Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ફાયર એનઓસી રજુ ન કરનાર શાળાઓ સામે તવાઈ

11 June

નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ બાદ 


ફાયર સેફટી મુદ્દે શિક્ષણ તંત્રનો કડક રાહે કાર્યવાહીનો સંદેશ : ગત સત્રના અંત ભાગે કચ્છની આઠ શાળાઓને કરાયો હતો દંડ 


ભુજ : આગામી સોમવાર ૯મી જૂનથી કચ્છમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. ૪પ દિવસના ઉનાળુ વેકેશન બાદ કરી શાળાઓ વિદ્યાર્થીઓથી ગાજી ઉઠશે. કચ્છ જિલ્લાની ગ્રાન્ટેડ અને નોનગ્રાન્ટેડ સહિતની પ્રાથમિક શાળાઓને ફાયર સેફટીની સુવિધા અને ફાયર એનઓસી સુનિશ્ચિત કરવી પડશે. ફાયર સેફટી મુદ્દે કોઈ પણ બાંધછોડ ન ચલાવી લેવાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના આકરા તેવરથી શાળા સંચાલકોમાં દોડધામ મચી ગઈ છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ તમામ શાળાઓમાં ટીપીઈઓ કક્ષાએથી ફાયર સેફટી અને ફાયર એનઓસીની તપાસ કરવામાં આવશે. જો શાળા ફાયર એનઓસી રજુ કરવામાં નિષ્ફળ રહેશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. 
આ અંગે વિગત આપતા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભુપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગત શૈક્ષણિક સત્રના અ ંત ભાગે કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આકસ્મિક ફાયર સેફટીની તપાસ હાથ ધરતાં જુદા જુદા તાલુકાઓની ૮ શાળાઓમાં ફાયર સેફટીનો અભાવ અને ફાયર એનઓસી ન મળતાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમ અનુસાર પ૦૦ ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતી શાળાઓ ફાયર સેફટીના સાધનો અને ફાયર એનઓસી અનિવાર્ય છે. જિલ્લાની તમામ શાળાઓને ફાયર સેફટીના સાધનો વસાવી લેવા અને ફાયર એનઓસી મેળવી લેવા સૂચના અપાઈ છે. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે તાલુકા કક્ષાએથી તપાસ શરૂ કરવામાં આવશે. આ તપાસ દરમ્યાન જો શાળાઓમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હશે કે, ફાયર એનઓસી રજુ કરવામાં નહીં આવે તો કડક પગલાં લેવામાં આવશે. સંચાલકોના  ભોગે બાળકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે તેવું તેમણે જણાવ્યું હતું. ગત શૈક્ષણિક સત્રના અંતે શાળાઓને અંતિમ અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે તેવું વધુમાં ઉમેર્યું હતું.

Comments

COMMENT / REPLY FROM