ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં નેક ટીમનો ત્રણ દિવસીય મૂલ્યાંકન પ્રવાસ સંપન્ન
ભુજ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી માટે એક ઐતિહાસિક પળની નોંધ લેતા નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (નેક)ની પીઅર ટીમે યુનિવર્સિટીના વ્યાપક મૂલ્યાંકન માટેનો તેમનો ત્રણ-દિવસીય પ્રવાસ પૂર્ણ કર્યો છે. યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પ્રથમ વખત નેક માન્યતા માટે અરજી કરવામાં આવી છે, જે શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ સીમાચિન્હરૂપ છે.
નેક પીઅર ટીમે યુનિવર્સિટીના શૈક્ષણિક, વહીવટી અને માળખાકીય પાસાઓની સઘન તપાસ કરી હતી. આ મૂલ્યાંકન પ્રવાસ તા.૩ જુન થી તા. ૫ જુન સુધી ચાલ્યો હતો. યુનિવર્સિટી માટે આ મૂલ્યાંકન પ્રથમ વખત હતું. મૂલ્યાંકન હાઈબ્રિડ ફોર્મેટમાં કરવામાં આવ્યું હતું. બે સભ્યોની મુલાકાતી ટીમ સાથે પાંચ સભ્યોની નેક સમિતિ વિગતવાર અને સહયોગી મૂલ્યાંકન સુનિશ્ચિત કરવા માટે ઓનલાઈન જોડાઈ હતી. સમિતિમાં પ્રોફેસર માચા ભાસ્કર-ચેરમન અને પ્રોફેસર હરિહરન, પ્રોફેસર અબ્દુલ માલિક, ડોક્ટર અમિત સિંહ, પ્રોફેસર વિજય, પ્રોફેસર આર. સી. નૌતિયાલ, પ્રોફેસર હરિપ્રસાદ કે. સભ્યો હતા. કુલસચિવ ડો. અનીલ એચ. ગોરે તમામ સમિતિના સભ્યોનું સ્વાગત કર્યું હતું. આ પ્રવાસ દરમિયાન નેક ટીમને વાઇસ ચાન્સેલર ડો. મોહન પટેલ દ્વારા યુનિવર્સિટીના શૈક્ષણિક કાર્યક્રમો, સંશોધન પ્રવૃત્તિઓ, ભૌતિક અને ડિજિટલ ઇન્ફાસ્ટ્રક્ચર, વિદ્યાર્થી સેવાઓ અને ભવિષ્યની વિકાસ યોજનાઓ પર વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.
આઈક્યુએસી કો-ઓર્ડિનેટર ડો. કાશ્મીરા મહેતાએ છેલ્લા પાંચ વર્ષનો ચિતાર આપ્યો હતો. તેઓએ અભ્યાસિક પ્રવૃતિઓ, સહ અભ્યાસિક પ્રવૃતિઓ, રીસર્ચ પેપર્સ, પ્રોજેક્ટસ, પેટન્ટ્સ, યુનિવર્સિટી કેમ્પસ પર ઉપલબ્ધ સગવડો વિશે સમિતિને વાકેફ કર્યા હતા અને નેક માર્ગદર્શિકા મુજબના તમામ દસ્તાવેજો, અહેવાલો અને પુરાવાઓના ઝીણવટભર્યા સંકલન અને રજૂઆતમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. કુલસચિવ ડો. અનીલ ગોરે યુનિવર્સિટીના વહીવટી અને નાણાકીય પાસાઓની રજૂઆત આપી હતી.
ટીમે યુનિવર્સિટીના વિવિધ વિભાગો, કેન્દ્રીય પુસ્તકાલય, પ્રયોગશાળાઓ અને કેમ્પસની અન્ય સુવિધાઓની પણ મુલાકાત લીધી હતી. યુનિવર્સિટીની વિવિધ સમિતિઓ, શિક્ષણ સ્ટાફ, વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને બિનશિક્ષક સ્ટાફ સાથે પણ મુલાકાત કરી હતી, જેથી યુનિવર્સિટીના એકંદર વાતાવરણ અને કામગીરી વિશે વ્યાપક પરિપ્રેક્ષ્ય મેળવી શકાય. બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટીવ કાઉન્સિલ દ્વારા યુનિવર્સિટીના આગામી આયામો વિશે વિસ્તૃત ચર્ચા પીઅર ટીમ સમક્ષ કરવામાં આવી હતી અને ફ્યુચર રોડમેપ રજુ કરવામાં આવ્યો હતો. આ પ્રવાસમાં ગુણવત્તા ખાતરી પ્રણાલીઓ, નવીન પદ્ધતિઓ અને શ્રેષ્ઠ પ્રથાઓની ચર્ચાનો પણ સમાવેશ થાય છે, જે યુનિવર્સિટી દ્વારા અપનાવવામાં આવી રહી છે. વિવિધ વિભાગના અધ્યક્ષોએ પોતાના વિભાગોનો ઈતિહાસ, પ્રવૃત્તિઓ, શ્રેષ્ઠ પ્રથાઓ અને રિસર્ચ પબ્લીકેશન વિશેની માહિતી આપતું પ્રેઝેન્ટેશન કર્યું હતું.
વાઇસ ચાન્સેલર ડો. મોહન પટેલે આ પ્રવાસ અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી માટે તેની સ્થાપનાના ૨૧ વર્ષ પછી પહેલીવાર નેક (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ) મૂલ્યાંકન માટે અરજી કરવી એ એક નોંધપાત્ર સીમાચિન્કરૂપ ઘટના છે. આ સાયકલ ૧ માન્યતા યુનિવર્સિટીને તેની શૈક્ષણિક ગુણવત્તા, માળખાકીય સુવિધાઓ, સંશોધન પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થી સેવાઓ સહિતના વિવિધ પાસાઓની રાષ્ટ્રીય ધોરણો સાથે તુલના કરવાની અને તેમાં સુધારો કરવાની તક પૂરી પાડે છે. આ મૂલ્યાંકન અમારી શક્તિઓને પ્રદર્શિત કરવા અને સુધારણાના ક્ષેત્રોને ઓળખવા માટે એક મૂલ્યવાન તક હતી. આ મૂલ્યાંકન પદ્ધતિમાં સહયોગ આપનાર તમામ મેનેજમેન્ટ, અધિકારીઓ, ભૂતપૂર્વ તેમજ હાલના વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ કર્મચારીઓનો આભાર માન્યો હતો.
----

Comments