ભુજમાં વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
ગામના સરપંચોને હરીયાળું કચ્છ બનાવવા અભિયાન છેડવા મહાનુભાવોએ કર્યું આહવાન : જિલ્લામા વન વિભાગ દ્વારા ૪૦ લાખ રોપાનું વિતરણ તથા નવ લાખ રોપાનું વાવેતર કરવામાં આવશે
ભુજ : સેવન સ્કાય હોટેલ ખાતે વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષણ ડો. સંદિપકુમારની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણ ક્ષેત્રે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તીઓની સરાહના સાથે માર્ગદર્શન અપાયું હતું.
ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા સરપંચોને વન વિભાગના સહયોગ મારફતે વૃક્ષારોપણને ઝુંબેશ તરીકે અપનાવી પર્યાવરણનું સંરક્ષણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવો સાથે વૃક્ષરથને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા દ્વારા સરપંચોને હરીયાળુ કચ્છ બનાવવા અને વધુમાં વધુ વૃક્ષો વાવવા સંદેશ આપ્યો હતો. કચ્છ વિસ્તરણ વન વિભાગના નાયબ વન સંરક્ષણ જયનકુમાર પટેલે જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા ચાલુ વર્ષે ૪૦ લાખ રોપાનું વિતરણ તથા નવ લાખ રોપાનું વાવેતર કરવામાં આવશે. જે અંતર્ગત ભુજ અને માધાપરમાં ૧૫૦૦ રોપાનું મફત વિતરણ કરવામાં આવશે.
કાર્યક્રમમાં કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક હર્ષ ઠકકર, મદદનીશ વન સંરક્ષક પી.એન. વાઘેલા, ભુજ રેન્જના રે.ફો.ઓ. આર.જે. દેસાઈ, નખત્રાણા રેન્જના રે.ફો.ઓ. આઇ.જે. મહેશ્વરી, સ્થાનિક વનપાલ, વનરક્ષકો, ગ્રામ પંચાયતના ૧૦૦ જેટલા સરપંચો સહિતના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં પધારેલા લોકોને નમો વડ વન અભિયાન ૨.૦ અંર્તગત વડ, પીપળ, જમરૂખ, જાંબુના રોપા તેમજ ચકલીઘરની ભેટ આપવામાં આવી હતી.
----

Comments