Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ગ્રામ સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ : ડમી ઉમેદવારોએ પરત ખેંચ્યા ફોર્મ 

11 June



ગઈકાલે ફોર્મ ચકાસણીમાં વિવિધ ત્રુટીઓના પગલે અમુક સરપંચ અને સભ્યપદના ઉમેદવારોના ફોર્મ થયા હતા રદ્દ : આજે જિલ્લાની તાલુકા પંચાયતો અને મામલતદાર કચેરીઓ પર ફોર્મ પરત ખેંચવાની કામગીરીનો જોવા મળ્યો ધમધમાટ : રર મી જૂનના મતદાન પૂર્વે હવે ચૂંટણી જંગમાં મેદાને રહેલા ઉમેદવારોએ ચૂંટણી પ્રચારમાં અજમાવશે જોર : ગ્રામિણ મતદારોને રિઝવવા ચૂંટણી પ્રચારનો ધમધમાટ થશે વેગવાન 


ભુજ : કચ્છ જિલ્લામાં ૧૬૬ ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન અને ર૪૧ પંચાયતોની પેટા ચૂંટણી માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ બની રહ્યો હતો. ગઈકાલે રજૂ થયેલ ફોર્મની ચકાસણી બાદ આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ડમી અને અન્ય અમુક ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સપષ્ટ થયું છે. 
ગઈકાલે હાથ ધરાયેલી ચૂંટણી ફોર્મની ચકાસણી પ્રક્રિયામાં રાપર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રજૂ થયેલા ૬૧ર ફોર્મ પૈકી ૭ ફોર્મ અમાન્ય રહ્યા હતા. ભચાઉ તાલુકાની ૯ પંચાયતોની ચૂંટણી માટે સરપંચ પદ માટે ૩૦ અને સભ્ય પદે ૧ર૩ ફોર્મ ભરાયા હતા જે પૈકી ૬ ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા હતા. નખત્રાણા તાલુકાની ડાડોર ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું. માંડવી તાલુકાના મોટા લાયજાના સભ્ય પદનું ફોર્મ રદ્દ થયું હતું. અંજાર તાલુકામાં ગઈકાલે નિંગાળના સરપંચ પદના એક ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું, જ્યારે સાપેડામાં ૧ અને મોડસરમાં બે સભ્યપદના ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. ભુજ તાલુકાના ફોર્મ ચકાસણીમાં વિવિધ ત્રુટીઓના કારણે સરપંચ પદના એક અને સભ્ય પદના ૧૦ ફોર્મ રદ્દ થયા હતા. મુન્દ્રા તાલુકામાં વાઘુરા, દેશલપર અને ડેપામાં સરપંચ પદ માટે એક એક ફોર્મ ભરાયા હતા જે માન્ય રહેતા સરપંચ બિનહરીફ જાહેર થયા હતા. સભ્યો પણ બિનહરિફ ચૂંટાતા ૩ ગામો બિનહરિફ જાહેર થયા હતા. માંડવી તાલુકામાં માંડવી તાલુકાની પાંચ ગ્રામ પંચાયતોમાં પાંચ ગામના સરપંચ પદે એક એક ફોર્મ ભરાયા હતા. ભુજ તાલુકામાં ૩પ ગ્રામ પંચાયતો પૈકી ૧૦ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે એક-એક ફોર્મ જ ભરાયા હતા. જે માન્ય રહેતા સરપંચો બિનહરિફ જાહેર થયા છે. 
અબડાસા તાલુકાની છ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ચરોપડી ગ્રામ પંચાયત બિનહરિફ થઈ  છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ડમી ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચતા ચૂંટણીનં ચિત્ર સ્પષ્ટ થયું છે. આ ઉપરાંત ર૪ કલાક દરમિયાન અનેક ગામોમાં ખાટલા બેઠકો ચાલી હતી. જેમાં ઉમેદવારોને સમજાવટના છેલ્લી ઘડીના પ્રયાસો કરાયા હતા. જે પૈકી જે સભ્યોને મનાવી લેવાયા હતા તેમણે પણ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જિલ્લાના વિવિધ તાલુકાઓની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીએ ફોર્મ પરત ખેંચવાની કામગીરી ચાલી હતી. 
ભુજમાં કનૈયાબે ગ્રામ પંચાયતના વોર્ડ નં.૧ અને ૪ ના સભ્યો હાસમશા ઓસમાણશા અને કરીમાબેન હાજી જુસબશાએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. થરાવડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દક્ષાબેન હસમુખ ભગત અને સરપંચ પદના અશ્વિન શામજી ભગત બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. ભુજ તાલુકાની સૌથી મોટી માધાપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. જેમાં સરપંચ પદ માટે કુલ છ ઉમેદવારોએ ફોર્મ હતા. જે પૈકીના ૩ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. અબડાસા તાલુકાની વધુ એક ગ્રામ પંચાયત બિનહરીફ થઈ હતી. અબડાસાની ઉસ્તિયા ગ્રામ પંચાયતના સરપંચ પદે પુરબાઈ જુમા મહેશ્વરી બિનહરીફ વરાયા છે. તેમની સામે ઉમેદવારી નોંધાવનાર માજી સરપંચ કુંવરબેન ખીમજી મહેશ્વરીએ પોતાનું ફોર્મ આજે પરત ખેંચી લીધું હતું. 
મુન્દ્રા તાલુકાના શિરાચા ગામમાં આગેવાનોના પ્રયાસ અને ગ્રામજનોની સર્વસમંતિથી માધુ રાઘુભા ચૌહાણની  પેનલ બિનહરીફ થઈ હતી. હરીફ ઉમેદવારોએ ગામના વિકાસમાં સાથે રહી સહભાગી થવાની સહમતી સાથે પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. ભુજ તાલુકાના કુરબઈ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ભરાયેલ ત્રણ ફોર્મ પૈકી એક ફોર્મ પરત ખેંચાયું હતું. મુન્દ્રા તાલુકાની ડેપા ગ્રામ પંચાયતમાં સરપંચ ખોડ નિશાબા હિંમતસિંહ અને ઉપસરપંચ જાડેજા રણજીતસિંહ ભુરૂભાની સાથે સભ્યોની પેનલ બિનહરીફ થઈ હતી. આજે પણ કચ્છના વિવિધ ગામોમાં હરીફ ઉમેદવારોને સમજાવટના પ્રયાસો મોડે સુધી ચાલુ રહ્યા હતા. ગામના આગેવાનોએ સરપંચ અને સભ્યોને બિનહરીફ કરવા છેલ્લી ઘડીના પ્રયાસો ચાલુ રાખ્યા હતા.
આજે ફોર્મ પરત ખેંચી લેવાની પ્રક્રિયા પૂર્ણ થતા હવે ચૂંટણી જંગના મેદાને રહેલા ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોતરાઈ જશે. કચ્છમાં અઢીથી ત્રણ વર્ષના સમયગાળા બાદ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. ખાસ કરીને મોટી વસ્તી ધરાવતા ગામોમાં ચૂંટણીનો માહોલ ધીમેધીમે ગરમાઈ રહ્યો છે. ઉમેદવારોએ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રર મી જૂનના મતદાન બાદ રપમી જૂનના મતગણતરી હાથ ધરાશે. ત્રણ વર્ષ જેટલા લાંબા સમય બાદ કચ્છની ગ્રામ પંચાયતોને સૂકાની મળવાના હોઈ ગ્રામિણ મતદારોમાં લોકશાહીના પર્વને લઈ ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM