કચ્છમાં ચૂંટણી જંગનો ગરમાવો પરાકાષ્ટાએ
ભુજ : કચ્છમાં યોજાઈ રહેલી ગ્રામ્ય સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અનેક ગામોના રાજકીય સમીકરણો બદલાયા હતા. ગામના આગેવાનોના છેલ્લી ઘડીના સમજાવટના પ્રયાસો બાદ કેટલાક સરપંચ અને સભ્ય પદના ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. આજે બપોરે ફોર્મ પરત ખેંચવાની મુદ્દત પૂર્ણ થયા બાદ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને ચૂંટણી પ્રચાર વેગવાન થશે. આ પૂર્વે આજે માંડવી તાલુકાની મોટા લાયજા ગ્રામ પંચાયતમાં એક સભ્ય, બાયઠ, ઉનડોઠ, કોડાય, કોજાચોરામાં સરપંચ પદના એક-એક અને શેરડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદના એક અને સભ્ય પદના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. ભુજ તાલુકાની મિરજાપર ગ્રામ પંચાયતના સરપંચ પદના એક, સભ્ય પદના એક, સામત્રા ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્ય પદના એક-એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધા હતા. અબડાસા તાલુકાની ચરોપડી જુથ ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોની પેનલ બિનહરીફ થતા ગ્રામજનો દ્વારા સન્માન કરાયું હતું.
--

Comments