કચ્છ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ બોગસ કામોની ચર્ચાએ સરકારી કચેરીમાં ગરમી પકડી..?
જો... જો... ક્યાંક કચ્છમાં ન થાય દાહોદવાળી
ગરીબોને રોજગાર આપવા બનેલી કલ્યાણકારી યોજનાને કૌભાંડકારીઓએ બનાવી દીધી છે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર : અમુક ભ્રષ્ટ સરકારી બાબુઓ સાથેની મિલીભગતથી કરોડોની ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ : કચ્છના જાગૃત નાગરિકોએ તટસ્થ તપાસ માટે કરી માંગ : છેલ્લા થોડા વર્ષોમાં થયેલા કામોનું ક્રોસ વેરિફિકેશન થાય તો મોટા કૌભાંડનો થાય ખૂલાસો
માંડવી-મુંદરામાં તપાસ થાય તો મોટું મનઘડત કાવતરું ખુલવા પામે
ભુજ : ગ્રામીણ કુટુંબના પુખ્ત સભ્યો જેમને રોજગારની જરૂર હોય અને જેઓ બિનકુશળ શ્રમ કરવા માંગતા હોય તેમને વર્ષમાં ૧૦૦ દિવસ રોજગારી પૂરી પાડવા બીજી ફેબ્રુઆરી ર૦૦૬થી મનરેગા અધિનિયમ અમલમાં આવ્યો છે. જોકે, ગરીબોના કલ્યાણ માટે અમલમાં મૂકવામાં આવેલી મહત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની
ગઈ છે.
કચ્છ સહિત રાજ્યભરમાં આ યોજના હેઠળ વ્યાપક ગેરરીતિઓ ચાલતી હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. ભૂતકાળમાં ગુજરાતમાં અછતના કામોમાં મોટા પ્રમાણમાં ખાયકી થતી હોવાના ખૂલાસાઓ થયા હતા. હવે અછત રાહત કાર્યોના બદલે ગ્રામીણ શ્રમિકોને રોજગાર આપવા બનેલી મનરેગા યોજના ભ્રષ્ટાચારીઓ માટે ઉપરની આવકનું સાધન બની ગઈ છે. આ યોજના હેઠળ ગેરરીતિ આચરનારાઓમાં ભ્રષ્ટ સરકારી બાબુઓથી માંડી મોટા ગજાના રાજકારણીઓનો સમાવેશ થતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
તાજેતરમાં રાજ્યના દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં રૂા.૭૧ કરોડની કથિત ગેરરીતિની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી. આ કેસની તપાસ આગળ વધતા મોટા માથાઓની સંડોવણી બહાર આવી હતી. આ કેસમાં પોલીસે ગુજરાત સરકારના મંત્રી બચુ ખાવડના બન્ને દિકરા બળવંત ખાવડ અને કિરણ ખાવડની ધરપકડ પણ કરી છે. દાહોદ જિલ્લાના આ કેસે રાજ્યભરમાં ચકચાર મચાવી છે ત્યારે સરહદી એવા કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં મનરેગા યોજના અંતર્ગત થયેલા કામોમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, મનરેગા યોજનાની કામોની ક્રોસ વિરીફીકેશન લાંબા સમયથી કરાયો નથી. આ કામોની તપાસ કરવામાં આવતી નથી. આ કામો જે દર્શાવવામાં આવ્યા છે તે સ્થળ ઉપર દેખાતો નથી તેવી અનેક ચર્ચાઓ હવે થવા માંડી છે. જોવાનો એ છે કે, આ ચર્ચાની તપાસ થાય છે કે, તેરી ભી ચુપ મેરી ભી ચુપ જેવો તાલ થાય છે.
.................
મનરેગા હેઠળ હાથ ધરાતા કામો
ભુજ : મનરેગા યોજના અંતર્ગત રોજગારલક્ષી કામો હાથ ધરી રોજગારી પૂરી પાડવામાં આવે છે, જેમાં જળસંચય અને જળસંગ્રહના કામો, દુષ્કાળ પ્રતિરોધક જેવા કે વનીકરણ અને વૃક્ષારોપણના કામો, માઈક્રો અને માઈનોર સિંચાઈના કામો સહિત સિંચાઈ માટે નહેરના કામો અનુ જાતિ - જનજાતિના સભ્યો અથવા જમીન સુધારણાના લાભાર્થીઓ અથવા જમીન સુધારણાના લાભાર્થીઓ અથવા ભારત સરકારની ઈન્દિરા આવાસની યોજનાના લાભાર્થીઓ દ્વારા ધારણ કરેલ જમીન પર સિંચાઈની સવલત પૂરી પાડવાના કામો, જ્યાં જળભરાવનો પ્રશ્ન છે તેવા વિસ્તારોમાં ડ્રેનેજ સહિત પુર નિયંત્રણ અને પુર સંરક્ષણને લગતા કામોનો સમાવેશ થાય છે.
..........................
મનરેગા યોજના માટે દરેક સ્તરે અલાયદું ફંડ
ભુજ : આ યોજના માટે દરેક સ્તરે અલાયદું ફંડ રહે છે. રાજ્ય કક્ષાએ રાજ્ય રોજગારી બાહેંધરી નામનું અલગ ફંડ રહે છે. અમલકર્તા એજન્સીઓએ તાલુકા અને જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીયકૃત બેંકમાં આ યોજના માટે અલગ ખાતુ ખોલાવવાનું રહે છે. ગ્રામ પંચાયતે સંભવિત રોજગારીની માંગને અનુલક્ષીને આગોતરૂં આયોજન કરી પ્રોજેક્ટ મંજૂર કરાવવાના રહે છે, પરંતુ આકસ્મિક સંજોગોમાં રોજગારની માંગ વધે તો ટીડીઓ સમકક્ષ સત્તાએથી વધુ કામો મંજૂર કરાવવાના રહે છે. વહિવટી પ્રક્રિયામાં સમય લાગે તેમ હોય તો મંજૂરી મળે ત્યાં સુધી અન્ય ગામે શ્રમિકોને રોજગારી પૂરી પાડવાની રહે છે.
.................
ભ્રષ્ટાચારીઓની મોડસ ઓપરેન્ડી
ભુજ : સામાન્ય રીતે મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલા પૈસામાંથી અંદાજે ૬૦ ટકા રકમ મટીરિયલ માટે ફાળવાય છે. જ્યારે ૪૦ ટકા મજૂરીના કામ માટે હોય છે. આ યોજના હેઠળ ખોટા કામો બતાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. રોડ રસ્તા, જળસંચય જેવા કામો મંજૂર કરાવ્યા બાદ માત્ર કાગળ પર જ કામો કરી ભ્રષ્ટ સરકારી બાબુઓ, એજન્સીઓ નાણાંની ભાગબટાઈ કરી લે છે. જળસંચયના કામોમાં હાલ વરસાદ માટે છે ત્યારે તે કામ કેટલા થયા છે તે તપાસ કરવી પણ અઘડી બની જાય છે. દાહોદમાં સામે આવેલા કૌભાંડમાં વર્ષ ર૦ર૧ થી ર૦રપ દરમ્યાન ખોટા કામો બતાવી રૂા.૭૧ કરોડની ગેરરીતિની ફરિયાદ ઉઠી હતી. આ મામલે કુલ્લ ૩પ એજન્સીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.

Comments