ભચાઉમાં નર્મદા કેનાલમાં હાથ ધોવા ગયેલા કિશોરનું ડૂબી જવાથી મોત
રવિવારે સાંજે મિત્રો ફરવા ગયા હતા : નાસ્તો કરી હાથ ધોવા જતા બન્યો બનાવ
ભુજ : ભચાઉ નજીક લોધેશ્વર વિસ્તારમાં નર્મદા કેનાલમાં ડૂબી જવાથી કિશોરનું મોત થયું હતું. રવિવારે સાંજે મિત્રો સાથે ફરવા ગયેલા ૧૭ વર્ષીય ધૈર્ય મયૂર જોશીનું કેનાલમાં ડૂબી જવાથી મોત થયું છે.
ધૈર્ય પોતાના મિત્રો સાથે લોધેશ્વર નજીકના નર્મદા સંપ હાઉસ પાસે ફરવા ગયો હતો. નાસ્તો કર્યા બાદ તે કેનાલમાં હાથ ધોવા ગયો ત્યારે અચાનક કેનાલના વહેતા પાણીમાં પડી ગયો હતો સાથે રહેલા મિત્રોએ તરત જ ઘરે જાણ કરી અને સ્થાનિક તંત્રને વાકેફ કરતા ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું પણ લાંબી શોધખોળ બાદ રાત્રે ૨ વાગ્યાના સુમારે કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં આ પ્રકારની ઘટના અવારનવાર સામે આવે છે. આ બનાવથી શોકની લાગણી છવાઈ ગઈ છે. બનાવની જાણ થતાં ભચાઉ નગરપાલિકાના ફાયર વિભાગના પ્રવિણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ, મયુર રામાનંદી, આરતી કંપનીના રામસંગજી ઝાલા, બળદેવભાઈ તેમજ સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે રેસ્ક્યુની કામગીરી માટે દોડી ગયા હતા.

Comments