ભુજના વાણિયાવાડમાં નગરપાલિકા અને કાછિયાઓ વચ્ચે ઘર્ષણ
સુધરાઈ તંત્ર દ્વારા વાણિયાવાડમાંથી શાકભાજીના લારી-ગલ્લાઓ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ : શાકભાજીના ફેરિયાઓએ હાથાપાઈ કરતા પોલીસે સંભાળ્યો મોરચો : અમુક ફેરિયાઓની પોલીસે કરી અટકાયત
ભુજ : શહેરના વાણિયાવાડ વિસ્તારમાં આજે સવારે સુધરાઈ તંત્ર દ્વારા જાહેરમાં લારી-ગલ્લા ઊભા રાખી શાકભાજી અને ફળફળાદિનું વેચાણ કરતા ફેરિયાઓને હટાવવામાં આવ્યા હતા. સુધરાઈ તંત્રની કામગીરી દરમિયાન ફેરિયાઓ અને નગરપાલિકાના કર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. અમુક ફેરિયાઓએ ખસી જવાનો ઈન્કાર કરી સુધરાઈ કર્મીઓ સાથે ધક્કામુક્કી કરતા ભુજ શહેર પોલીસે મોરચો સંભાળ્યો હતો. બબાલ કરી રહેલા ફેરિયાઓ પર કાયદાનો દંડો ઉગામ્યો હતો અને અમુક લારી-ગલ્લા ધારકોની અટકાયત કરી હતી.
ભુજ નગરપાલિકાએ શહેરના ઓપનએર થિયેટરમાં શાકભાજી અને ફળફળાદિના વિક્રેતાઓને જગ્યા ફાળવી જાહેર માર્ગ પરથી ખસી જવા તાકીદ કરી હતી પરંતુ ઓપનએર થિયેટરમાં ગ્રાહકો આવતા ન હોવાનું જણાવી ફેરિયાઓ પોતાની મૂળ જગ્યા છોડવા તૈયાર થયા ન હતા. આજે સવારે સુધરાઈ તંત્રએ કડકાઈથી દબાણો હટાવવાની કામગીરી કરતા ભારે બબાલ થઈ હતી. આ ઘર્ષણના પગલે મોટું ટોળું એકઠું થઈ ગયું હતું.
આ તકે ભુજ શહેર શેરીફેરિયા સંગઠનના મામદ લાખાએ જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકાના સત્તાધિશો અને દબાણ શાખાના કર્મચારીઓ વચ્ચે સંકલનના અભાવે ઓપનએર થિયેટરમાં ગોઠવાયેલ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી ત્યારે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કાર્યવાહી ગરીબ શ્રમજીવીઓની આજીવિકા પર તરાપ સમાન છે.
........

Comments