ગાંધીધામમાં એક વર્ષમાં ર૧ હજાર વાહન ચાલકોએ નિયમોનો કર્યો ભંગ, ૧.ર૩ કરોડના ઈ-ચલણ અપાયા
સંકુલમાં ર૮પ સીસીટીવી કેમેરા મારફતે તમામ ગતિવિધિ પર નેત્રમની નજર
કુલ ૧૬ હજાર વાહન ચાલકો મેમાની ૯૪ લાખની રકમ ભરી ગયા : સૌથી વધારે સીટ બેલ્ટના મેમો નેત્રમ મારફતે ઈસ્યું થયા
ગાંધીધામ : ઔધોગિક શહેર ગાંધીધામમાં કોર્પોરેટ કલ્ચરના કારણે વાહનોની સંખ્યા વધારે છે. માર્ગો પર દિવસ રાત વાહનો દોડતા હોય છે. ઘણા વાહન ચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે. રસ્તા પર સિટી અને જિલ્લા ટ્રાફિક ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા નિયમભંગ સંદર્ભે મેમો અપાતા હોય છે. પોલીસ દ્વારા નેત્રમની ત્રીજી આંખ મારફતે પણ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં પૂર્વ કચ્છમાં નેત્રમ મારફતે ર૧ હજાર વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના ભંગ સંદર્ભે ઈ-મેમો ઈસ્યુ કરવામાં આવ્યા હતા. જેની રકમ ૧.ર૩ કરોડ થવા જાય છે, જે પૈકી ૧૬ હજાર વાહન ચાલકો મેમાની ૯૪ લાખની રકમ ભરી ગયા છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છના ઔધોગિક સંકૂલ ગાંધીધામમાં વિશ્વાસ નેત્રમ અંતર્ગત ર૮પ કેમેરા અલગ અલગ ૪ર લોકેશન પર કાર્યરત છે. પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારના માર્ગદર્શન અને નિર્દેશ પ્રમાણે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ મારફતે ટીમ દ્વારા તમામ કેમેરાઓનું મોનિટરીંગ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને હેલ્મેટ, સીટ બેલ્ટનો ભંગ, જોખમી ડ્રાઈવિંગ, કાળા કાચ, આડેધડ પાર્કિંગ, નંબર પ્લેટ, ચાલુ વાહને વાત કરવી, ક્ષમતા કરતાં વધારે માણસો બેસાડવા, સિગ્નલનું પાલન ન કરવું, લાઈસન્સ, આરસીબુક, વિમો પીયુસી વિના વાહન ચલાવતા ચાલકો ઝપટે ચડ્યા હતા. ૧ જુન ર૦ર૪થી ૩૧મી મે ર૦રપ સુધીની કાર્યવાહીની વિગતો નજર કરીએ તો કુલ ર૦,૯૬૧ વાહન ચાલકોને ચલણ આપવામાં આવ્યા હતા, જેની રકમ ૧,ર૩,પ૬,ર૦૦ થાય છે. જેમાં ૧૬,૦૭૪ મેમોની ૯૪,૦૯,૯૦૦ની રકમ ભરપાઈ થઈ છે. ૪,૮૮૭ ચલણની ર૯,૪૬,૩૦૦ની રકમ ભરપાઈ થવાની બાકી છે. આ વાહન ચાલકોને વખતો વખત જાણ કરી રકમ ભરપાઈ કરી જવા સૂચના અપાઈ છે. અન્યથા આગામી લોક અદાલતમાં તેઓને કોર્ટમાં હાજરી આપવી પડશે. યાદ રહે કે, જે વાહનોમાં ચલણની રકમ બાકી હોય તેઓને ભવિષ્યમાં આરટીઓ સંબંધીત કામો અટકી પડે છે. ત્યારે વેળાસર બાકી ઈ-ચલણની રકમ ભરપાઈ કરવી જરૂરી બની રહે છે.
...............
૪પ૮૧ ચાલકોએ પોતાની જ સુરક્ષાની પરવાહ ન કરી
વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટ ફરજીયાત છે. તે વાહન ચાલકની સુરક્ષા માટે છે. છતાં સુરક્ષાના નિયમોનો ભંગ થઈ રહ્યો છે, ત્યારે હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવતા ૩૬૦ ચાલકોને ૧.૮૦ લાખના મેમો અપાયા હતા. જે પૈકી ૩૦૩ ચાલકો ચલણ ભરી ગયા છે. ટૂ અને થ્રી વ્હીલર સિવાયના વાહનોમાં સેફટી બેલ્ટ ન પહેરનારા ૪રર૧ વાહન ચાલકોને ર૧,૧૦,પ૦૦ની રકમના ઈ-ચલણ તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા, જે સૌથી મોટી કાર્યવાહી છે. જો કે, ર૯પ૮ વાહન ચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી ૧૪,૭૯,૦૦૦ની ચલણની રકમ ભરપાઈ કરી છે. ૧ર૬૩ ચલણ ભરપાઈ કરવાના બાકી છે.
.........
૩ર૧૧ વાહનોમાં હતી ફેન્સી નંબરપ્લેટ
સરકાર માન્ય ન હોય તેવી ફેન્સી નંબર પ્લેટ લગાવવા સંદર્ભે વાહન ચાલકોને ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા હતા, જેમાં ર૩૪૮ ટૂ-વ્હીલર ચાલકોને ૭૦૪૪૦૦ના ઈ-ચલણ ઈસ્યું કરાયા હતા, જે પૈકી ર૦૮૩ ચલણના ધારકો ૬ર૪૯૦૦ની રકમ ભરી ગયા છે. એલએમવી પ્રકારના વાહનોમાં ૮૩૮ મેમો અપાયા હતા, જેમાં ૬૭૪ વાહન ચાલકો ૩.૩૭ લાખની રકમ ભરી ગયા છે. જયારે ટૂ - થ્રી અને એલએમવી સિવાયના વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ ન હોય તેવા રપ વાહનોને રપ હજારનો મેમો અપાયો હતો, જે પૈકી ર૩ વાહનના ધારકો ર૩ હજાર રૂપિયા ભરી ગયા છે.
.........
૧૩૦૮ ચાલકોએ ફુલ સ્પીડમાં ગાડી ચલાવી, નેત્રમની નજરે પકડાયા
સંકૂલમાં નબીરાઓ પુરઝડપે વાહનો ચલાવતા હોવાના કિસ્સા અવારનવાર સામે આવ્યા છે, ત્યારે ૩૩ ટૂ અને થ્રી વ્હીલરના ચાલકોએ જોખમી રીતે વાહન ચલાવતા ૪૯,પ૦૦ના મેમો અપાયા હતા. જયારે ૧૪ એલએમવી વાહનોના ચાલકોએ પણ જોખમી રીતે ગાડીઓ ભગાવતા નેત્રમના કેમેરાની નજર પહોંચી અને ૪ર હજારના મેમો તેમના ઘરે પહોંચતા કરી દેવાયા હતા, જે પૈકી ૧૧ ચાલકોએ રકમ ભરપાઈ કરી છે. ૧૭ જેટલા ટૂ અને થ્રી વ્હીલરના ચાલકોએ અતિશય ઝડપે ગાડી ચલાવી અન્યોના જીવ જોખમમાં મુકયા હતા. આ આંકડો ફોર-વ્હીલરમાં ઘણો વધારે છે. ૧ર૪૪ એલએમવી વાહનોના ધારકોએ અતિશય ઝડપે ગાડી ચલાવી બેદરકારી દાખવી હતી. તેઓને ર૭.૧૬ લાખના મેમો અપાયા હતા.
...........

Comments