Trending News
સ્થાનિક સમાચાર

મેઘપર બોરીચીમાં બે સ્પાની ધંધાકીય અદાવતમાં યુવતી પર એસીડ એટેક કરાયો 

06 June



સ્પાનો સમય પૂર્ણ થયા બાદ આવી મસાજની ડિમાન્ડ કરી હોબાળો કરાયો : મહિલાએ પ્રતિકાર કરતાં આરોપી ભાગી ગયા : પોલીસે બે શખ્સોની ધરપકડ કરી 



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ઠેક ઠેકાણે મસાજના નામે સ્પાના હાટડાઓ ધમધમી ઉઠ્યા છે. સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પણ પર્દાફાશ થઈ ચુકયો છે. સ્પા એટલા વધી ગયા છે કે, હવે ધંધાકીય અદાવતમાં હુમલાના બનાવો પણ સામે આવી રહ્યા છે. આ બાબતે મળતી વિગતો મુજબ મેઘપર બોરીચીમાં આવેલા સ્પામાં આ બનાવ બન્યો હતો. ફરિયાદી યુવતીના જણાવ્યા પ્રમાણે નજીકમાં આવેલા એ-૧ સ્પાના પાર્ટનર કલ્પેશ પચાણભાઈ દેસાઈ તથા શબ્બીર બાયડ અને તેના સાગરીતો ફિરોઝ લંઘો, મયુર દિનેશભાઈ ઠક્કર, વસંત કોલી અને અન્ય એક અજાણ્યા ઈસમ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ધંધાકીય મનદુઃખ રાખીને આરોપીઓ ફરિયાદીના સ્પા પર પહોંચ્યા અને બે છોકરીઓ સાથે છેડતી કરી હતી. સ્પાનો સમય પૂર્ણ થઈ ગયો હોવા છતાં મસાજની ડિમાન્ડ કરી હતી. મેનેજરે ઈન્કાર કરતાં ઝઘડો કરી બે જણાએ મેનેજરના હાથ પકડયા અને એક જણાએ માથાના વાળ ખેંચી કલ્પેશે એસીડ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવતીએ હાથ છોડાવી ચહેરા પર હાથ આડો દેતા હાથ પર એસીડના છાંટા પડ્યા હતા. રાડારાડી વચ્ચે આરોપીઓ ભાગી ગયા અને જતા જતા શબ્બીરે ધમકી આપી કે, આ વખતે બચી ગઈ છો બીજી વખત આવશું ત્યારે તારો ચહેરો બગાડી નાખશું. અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને કલ્પેશ અને મયુરની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

 

Comments

COMMENT / REPLY FROM