મુંદરાના ભંગારના વાડામાં ભીષણ આગ
પ્લાસ્ટિક, રબ્બર અને અન્ય જથ્થો બળીને થયો ખાખ : ફાયર ફાઈટરોએ આખી રાત પાણી અને ફોમનો મારો ચલાવ્યા બાદ આજે સવારે જ્વાળાઓ શાંત થઈ
મુંદરા : શહેરના છગુરી વાડી વિસ્તારમાં આવેલા ભંગારના વાડામાં મોડી રાતે અગમ્ય કારણોસર આગ ફાટી નિકળતા નાસભાગ મચી ગઈ હતી. આગને પગલે કિલોમીટરો સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા પંથકમાં ભય ફેલાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટુકડીઓએ જીવના જોખમે આગ પર કાબુ મેળવ્યો હતો. આજે સવારે પણ છુટા છવાયા જગ્યાએ આગની જ્વાળાઓ જોવા મળતા ફાયર વિભાગની કામગીરી ચાલુ રહી હતી.
ગત રાત્રીના અરસામાં ભગતસિંહ પરમારની છગુરીવાડી વિસ્તારમાં આવેલા ભંગારના વાડામાં આગનો બનાવ બન્યો હતો. વાડામાં રખાયેલ પ્લાસ્ટિક, રબ્બર સહિતનો માલ સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. મોડી રાતે બનેલા બનાવની જાણ થતા અદાણીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે ધસી ગયા હતા. ફાયર કર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ રૂપ લઈ લીધો હતો. આગના ધુમાડાના ગોટા દુર દુર સુધી દેખાયા હતા. આજે સવાર સુધી આગ ચાલુ
રહી હતી. ટાયરના જથ્થાના કારણે આગ વધુ વિકરાળ બની હતી. ફાયર ફાઈટરો દ્વારા સવારના ભાગે પણ આગને બુઝાવવાની કવાયત ચાલુ રહી હતી.
આ બનાવમાં ભંગાર વાડામાં રખાયેલ મોટા ભાગનો સામાન ભસ્મીભૂત થયો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આગમાં કેટલું નુકશાન થયું તેનો ખુલાસો આગ કાબુમાં આવ્યા બાદ થઈ શકશે. ભીષણ આગના બનાવના પગલે આસપાસના વિસ્તારના લોકોમાં ભય ફેલાયો હતો. આજે સવારે બનાવ સ્થળે લોકોનું ટોળું એકત્ર થયું હતું.
...........

Comments