Trending News
સ્થાનિક સમાચાર

કચ્છભરમાં છવાયો વરસાદી માહોલ : રાપર પંથકમાં બેથી ચાર ઈંચ વરસાદ 

15 June



પૂર્વ કચ્છના રાપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેરથી પ્રસરી ઠંડક : વહેલી પરોઢે અંજાર, કંડલામાં વરસાદી ઝાપટું : જિલ્લા મથક ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર છાંટા 



રાપર શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરીની પોકળતા થઈ છતી : નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ 



ભુજ : વરસે તો વાગડ ભલો કચ્છડો બારે માસ આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ વાગડ વિસ્તારમાં ગઈકાલે સાંજે ગ્રામ્ય વિસ્તારોના બાલાસર, આડેસર, ખડીર, પ્રાંથળ, રામવાવ, સુવઇ સહિતના વિવિધ વિસ્તારોમાં સાંજે સાતથી રાત્રીના દશ દરમિયાન બે અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે પવનના સુસવાટા સાથે વરસેલા વરસાદે રાત્રે તાલુકા મથક રાપર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર ગાજવીજ સાથે વરસાદ રાત્રે બાર વાગ્યા બાદ પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જોતજોતામાં માત્ર દોઢ કલાકમાં ત્રણ ઈચ જેટલો વરસાદ વરસી ગયો હતો. 
રાપર શહેરમાં નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીનો ફજેતો થયો હતો. શહેરના શંકરવાડી, આથમણા નાકા, મામલતદાર નિવાસ ગેલીવાડી, તિરૂપતિનગર, સલારી નાકા, સમાવાસ, તકિયાવાશમાં પાણી ભરાયા હતા. શહેરમાં પાણીના વહેણ પર દબાણો ઉભા કરી દેવામાં આવતા તિરૂપતિનગર, ખોડીયાર મંદિર પાસે, પ્રાગપર ચોકડી, એપીએમસી, ગેલીવાડીમાં પાણી ભરાયા હતા. તિરૂપતિનગરમાં કન્યા શાળા આવેલ છે, તે સ્થળ પર પાણીના વહેણમાં દબાણો થતાં પાણી ભરાયું હતું તેવું જ પ્રાગપર ચોકડી પાસે રબારી સમાજવાડી પાસે દબાણો ખડકી દેવામા આવ્યા છે. સીમતળ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે શોપિંગ સેન્ટર તથા મકાનો ઉભા કરી દેવામાં આવતા આગામી દિવસોમાં વરસાદ થતાં પાણી ભરાવાની શકયતા છે. રાપર નગરપાલિકા દ્વારા રાત્રે પાણી ભરાયા તે વિસ્તારમાં કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રાતે રાપર શહેરને વિજ પુરવઠો આપતા 
પીજીવીસીએલના સબ સ્ટેશન પાસે વિજળી પડી હતી, જેના લીધે વિજ પુરવઠો અડધા શહેરમાં રાતભર બંધ રહ્યો હતો. વહેલી સવારથી પીજીવીસીએલનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો.વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે. ખેતરમાં ચોમાસુ પાકના વાવેતરની તૈયારી ચાલુ કરી દેશે. 
રાપર તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલાએ જણાવ્યું હતું કે રાતે બારથી સવારના છ વાગ્યા સુધીમાં રાપરમાં ૯૭ મી .મી. વરસાદ વરસ્યો છે. રામવાવ, રવ, નંદાસર, સુવઈ સહિતના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ બે ઈચથી વધુ વરસાદ થયો હોવાનું એડવોકેટ હરિભાઈ રાઠોડે જણાવ્યું હતું. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
પૂર્વ કચ્છના રાપરમાં મેઘરાજાએ હેત વરસાવતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજીતરફ આજે સવારથી કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આજે વહેલી પરોઢે અંજાર શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટું વરસતાં માર્ગ પર પાણી વહી નિકળ્યા હતા. જિલ્લા મથક ભુજ, માધાપર, ભુજોડી, પાવરપટ્ટીના લોરિયા, સુમરાસર, ઢોરી સહિતના વિસ્તારોમાં પણ વહેલી સવારે વરસાદી માહોલ વચ્ચે ઝરમર સ્વરૂપે છાંટા વરસ્યા હતા. હવામાન વિભાગે સપ્તાહ સુધી કચ્છના છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. દરમ્યાન કચ્છમાં વાદળછાયા વાતાવરણના પગલે મહતમ તાપમાન ઘટયું છે. જો કે, હવામાં ભેજના ઉંચા પ્રમાણથી બફારો યથાવત રહ્યો છે.
કચ્છના આર્થિક પાટનગર એવા ગાંધીધામ સંકુલમાં વહેલી પરોઢે ચાર વાગ્યાના અરસામાં ભારે વરસાદી ઝાપટું વરસતાં માર્ગો પર પાણી વહી 
નીકળ્યા હતા.

..........

Comments

COMMENT / REPLY FROM