયી થયેલા છે. આવા પરિવારો પ્રસંગોપાત જ માદરે વતન આવતા હોય છે. મુંબઈમાં સ્થાયી થયેલા અનેક પરિવારોએ પોતાના વતન સાથે નાતો અતૂટ રાખવા કચ્છ - વાગડમાં આવેલી તેમની મિલકતોને સાચવી રાખી છે, જે પૈકી કેટલાક પરિવારો તો વર્ષોથી પોતાની મિલકતથી દરકાર પણ લઈ રહ્યા નથી. આવી બિનવારસુ હાલતમાં આવેલ જમીન અને મિલકતો ભૂમાફિયાઓની નજરે ચઢી છે. છેલ્લા થોડા વર્ષોથી માથાભારે ભૂમાફિયાઓ વહિવટી તંત્રના ભ્રષ્ટ બાબુઓ સાથે સાંઠગાંઠ કરી ભળતા નામોનો ઉપયોગ કરી અમુક બિનવારસુ પડેલી મુંબઈગરાઓની મિલકતોને વેચી દઈ કરોડપતિ થઈ ગયા છે. સૂત્રોનું માનીએ તો થોડા વર્ષો અગાઉ જેમની પાસે સાઈકલ પણ ન હતી તેવા કહેવાતા જમીન ધંધાર્થીઓ આજે મોંઘીદાટ એસયુવી ફેરવતા થઈ ગયા છે. એકલ-દોકલ કિસ્સાઓમાં જમીન સંબંધી ફરિયાદ નોંધાય છે અને તેના કેસ કોર્ટમાં ચાલતા રહે છે, પરંતુ મુંબઈગરાઓની પોતાની મિલકતો પ્રત્યેની ઉદાસીનતા અને તંત્રીની ઢીલી નીતિનો લાભ લેભાગુ તત્ત્વો લઈ લેતા હોય છે. ખોટા દસ્તાવેજી આધારો ઉભા કરી ભળતા નામોનો ઉપયોગ કરી તલાટી કે તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી બિનવારસુ જમીન વેચી દેવામાં ભૂમાફિયાઓએ હદ વટાવી દીધી છે. ભચાઉ - રાપર તાલુકાના લાકડિયા, આધોઈ, રામપર, શિવલખા સહિતના કેટલાક ગામોમાં ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવેલ બોગસ વેચસાટનું મોટું કૌભાંડ આગામી થોડા દિવસોમાં બહાર આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
ભચાઉ અને રાપર તાલુકામાં અમુક મુંબઈગરાઓની જમીનોના બારોબાર થઈ ગયેલા સોદાઓની ગંધ મુંબઈ સ્થિત મિલકત ધારકો સુધી પહોંચી છે ત્યારે માદરે વતનમાં મિલકત ધરાવતા મુંબઈ સ્થિત વાગડવાસીઓ હવે પોતાની વારસાઈ મિલકતોની પૂછપરછ કરતા થયા છે. આવનાર દિવસોમાં વાગડ પંથકમાં બોગસ દસ્તાવેજોનું મોટું કૌભાંડ બહાર આવે તેવા ભણકારા સંભળાઈ રહ્યા છે.
...........

Comments