રતિયાની પ્રાથમિક શાળામાં પોપડા પડતાં ૩થી ૪ વિદ્યાર્થીઓ ઘવાયા
ઈજાગ્રસ્ત બાળકોના નામ
• સનાયા લિયાકત ઓઢેજા (ઉ.વ.૯) (ધો.૪) • કોલી કરણ સામજી (ઉ.વ.૯) (ધો.૪), • અસ્ફાક હમીદ ઓઢેજા (ઉ.વ.૬) (બાલવાટિકા),
શાળા શરૂ થઈના ગણતરીના દિવસોમાં બનેલી ઘટનાથી વાલીઓમાં દોડધામ : શાળા જર્જરીત હોવા બાબતે અગાઉ રજૂઆત કરવા છતાં પગલાં ન લેવાયાની રાવ
ભુજ : તાલુકાના રતિયા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં આજે ગુરૂવારે બપોરે એક દુર્ઘટના થવા પામી હતી, જેમાં શાળામાં પોપડા પડતાં ૩થી ૪ વિદ્યાર્થીઓ ઘવાયા હતા, જેઓને સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બાબતે વિશ્વસનીય સુત્રોના જણાવ્યા મુજબ આજે સવારે આ બનાવ બન્યો હતો. છોકરાઓ લોબીમં હતા એ દરમિયાન છતના ભાગ પરથી અચાનક મોટા પ્રમાણમાં પોપડાઓ પડતાં નીચે ઉભેલા છોકરાઓને વાગ્યું હતું. એક તબક્કે દોડધામ મચી જતાં અન્ય વિદ્યાર્થીઓમાં ભય ફેલાઈ ગયો હતો. આ બનાવમાં ત્રણથી ચાર બાળકોને ઓછીવતી ઈજાઓ થવા પામી છે. જેઓને ભુજની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. બનાવને પગલે વાલીઓમાં ઉચાટ ફેલાયો અને વાલીઓ પણ સ્કૂલ અને હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. હજુ તો શાળાઓમાં બાળકોની કિલકારીઓ શરૂ થઈ છે, ત્યાં આ પ્રમાણે બનાવ બનતા વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ ગઈ હતી.
હોસ્પિટલમાં હાજર લોકોના જણાવ્યા પ્રમાણે શાળામાં આ ભાગ જર્જરીત હોવા બાબતે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. જો કે, શિક્ષણ તંત્ર દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં ન આવી. વેકેશનના બે મહિના દરમિયાન પણ કોઈ સમારકામ ન થયું, જેથી શાળા સમિતિની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. આગામી સમયમાં ચોમાસુ નજીક છે. ત્યારે દિવાલોમાં ભેજ લાગવાના કારણે આ પ્રમાણે ઘટનાઓ બને તે પહેલા અન્ય શાળાઓમાં પણ તાકીદના ધોરણે સમારકામ કરાવી બાળકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગ વાલીઓમાંથી ઉઠી છે. દરમિયાન બનાવને પગલે શિક્ષણ વિભાગના નિલેશ ગોર સહિતના ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જયારે અન્ય એક ટીમ જી.કે. જનરલમાં બાળકોની સારવાર બાબતે પહોંચી હતી.

Comments