Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીએ ગરમી પકડી 

08 June

સરપંચ પદ પ્રાપ્ત કરવા મુરતિયાઓમાં થનગનાટ 





ખીરસરા (રોહા), નારાણપર (રોહા) બિનહરીફ ભણી અગ્રેસર : ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ બની : મેળા જેવો માહોલ 




સોમવારે ફોર્મ ભરવા અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો ફાટશે : ઉમેદવારોને ફોર્મ ભરવાની પ્રક્રિયા સાત કોઠા વિધવા સમાન : સાંયરા (યક્ષ), વિથોણ, સુખપર (રોહા), કોટડા (રોહા), રોહા (સુમરી), વંગ, ડાડોર, ખારડિયા, મોટા અંગિયા, નાના - મોટા કાદિયા, નારાણપર (રોહા) સહિત ૧૦ ગામને મળશે નવા સરપંચા : મોટાભાગના ગામોમાં ચૂંટણી જંગ જામવાના એંધાણ : ૩૭ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે 


નખત્રાણા : પશ્ચિમ કચ્છના મુખ્યત્વે પાટીદાર સમાજની વસતી ધરાવતા નત્રાણા તાલુકામાં રાજકારણની પા.. પા.. પગલી ગણતી અને રાજકારણ ક્ષેત્રે પગ પેસારો કરાવતી ગામ પંચાયતની ચૂંટણી માટે આમ તો બીજી જુનથી ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થયું છે, પરંતુ શાંતિ પ્રિય નખત્રાણા તાલુકામાં છેલ્લા ૪ દિવસ શાંતિ રહ્યા બાદ શુક્રવારે સાંજે ફોર્મ ઉપાડવાનું ટપોટપ ચાલુ થતાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો રાફડો ફાટે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આગામી રરમી જુનના યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીનું વાતાવરણ હવે જમાવટ કરશે. 
તાલુકામાં ૧૦ ગ્રામ પંચાયતમાં સામાન્ય અને અન્ય પંચાયતોમાં ૩૭ બેઠકો પર વોર્ડ વાઈઝની ખાલી જગ્યા પર ચૂંટણી થશે. તાલુકા મથકે તાલુકા પંચાયત કચેરીમાં અને મામલતદાર કચેરીમાં ગામે ગામથી આવતા ઉમેદવારો ફોર્મ ભરવાની પ્રક્રિયા અને જરૂરી આધાર - પુરાવા સાથે ડોક્યુમેન્ટ લેવા પસીનો પાડી રહ્યા છે. 
તાલુકાના વિથોણ ગામે પાંચ જેટલા ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા છે, ત્યાં ચૂંટણી યોજાય તે નક્કી છે. વિથોણમાં અનુસૂચિત જાતિ મહિલા અનામ બેઠકનું રોટેશન છે. ત્યાં જનરલ ગ્રામસભા યોજાઈ ગઈ પરંતુ કોઈ સમરસ થયાનું જાણવા મળેલ નથી. ત્યાં લોચા વાલબાઈ દાનજીભાઈ ચાવડા, મગીબેન ખેંગાર, લક્ષ્મીબેન વિઠ્ઠલભાઈ મહેશ્વરી, પાયણ રતનબેન શિવજીભાઈ દ્વારા ચૂંટણી ફોર્મ ભરાય તેવી વકી છે. અન્ય ઉમેદવારો પણ ઝંપલાવશે. તો સાંયરા (યક્ષ) બિનઅનામત સામાન્ય બેઠક પર પૂર્વ સરપંચ ધીરજલાલ રામજી પટેલ તથા જયંતીલાલ નાકરાણી વચ્ચે જંગ જામે તેવા એંધાણ છે. સાંસદના ગામ સુખપર (રોહા)માં વિક્રમભાઈ ગરવા, મુળજીભાઈ ચાવડા, પ્રેમજીભાઈ ભુડિયા સહિત ઉમેદવારો સરપંચની રેસમાં ઝંપલાવશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. રોહા (સુમરી) ગ્રામ પંચાયતમાં ત્રિ-પાંખિયો જંગ જામે તેવું ચિત્ર ઉપસ્યું છે. માંજોઠી સાલેમામદ, ગોસ્વામી ધવલગિરિના નામો ચર્ચાઈ રહ્યા છે, ત્યાં બક્ષીપંચ અનામત બેઠક છે. તો કોટડા (રોહા)માં બક્ષીપંચ સ્ત્રી અનામત બેઠક પર રોશનબાનુ સૌક્તઅલી  હિંગોરાએ ઉમેદવારી નોંધાવે તેવી વકી છે. મોટા અંગિયામાં સરપંચ પદે અ.જા. અનામત બેઠક પર સરપંચ આરૂઢ  થશે. કાદિયા નાના - મોટામાં પણ ચૂંટણી યોજાઈ રહી છે. વિભાપર, નારાણપર (રોહા), ખીરસરા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. વંગ, ખારડિયા, ડાડોરમાં પણ પ્રથમ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. અન્ય ૩૭ ગ્રામ પંચાયતના વોર્ડની ખાલી બેઠકો પર ચૂંટણી યોજાશે. 
બીજીતરફ ઉમેદવારોનું જાતિ પ્રમાણપત્રના દાખલા તથા ૧૩ પાનાના ઉમેદવારી ફોર્મમાં મિલકત સબંધી વિગતો, ગુનાખોરીનો ઈતિહાસ, બાકી લેણાનો વેરાની વિગતો સહિતની અટપટી બિનજરૂરી માહિતી આપવા જતા ઉમેદવારને નાકે દમ આવી જાય છે. આ પડોજણના લીધે ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવવાનું માંડી વાળે તેવી વાત પણ સપાટી પર છે. ગામડામાં ચૂંટણીને લઈ મેળા જેવો માહોલ છવાયો છે.

...............



નખત્રાણા નગરપાલિકાની ચૂંટણી જાહેર ન થતાં નગરજનો નિરાસ 



નખત્રાણા નગરપાલિકામાંથી વહિવટદારના રાજમાંથી કયારે મુક્તિ મળશે ? : રોટેશન જાહેર થયું, વોર્ડની રચના થઈ છતાં ચૂંટણી જાહેર ન થઈ : પ્રમુખનું રોટેશન બદલવા તથા વિરાણી ગામને નગરપાલિકામાં જોડવાના મુદા ચૂંટણી ન થવાના કારણો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે 




નખત્રાણા : ચૂંટણીપંચ દ્વારા તાલુકાના મોટાભાગની ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરીને વહિવટદારના શાસનનો અંત આણ્યો છે, પરંતુ સૌથી મોટી ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનેલ નખત્રીાણા નગરપાલિકાની ચૂંટણી જાહેર ન થતાં નગરજનો નિરાસ થયા છે અને અહીં વહિવટદારના શાસનનો અંત ન આવતા લોકોની પીડામાં વધારો થયો છે. ચૂંટણી જાહેર ન થવા પાછળના કારણોમાં એક પ્રમુખ પદનું અને બીજું વિરાણી ગામને નગરપાલિકામાં સમાવેશ કરી અને ઉચ્ચ કક્ષાનો દરજ્જો મળે તથા વોર્ડ વાઈઝનની પુન રચનજા થાય તે માટે પણ રજૂઆત થઈ છે. અને તે પ્રક્રિયાના વિલંબમાં ચૂંટણી હજુ એક વર્ષ નહીં થાય તેવા સંજોગો ઉભા થયા છે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. 

............

Comments

COMMENT / REPLY FROM