Trending News
સ્થાનિક સમાચાર

વિજયભાઈ રૂપાણીએ અબોલાજીવો પ્રત્યેનો અનુકંપા અને સંવેદનશીલતાના કરાવ્યા હતા દર્શન 

14 June

કચ્છમાં અછતની સ્થિતિ વખતે તત્કાલિન મુખ્યમંત્રી 




પ્રોહીબીશનનો કડક કાયદો અને સરકારી જમીન પર દબાણ અંગે લેન્ડ ગ્રેબીંગના કાયદાઓની કડક અમલવારી સ્વ. વિજયભાઇના સમયકાળમાં જ કરાઇ તેવી જમીન દબાણકારો સીધાદૌર થઇ ગયા અને સાચા જમીન માલિકને પણ થઇ ગઇ શાંતિ


કચ્છ સહિત રાજ્યમાં બેફામ બનેલા જમીન અતિક્રમણના દુષણને ડામવા લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એકટની કરાવી હતી અમલવારી : મૃદુભાષી છતાં મક્કમ નિર્ણય લઈ પ્રશાસનિક કુશળતાના તેમણે કરાવ્યા હતા દર્શન 




કચ્છમાં નર્મદાના વધારાના નીરની ફાળવણીમાં મુખ્યમંત્રી તરીકે સ્વ. રૂપાણીનું મહત્વનું યોગદાન : કચ્છમાં પ્રવાસન સ્થળોના વિકાસ, કૃષિ અને વેટરનરી કોલેજની જાહેરાત સાથે કચ્છ પ્રત્યે અપાર સ્નેહની કરાવી હતી ઝાંખી : મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ પહેલા અને પછી પણ કચ્છ સાથે તેમનો સ્નેહ રહ્યો અકબંધ 



કચ્છના નારાયણ સરોવર ખાતે ઝુલેલાલના મંદીર નિર્માણમાં 
સ્વ. વિજયભાઈ રૂપાણીનું રહ્યું છે મોટું યોગદાન



ભુજ : ગુરૂવારે અમદાવાદમાં સર્જાયેલી ગોઝારી વિમાની દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું. ૭મી ઓગસ્ટ ર૦૧૬થી ૧૧મી સપ્ટેમ્બર ર૦ર૧ સુધી રાજ્યની શાસનધુરા સંભાળનાર સ્વ. વિજયભાઈ રૂપાણીએ કુશળ શાસનકર્તા તરીકે પ્રશંસા મેળવી જ હતી. અનેક પ્રજાલક્ષી નિર્ણયો સાથે કચ્છ અને ગુજરાત તેમને લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એકટ -ર૦ની રાજ્યની અમલવારીના નિર્ણય માટે હંમેશા યાદ રાખશે. વર્ષ ર૦ર૦માં તેમણે રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એકટ -ર૦ને અમલી બનાવવાની જાહેરાત કરી હતી. આ અધિનિયમ હેઠળ જમીન પર અતિક્રમણ કરનારને આજીવન કેદ સુધીની કડક જોગવાઈના પગલે ગેરકાયદેસર જમીન પચાવી પાડતા માથાભારે તત્ત્વોમાં હડકંપ મચી ગયો હતો. ખાસ કરીને કચ્છ જિલ્લામાં બેફામ બનેલા ભૂમાફિયાઓ અને અન્યોની જમીન પર પેશકદમી કરનાર માથાભારે તત્ત્વો પર કાયદાની લગામ કસાઈ હતી. 
પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં સ્વ. રૂપાણીએ કચ્છ જિલ્લા પર અપાર સ્નેહ વરસાવ્યો હતો. વર્ષ ર૦૧૮ અને ૧૯ના અછતના દિવસોમાં કચ્છમાં પશુધન માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહે તે માટે તેમણે અંગત રીતે રસ દાખવ્યો હતો. પશુ સબસીડી રૂા. ૩પથી વધારીને રૂા. ૭૦ કરી મોટી રાહત આપી હતી. માનવ વસતી કરતાં વધુ પશુધન ધરાવતા કચ્છ જિલ્લામાં અછત જેવી સ્થિતિને ગંભીરતાથી લઈ જૈન શ્રેષ્ઠી મુખ્યમંત્રીએ અબોલજીવો પ્રત્યેની પોતાની અનુકંપા અને સંવેદનશીલતાના દર્શન કરાવ્યા હતા, જેને કચ્છનો પશુપાલક અને માલધારી સમુદાય કદીયે વિસરી શકશે નહીં. 
પાણીએ કચ્છ જેવા સુકા મુલક માટે કિંમતી જણસ સમાન છે. કચ્છને નર્મદાના વધારાના પાણીની ઘોષણા સાથે મોડકુબા સુધી નર્મદાના નીર પહોંચાડવાની જાહેરાત મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળમાં થઈ હતી. કચ્છને નર્મદાના વધારાના પાણીની યોજના માટે તેમણે ૩૪૭પ કરોડની ફાળવણી કરી હતી. સાથે માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટની ભેટ પણ તેમણે જ આપી હતી. 
પ્રવાસનક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહેલા કચ્છના નારાયણસરોવર, ઝુલેલાલનું મંદિર, માતાનામઢ જેવા પ્રવાસન સ્થળોના વિકાસ માટે મુખ્યમંત્રી તરીકે સ્વ. વિજયભાઈનું યોગદાન મહત્વનું રહ્યું છે. લખપતમાં ગુરૂદ્વારાનું ખાતમુહૂર્ત તેમના હસ્તે કરાયું હતું. તો અંજારમાં વીર બાળભૂમિ સ્મારક માટે રૂા. પાંચ કરોડની તેમણે ફાળવણી કરી હતી. કચ્છ સરહદનું રખોપુ કરતા સૈન્યના જવાનો માટે મોબાઈલ કનેકટીવીટી અને અન્ય સુવિધાઓ પહોંચાડવામાં તેમનું મહત્વનું યોગદાન વિસરી શકાય નહીં.
સ્વ. વિજયભાઈના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં જ ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. કચ્છ - ગુજરાતમાં પણ કોરોનાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. મુખ્યમંત્રી તરીકે તેમણે ગુજરાત સરકારની તમામ શક્તિ પ્રજાને ઓછામાં ઓછી તકલીફ થાય અને લોકોને સારવાર  મળી રહે તે માટે લગાવી હતી. કચ્છના કોરોનાના પ્રથમ મહિલા દર્દી સ્વસ્થ થતાં તેમણે વીડિયો કોલોના માધ્યમથી વાતચીત કરી હતી. કચ્છમાં કૃષિ અને વેટરનરી કોલેજ સ્થાપવાની જાહેરાત પણ તેમના કાર્યકાળમાં જ કરાઈ હતી. 
સરહદી કચ્છ જિલ્લા સાથે તેમનો સ્નેહ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન જ નહીં, મુખ્યમંત્રી બન્યા પહેલા અને ત્યારબાદ પણ અકબંધ રહ્યો હતો. તેમના આકસ્મિક નિધનથી કચ્છ જિલ્લાએ હિતેચ્છુ શુભચિંતક સ્નેહી ગુમાવ્યા છે. 

 

Comments

COMMENT / REPLY FROM