ગાંધીધામના ટાગોર રોડ પર દબાણકારો સામે તંત્રએ અંતે આળસ ખંખેરી.!
આર એન્ડ બી વિભાગ દ્વારા શહેરના ટાગોર રોડ પર બન્ને બાજુએ થયેલા કાચા-પાક્કા દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરી : અગાઉ સ્વૈચ્છાએ દબાણ હટાવવાની આપી હતી નોટીસ, પછી પણ દબાણકારો ન હટતા તંત્રએ બિનઅધિકૃત દબાણોને ખસેડવાની પ્રક્રીયાનો કર્યો આરંભ
’
ખાટલે મોટી ખોટ : મલાઈ ખાવામાં મનપા તકડી, દબાણકર્તાઓને ખસેડવામાં કેમ પાછીપાની? ભ્રષ્ટાચાર અહી કોણ કરે છે..? : રોડ સફાઈના ટેન્ડરો મનપાએ બહાર પાડયા હતા અહી કે આર એન્ડ બીએ? કયા ઠેકેદારોને લ્હાણી કરાવી દીધી હતી? સુધરાઈના કયા કયા પદાધિકારીઓએ કરી હતી ભાગબટાઈ?વહીવટીતંત્રએ કેમ સેવી હતી ચુપકીદી? હવે જયારે દબાણો દુર કરવાની વાત આવી તો આર એન્ડ બીને કરી દેવાયુ આગળ..?
આજ રોજ તમામને તેમનો સામન ખસેડી લેવાની સુચના આપી છે, અને અમારી ટીમ પણ સાથે રહીને આ કામો કરી રહી છે, જો પછી પણ દબાણો નહી હટે તો સરકારી ધોરણે ખસેડવામા આવશે : અગાઉ આર એન્ડ બી વિભાગે ૩-૩ નોટીસો ફટકારી હતી, આ દબાણો હટાવવાની કામગરી હાથ ધરી તે પહેલા પણ એક નોટીસ આપી હતી, છતા પણ દબાણો દુર ન થતા હવે કાર્યવાહી સરકારી રાહે હાથ ધરાઈ છે
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ શહેર-સંકુલને મહાનગરપાલીકાની ભેટ મળી જવા બાદ વિવિધ સુવિધાઓ પ્રાપ્ત થશે તેવો આશાવાદ ઠગારો જ નીવડી રહ્યો હોવાનો કચવાટ સંકુલમાથી હવે ધીમા સાદે આક્રોશ સાથે ઉભો થવા પામી રહ્યો છે. શહેરમાં પાણી-ગટર-સફાઈ-ગંદકી જેવી સમસ્યાઓ તો જસની તસ પડી જ છે, તેની સાથોસાથ જ દબાણોકારોએ પણ માજા મુકી દીધી છે. નગરપાલીકા વખતે જે દબાણો આડેધડ થવા પામી ગયા અને તેમાં નગરપાલિકાના બની બેઠેલાઓએ પણ જે રોકડીઓ કરી લીધી કે સલીયાણાઓ લઈ લીધા તે બાદ મનપા આવી છતા પણ આવા દબાણકારો ટસના મસ થયા વિના બિનઅધિકૃત રીતે ટાગોર રોડ જેવા પોઝ વિસ્તારમાં પણ અડીંગો જમાવીને બેઠા રહ્યા અને ટ્રાફિક સહિતની સમસ્યાઓમાં વધારે કરવા ઉપરાંતની પીડાથી શહેરીજનોને અતિ પરેશાન જ કરી રહ્યા હતા. ગાંધીધામ મનપા બની બાદ શહેરના વિકાસમાં રોડ-રસ્તાઓ સહિતનાઓને ખુલ્લા કરવા, વિકાસ કામો હાથ ધરવામા આવતા તેને આડે આવનારા દબાણો-બિનઅધિકૃત દબાણોને દુર કરવાની પ્રક્રીયા હાથ ધરવામા આવી હતી. અને ટાગોર રોડની બન્ને બાજુએ આવેલા દબાણોને સ્વચ્છાએ દુર થઈ જવા, હટી જવા, દબાણો ખસેડી લેવા માટે નોટીસોની બજવણીઓકરવામાં આવી હતી અને તેમાં સ્પષ્ટ સુચનાઓ અપાઈ હતી કે, જો બિનઅધીકૃત રીતે દબાણ કરી બેઠેલાઓ નહી હટે તો તેની સામે તંત્ર ખુદ દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરશે. આ બાબતે હવે જાણે કે, આર એન્ડ બી વિભાગ દ્વારા આળસ ખંખેરવામાં આવી હોય તેવી રીતે આજે સવારથી જ શહેરના ટાગોર રોડ પર આવેલા બન્ને બાજુઓના વિસ્તારોના દબાણો દુર કરવાની કામગીરી આદરી છે. આર એન્ડ બી વિભાગના જવાબદારો અહી દબાણકાર્યવાહીમાં જોતરાયેલા હોવાથી જાણકારોએ સવાલો પણ ઉભા કર્યા છે કે, આ દબાણકારો પાસેથી મફતમાં ફળોના કોથળાથી માંડી અને અલગ અલગ વસ્તુઓના સાલીયાણા કોણ લઈ જતુ હતુ? નગરપાલિકાએ આ વિસ્તાર-રોડમાં અગાઉ ભ્રષ્ટાચાર આચરી અને દબાણકારોને મોકળુ મેદાન આપી દીધુ છે, જયારે આ રોડ સફાઈના ટેન્ડર આપવામા આવ્યા ત્યારે નગરપાલિકાએ જ આપ્યા છે, આર એન્ડ બીએ તે ટેન્ડરો બહાર પાડયા નથી, તો હવે જયારે દબાણો દુર કરવાની વાત આવી ત્યારે નગરપાલીકા કેમ પાછીપાની કરી ગઈ ? શું અગાઉ ભ્રષ્ટાચારના ડુચ્ચા મોઢે ભરાવીને બેઠા છે એટલે એ જ દબાણકારોની સામે સરકાર હિતમાં લાલઆંખ કરવામાં લાજનો ધુમટો તાણી રહ્યા છે?
