Trending News
સ્થાનિક સમાચાર

જિલ્લામાં ડ્રગ્સ વેચનારા પકડાય છે પણ સપ્લાય કરનારા પકડાતા નથી ! 

13 June



છેલ્લા સપ્તાહ દરમિયાન ભુજ, ગાંધીધામ, રાપર સહિતના વિસ્તારમાં દરોડા પડ્યા : યુવાનોને બરબાદ કરતી નશાકારક પદાર્થોના વેચાણની પ્રવૃત્તિ પર કાયમી અંકુશ જરૂરી : યુવા પેઢીને બરબાદ કરવા માટે દેશી - અંગ્રેજી દારૂની જેમ ડ્રગ્સના ઠેર-ઠેર હાટડા : ભુજ શહેરના હોસ્પિટલ રોડ, પ્લેન સર્કલ નજીક સહિત અનેક જગ્યા  ઉપર વેચાણ થાય ડ્રગ્સ


ભુજ : યુવાનોમાં નશાની પ્રવૃત્તિ વધી રહી છે. અવાર-નવાર દરોડા વખતે દારૂ વેચનારા પકડાય, દારૂ પીનારા પકડાય તેમજ માલ સપ્લાય કરનારા પંજાબ અને રાજસ્થાનના બૂટલેગરો પણ પકડાય છે. જોકે, ડ્રગ્સમાં માત્ર વેચનારા પકડાય છે. માલ સપ્લાય કરનારા આસામ, પંજાબ સહિતના વિસ્તારના ડ્રગ્સ પેડલરો સુધી તપાસ પહોંચતી નથી. 
છેલ્લા સપ્તાહની વાત કરીએ તો ભુજમાં યુનિવર્સિટી રોડ પર ગાંજા સાથે યુવાનને ઝડપી લેવાયો તે બાદ મુન્દ્રા રોડ પર મામલતદાર કચેરી પાસે બે કિલો ગાંજા સાથે ડિપ્લોમાના વિદ્યાર્થીની ધરપકડ થઈ. આ બાદ કેમ્પ એરિયામાં એમડી ડ્રગ્સનું વેચાણ અને સેવન કરતા સાળો-બનેવી પકડાયા હતા. પૂર્વ કચ્છના ગાંધીધામમાં ગળપાદર પાસે ર૦ કિલો ગાંજા સાથે ત્રણ લોકો પકડાયા હતા. આ કિસ્સામાં માલ આસામનો શખ્સ આપી ગયો હોવાનું સામે આવ્યું છે. જોકે તે પકડાયો નથી. રાપરમાં ૩૦૦ કિલો પોષડોડા પકડાયો જેમાં સ્થાનિકે ખેતી થયાની વાતો સામે આવી રહી છે. અલબત તેમાં પણ માલની હેરાફેરી કરનારા સિવાય બીજો કોઈ પકડાયો નથી. ખરેખર ડ્રગ્સની બદીને અટકાવવા માટે માત્ર વેચનાર નહીં પરંતુ સેવન કરનાર અને ડ્રગ્સ સપ્લાય કરનાર મુખ્ય પેડલરો સુધી તપાસ પહોંચવી જોઈએ અને ધરપકડ સુધીના પગલાં ભરાય તે જરૂરી છે પરંતુ મોટા કિસ્સામાં ડ્રગ્સ સાથે આરોપીને પકડી સંતોષ માની લેવામાં આવી છે. મૂળ સુધી પહોંચવામાં આવતું નથી. દારૂના કિસ્સામાં તો માલ આપનાર અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી કાગળ પરતો કાર્યવાહી બતાવાય છે પરંતુ ડ્રગ્સમાં તો માલ આપનાર અજાણ્યા ઈસમ સામે પણ કાગળ પર ગુનો દાખલ થતો નથી. ખાસ કરીને યુવાનોમાં ડ્રગ્સનું ચલણ વધી ગયું છે. સહેલાઈથી ખિસ્સામાં કે અન્ય કોઈ જગ્યાએ છુપાવી શકાય તેમ હોવાથી અને વધુ નશો ચડતો હોવાથી તેના વેચાણમાં વધારો થયો છે. ખરેખર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આ ડ્રગ્સની બદી નાબૂદ થઈ શકશે. અન્યથા માત્ર પોલીસ ગુના દાખલ કરશે અને બજારમાં વેચાણ અટકશે નહીં તેવું જાગૃત્ત નાગરિકો જણાવી રહ્યા છે. 

Comments

COMMENT / REPLY FROM