Trending News
સ્થાનિક સમાચાર

સરાસરી હાજરીના નિયમથી કચ્છની ગ્રાન્ટેડ શાળાઓનો વાગી જશે મૃત્યુઘંટ

08 June




શહેરમાં ૩૬ અને ગ્રામ્યમાં ર૪ની સંખ્યા ન જળવાય તો વર્ગ બંધ કરવાની જોગવાઈ બની મુસીબત : કોઈ એક વર્ષ હાજરી ઘટે તો ગ્રાન્ટ ન લેવાની શરતે વર્ગ ચાલુ રાખી, ત્રણ વર્ષ સરાસરી ન જળવાય તો વર્ગ બંધ કરવાની જોગવાઈ કરવા સંચાલકોની લાગણી


ભુજ : શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ પડકારોથી સતત ઝઝૂમતા રહેતા કચ્છ જિલ્લામાં સરાસરી હાજરીનો ઠરાવ ગ્રાન્ટેડ શાળાઓ માટે મુસીબત બન્યો છે. શહેરની શાળાઓમાં ૩૬ અને ગ્રામ્ય શાળાઓમાં ર૪ વિદ્યાર્થીઓની સંખ્યા ન જળવાય તો વર્ગ બંધ કરી દેવાની જોગવાઈથી કચ્છમાં કેટલીક ગ્રાન્ટેડ શાળાઓ બંધ થવાની ભીતિ સર્જાઈ છે. જો નિયમમાં છૂટછાટ નહીં અપાય તો કચ્છ સહિત રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલો ટપોટપ બંધ થવા લાગશે અને ધીમે-ધીમે ગ્રાન્ટેડ શાળાઓનું અસ્તિત્વ જ મટી જશે તેવી ભીતિ સંચાલકો વ્યક્ત કરી રહ્યા છે. ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોએ સરાસરી હાજરીના નિયમમાં કેટલીક છૂટછાટ આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ સહિત રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં સરાસરી હાજરી માટે વર્ષ ર૦ર૩માં એક ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં શહેરી વિસ્તારમાં ૩૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ર૪ વિદ્યાર્થીઓની સંખ્યા ન જળવાય તો સીધા જ વર્ગ બંધ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ વર્ષ ર૦૧૧માં થયેલ ઠરાવમાં સરાસરી હાજરી ન જળાવય તો અમુક ટકા ગ્રાન્ટ કાપ આપીને વર્ગો ચાલુ રાખવાની જોગવાઈ હતી, જેથી ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો દ્વારા કોઈ એક વર્ષ સરાસરી હાજરી ઘટે તો ગ્રાન્ટ ન લેવાની શરતે વર્ગ ચાલુ રાખી જો સતત ત્રણ વર્ષ સરાસરી ન જળવાય તો જ વર્ગ બંધ કરવાની જોગવાઈનો અમલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
કચ્છમાંં ગ્રાન્ટેડ સ્કૂલોના સરાસરી હાજરીના નિયમોને લઈ શાળાઓની સ્થિતિ કફોળી બની હોવાની વિગતો સામે આવી છે. સરકાર દ્વારા ૭ ડિસેમ્બર, ર૦ર૩ના ઠરાવ બહાર પાડી શહેરી વિસ્તારની શાળામાં ૩૬ અને ગ્રામ્ય વિસ્તારની શાળામાં ર૪થી ઓછી સંખ્યા થાય તો સીધા જ ક્રમીક વર્ગો બંધ કરી દેવાનો નિયમ અમલી બનાવાયો છે. આ નિયમના કારણે ગ્રાન્ટેડ શાળાઓનો મૃત્યુઘંટ વાગી જશે તેવું સંચાલકો માની રહ્યા છે. સરકારી શાળાઓમાં સરાસરી હાજજરીનો નિયમ નથી, પરંતુ માત્ર ગ્રાન્ટેડ સ્કૂલો માટે જ આ નિયમ લાગુ કરવામાં આવતો હોવાથી ગ્રાન્ટેડ શાળાઓ મુશ્કેલીમાં મૂકાઈ છે. સરાસરી હાજજરી માટે ૮મી માર્ચ, ર૦૧૧ના થયેલા ઠરાવમાં જો સ્કૂલોમાં સરાસરી હાજરી ઘટે તો ગ્રાન્ટ ન લેવાની શરતે વર્ગો ચાલુ રાખવાનું નક્કી કરાયું હતું. આમ જે પણ શાળામાં સરાસરી હાજરી નક્કી કરેલી વિદ્યાર્થી સંખ્યા કરતા ઓછી હોય તો સ્કૂલો ગ્રાન્ટન લેવાની શરતે વર્ગ ચાલુ રાખી શકતી હતી, પરંતુ વર્ષ ર૦ર૩માં થયેલા ઠરાવમાં આ જોગવાઈ રદ્દ કરી સરાસરી હાજરી ન જળવાય તો વર્ગ બંધ કરી દેવાનું નક્કી કરાયેલું છે. ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં ક્રમિક વર્ગો એટલે કે ધો.૧૦ અથવા ધો.૧રના વર્ગો પણ બંધ કરી દેવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નિયમને લીધે અનેક શાળાઓ બંધ થવાની ભીતિ સર્જાઈ છે. શાળા સંચાલકો એક વર્ષ સરકરી હાજરી ઘટે તો ગ્રાન્ટ ન લેવાની શરતે અને સતત ૩ વર્ષ હાજરી ન જળવાય તો જ વર્ગ બંધ કરવાની જોગવાઈ ચાલુ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી 
રહ્યા છે.


...........

Comments

COMMENT / REPLY FROM