Trending News
સ્થાનિક સમાચાર

અંજારના રોટરી નગરમાં પોલીસની ધાકથી આરોપીએ સ્વૈચ્છાએ દબાણ તોડ્યું

10 June



અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળની જમીન પર પોતાના રહેણાક માટે બનાવ્યું હતું મકાન 

અંજાર : પૂર્વ કચ્છના અંજાર વિસ્તારમાં પોલીસની ધાકથી વધુ એક આરોપીએ પોતાનું દબાણ દૂર કર્યું છે.  આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ અંજાર સીમમાં રોટરીનગર વીડી રોડ પર રહેતા આરોપીએ અંજાર વિસ્તાર વિકાસ સત્તા મંડળના રેવેન્યુ સર્વે નં.૪૩ ના પ્લોટ પર પોતાના અંગત વસવાટ અને ગુનો આચરવા માટે મકાન બનાવ્યું હતું. પોલીસની ધાકથી આરોપી મુસ્તાક ઉર્ફે મુસીયો નજમુદ્દીન બાયડે આ દબાણ સ્વૈચ્છાએ હટાવ્યું હતું. આરોપી સામે હત્યાના પ્રયાસ, રાયોટીંગ, દારૂ, મારામારી સહિતના ગુના નોંધાયેલા છે. આ કાર્યવાહી આડાની રરર.૭પ સ્કવેર મીટર જમીન ખુલી થઈ હતી. બાંધકામની કિંમત છ લાખ અને પ્લોટની કિંમત ૧૬ લાખ મળી કુલ રર લાખની કિંમતી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને ડીવાયએસી મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં અંજાર પીઆઈ એ.આર. ગોહિલ અને ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીએ રોડ ટચ જમીન પર મકાન બનાવ્યું હતું. જે સ્વૈચ્છાએ તોડી પાડ્યું હતું. મકાન તોડતી વખતે પોલીસ અને પીજીવીસીએલ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.



...............

ભુજમાં આવી કાર્યવાહી ક્યારે થશે ? 

ભુજમાં ભાડા હસ્તકની જમીન પર દબાણો થયા છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ છે ત્યારે પાર્કિંગ માટે અનામત રાખેલા પ્લોટો પર પણ દબાણ થયા છે. અવાર-નવાર રજૂઆતો થતી હોવા છતાં નગરપાલિકા હોય કે અન્ય કોઈ તંત્ર માત્ર રોડ પર લારી-રેંકડી હટાવી સંતોષ માની લેવામાં આવે છે. પાકા દબાણો હજુ સુધી દૂર થયા નથી. ભુજમાં પાણીના વહેણ પર થતા પાકા બાંધકામો તોડવા માટે સૂચના હોવા છતાં ભાડા કે નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી. અગાઉ આરોપીઓના ગેરકાયદે દબાણ તોડવાની ઝુંબેશ થઈ ત્યારે પણ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. ભુજ જિલ્લા મથક હોવા છતાં સરકારી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આળસ બતાવવામાં આવતી હોય તેવું ચિત્ર જોવા મળે છે. 

Comments

COMMENT / REPLY FROM