..............
કચ્છઉદયના અહેવાલનો ત્વરિત પડઘો :
તંત્રએ દબાણ પર અંતે કાર્યવાહી આદરી
વરસાદી નાળાના નામે નર્યુ નાટક થવા પામી રહ્યુ છે, નાળા પર દબાણો છે તો સાફ કેમ થશે? આવા સવાલો ઉભા કરતો સચોટ અને વિગતવાર અહેવાલ આ જ પ્લેટફોર્મ પરથી
તા. ૧૧મીજુન ર૦રપના પાના ન. ૩ પર રજુ કર્યો હતો. જોણ કે, આ અહેવાલની ત્વરિત અસર પડી હોય તેમ આજ રોજ ટાગોરા રોડ પર મશીનરીઓ સાથે તંત્રએ દબાણ દુર કરવાની કવાયત હાથ ધરી છે.
.................
અમાનુષી ન બનો, પાથરણાવાળ-લારીવાળાઓ માટે
હોકર્સ જોન ફાળવો- નાના ધંધાર્થીઓ કયાં જશે..!
ગાંધીધામ : ભ્રષ્ટાચારને જ શિષ્ટાચાર માની બેઠેલા અગાઉના નપા અને હાલના મનપા તંત્રની ભુમીકા અને કાર્યવાહી શહેરીજનોના પ્રબુદ્વવર્ગમાં ટીકાનુ કારણ બની રહી છે. હાલમાં ટાગોર રોડમાં બન્ને બાજુએ પાથરણાવાળા, લારીવાળાઓ પોતાના નાના મોટા રોજગાર કરી રહ્યા છે.
બિનઅધિકૃત રીતે દબાણ કર્યુ હોય તો ચોકકસથી તેમને દુર કરવા જોઈએ પણ આવા ધંધાર્થીઓને પોતાનુ પેટીયુ રળવુ હોય તો તે કયાં ઉભા રહે? કાયદેસર રીતે સકુલમાં હોકર્જ ઝોન બનાવવુ જોઈએ અને ત્યાં આ બધાયને સ્ટોલની ફાળવણી મનપા તંત્રએ યોગ્ય રીતે કરવી જોઈએ. તો શહેરમાં ટાગોર રોડ ઉપરાંતના વિસ્તારોમાં પણ થતા આવા દબાણો આપોઆપ અટકી જશે.
.........................
ફરીથી અહી દબાણો ન થવા દેવા હોય તો ફેન્સીંગ કરો, : ટાગોર રોડ પર વૃક્ષો વાવી દયો :વનતંત્રની લ્યો મદદ
ગાંધીધામ : શહેરના ટાગોર રોડ તરીકે ઓળખાતા વિસ્તારની બન્ને બાજુએ દબાણો બે બાજુ મોટા પ્રમાણમાં ખડકાઈ જાય છે. તંત્રને સુરાતન ચડે એટલે આ દબાણો હટાવે છે , અમુક દીવસ પછી જાણે કે તંત્રના જ અમુક ભ્રષ્ટ તત્વો આ દબાણકારોને ફરીથી બેસવાની વ્યવસ્થાઓ સેટીંગથી કરી આપે છે. હકીકતમાં આ દબાણો ફરીથી અહી ન થવા દેવા હોય તો તંત્રએ વનવિભાગની મદદ લઈ અને રોડની બન્ને બાજુએ સારી રીતે ફેન્સીંગ કરી દેવી જોઈએ અને અહી વૃક્ષો વાવી દેવા ઘટે. તો જ અહી ફરી ફરીને થતા દબાણો અટકશે..

Comments