અતિભારેની આગાહી, રાજય પ્રશાસનની તાકીદ : શું કચ્છનું પ્રશાસન શેઠની શિખામણ ઝાંપા સુધી જ ની કરશે ?
પુર પહેલા પાળ બંધાશે કે, આગે સે ચલી આ રહી..હે! વાળી થશે?
ગાંધીધામ-અંજાર-ભુજ-નખત્રાણા સહિતમાં સર્જાયા હતા જળભરાવના દ્રશ્યો,આ વખતે ન સર્જાય તેની શું રખાઈ રહી છે તકેદારી? : માત્ર કાગળ પર જ રાબેતા મુજબ બનતા પ્રિમોનસુન પ્લાન બનાવાશે, વરસાદી આગોતરી કામગીરી પેટે પણ કાગળ પર જ સંતોષ માની અને તગડી રકમોના બીલો માત્ર જ ઉઘરાવાશે તો શહેરીજનોને વરસાદમાં પારાવાર મુશ્કેલીઓ વેઠવા તૈયાર રહેવુ જ પડશે
રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષીની અધ્યક્ષતામાં મળેલી પ્રિ-મોન્સુન પ્રિપેર્ડનેસ અંગેની બેઠકમાં દરેક જિલ્લાઓને ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનાવી અમલ કરવા કર્યું સૂચન : ભયજનક જૂના-જોખમી મકાનોને ખાલી કરવા સહિતની કરાઈ તાકીદ
ગત સિઝનમાં માંડવી વિસ્તારમાં ડુબની સર્જાઈ હતી સ્થિતી, આ વખતે આગોતરી અગમચેતી દાખવીને ગત વર્ષવાળી જ મુશ્કેલીઓ માંડવીવાસીઓ માટે ન થાય તેની તકેદારી પદાધિકારી-અધીકારીઓ દાખવશે ખરા? શહેરીજનોનો સીધો સણસણતો સવાલ
ગાંધીધામ : ચોમાસાએ કચ્છમાં દસ્તક મારી દીધી છે, હવામાન વિભાગ અને તજજ્ઞો દ્વારા પણ આગાહી કરવામા આવી રહી છે કે, આ વખતે સામાન્ય કરતા અનેકઘણો સારો વરસાદ થવાનો છે. આસમાની સુલતાન મહેરબાન થાય તેનાથી સારી વાત બીજી શુ હોઈ શકે, ધરતીનો લાડો મેહુલીયો મન મુકીને વરસે તે સ્થિતી તો સદાયને માટે સારી જ હોય છે પરંતુ જયા સુધી કચ્છની વાત છે અહી અતિવૃષ્ટીની સ્થિતીમાં અનેકગણા નુકસાન પણ થવા પામતા હોય છે અને આ વખતે તેવુ ન બને તે માટે ખુદ રાજય સરકાર દ્વારા પણ એક વિશેષ બેઠક બોલાવાઈ હતી અને ચોમાસાની સિઝન નજીક આવી પહોંચી છે. કચ્છ સહિત રાજ્યમાં આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ થવાની આગાહી હવામાન શાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી છે ત્યારે આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક બની છે. રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષીએ રાજ્યમાં ચોમાસા દરમ્યાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહિવટી તંત્ર અત્યારથી જ સંપૂર્ણ સજ્જ બને તે માટે તાકીદ કરી હતી. મુખ્ય સચિવે તમામ જિલ્લાઓને પોતાના વિસ્તારમાં જિલ્લા અને તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ શરૂ કરવા, દરેક વિભાગ પોતાનો ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરી તેની અમલવારી શરૂ કરે તેવી તાકીદ કરી છે.હવામાન શાસ્ત્રીઓએ આ વર્ષે કચ્છમાં ૧૧૯ ટકા જેટલો સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. ચોમાસાની સિઝનમાં દર વર્ષે કચ્છના શહેરી વિસ્તારોમાં જળભરાવ થવાની સમસ્યા સર્જાતી હોય છે. ગત વર્ષે માંડવી શહેરમાં થયેલા ભારે વરસાદના પગલે દિવસો સુધી નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો રહ્યો હતો. ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, મુંદરા તમામ વિસ્તારોમાં જળભરાવની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગનું ધોવાણ, ધ્રોઝ-વે ધોવાણ, કાચા મકાનો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા. આ વર્ષે સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના છે ત્યારે તંત્ર દ્વારા પાણી પહેલાં જ પાળ બંધાય તે ઈચ્છનીય છે.
રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષીએ ગાંધીનગર ખાતે બોલાવેલી બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ, કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ, લશ્કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સૃંભવિત આપત્તિના સામના માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા કરવામાં આવી હતી. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ત્રણેક નાના-મોટા વાવાઝોડા આવ્યા છે, જેમાં છેલ્લે આવેલા બિપોરજોય વાવાઝોડામાં વિવિધ વિભાગોના સંકલનથી જાનહાનિ ટાળી શકાઈ હતી, પરંતુ કચ્છના ખેતી - બાગાયતી ક્ષેત્ર, વીજ માળખાને મોટું નુકસાન થયુ હતું. રાજ્યના મુખ્ય સચિવે બેઠકમાં જૂના અને જોખમી મકાનોની સ્થળ તપાસ કરાવી અત્યારથી જ તેને ખાલી કરવા સહિતના પગલાં લેવા તાકીદ કરી છે. કચ્છના ભુજ ઉપરાંત માંડવી અને મુંદરા શહેરમાં અનેક જૂની ઈમારતો ભયજનક બની છે ત્યારે કચ્છનું વહિવટી તંત્ર સંભવિત આપત્તિના સામના માટે અત્યારથી જ નિર્ણાયક પગલાંઓ લે તે જરૂરી બન્યું છે. કચ્છના જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે કે ભયજનક ઈમારતોને તોડી પાડવા માટે અનેક વખત વાતો થઈ છે, પરંતુ તેની નક્કર અમલવારી થઈ નથી. તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ ઉદાસીન વલણ દાખવી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રિ-મોન્સુન પ્રિપેર્ડનેસ અંગેની બેઠકમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ સંભવિત આપત્તિના સામના માટઠેની જેટલી આગોતરી સજ્જતા કેળવાય તેટલી ઝડપથી રાહત - બચાવની કામગીરી થઈ શકે તેવું જણાવ્યું છે ત્યારે કચ્છ જિલ્લાનું વહિવટી તંત્ર આ વર્ષે સામાન્યથી વધુ વરસાદના વર્તારાને ધ્યાને લઈ જરૂરી પગલાં લે તે ઈચ્છનીય છે તેવું જાગૃત કચ્છીજનો વધુમાં જણાવી રહ્યા છે.

Comments