ભુજમાં વધુ એક વખત એક કા ડબલના નામે ઠગાઈ કરતી ટોળકી પકડાઈ
હૈદરાબાદના બે વ્યક્તિ એક લાખના બે લાખ કરાવવા માટે આવ્યા ત્યારે જ એલસીબીએ પાડ્યો દરોડો : નકલી નોટોનો માતબર જથ્થો કબજે કરાયો : ટોળકી સામે સંગઠીત ગેંગનો ગુનો દાખલ કરાવાયો
ભુજ : શહેરમાં એક લાખના બે લાખના નામે ઠગાઈ કરતી ટોળકી સક્રીય છે. ચોક્કસ વિસ્તારમાં રહેતા ઈસમો દ્વારા આ પ્રકારે ઠગાઈ કરવામાં આવે છે. જેમાં સોશિયલ મીડિયામાં પ્રથમ એક લાખના બે લાખ કે ત્રણ લાખની લાલચ આપી, વિશ્વાસ કેળવી પાર્ટીને ભુજ બોલાવી રૂપિયા મેળવી ઉપર અને નીચે સાચી નોટ અને વચ્ચે કોરા કાગળના બંડલ પકડાવી ઠગાઈ કરવામાં આવે છે. હૈદરાબાદના બે વ્યક્તિ આ જ પ્રમાણે એક લાખના બે લાખ કરાવવા માટે આવ્યા હતા ત્યારે એલસીબીએ દરોડો પાડી આરોપીઓને ઝડપી લીધા હતા. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ભુજમાં રહીમનગર વિસ્તારમાં એઝાઝ હુશેન શેખના કબજાના મકાનમાં તેના સાગરિતો સાથે મળી હૈદરાબાદની પાર્ટી સાથે ઠગાઈ કરવાની પેરવીમાં હોવાની એલસીબીને બાતમી મળી હતી. જેથી દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી મોટા પીર ચોકડી અમનનગરના મહમદહુશેન ઉર્ફે મમલો ઓસમાણ લંઘા, રહીમનગરના મામદ ચનેસર સુમરા, એઝાઝ હુશેન શેખ, મદીના નગર-૧ હનીફ દાઉદ સના, રહીમનગરના વસીમ હુશેન શેખ અને સુરતના કિરણકુમાર સુરેશભાઈ અલકારીને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સ્થળેથી હૈદરાબાદના ગિરિધારી પ્રકાશ નાડે અને ઈશ્વર પપાલાલ કમલે મળી આવ્યા હતા. તેઓની પુછપરછ કરતા તેમણે જણાવ્યું કે, સુરતના કિરણભાઈએ તેઓને કહ્યું હતું કે, ભુજમાં મારા ઓળખીતા માણસો છે જેઓ એક કા ડબલ એટલે કે ૧ લાખ રૂપિયાના ર લાખ કરી આપે છે. કિરણે ફોન કરીને વિશ્વાસ કેળવ્યો હતો. જેના આધારે ભુજ આવ્યા હતા અને આરોપીઓએ રૂમમાંથી રૂપિયાના બંડલ લાવી બતાવ્યા હતા. પોલીસે તપાસ કરતા રૂમમાં ચલણી નોટ જેવા કોરા કાગળના બંડલો, રોકડા રૂા.૩૦ હજાર, ૪પ હજારના ૯ મોબાઈલ, તેમજ ૧પ લાખની સ્કોર્પિયો ગાડી નં.જીજે૩૯ - સીબી - ૪૬ર૦ કબજે કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ પણ ઠગાઈના ગુનાઓ નોંધાયેલા હોવાથી આર્થિક લાભ મેળવવા માટે આવો ગુનો આચર્યો હોઈ ગેંગ બનાવી ગુનો આચરવાની ફરિયાદ નોંધાઈ છે.
આ કામગીરીમાં એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.આર. જેઠી, પીએસઆઈ જે.બી.જાદવ, એએસઆઈ અનિરૂદ્ધસિંહ રાઠોડ, નિલેશભાઈ ભટ્ટ, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી, રાજેન્દ્રસિંહ રાઠોડ, નવીનકુમાર જોષી, રણજીતસિંહ જાડેજા, કોન્સ્ટેબલ જીવરાજ ગઢવી, જયદેવસિંહ જાડેજા સહિતના જોડાયા હતા. આગળની તપાસ એ-ડિવિઝન પોલીસે હાથ
ધરી છે.

Comments