હડપ્પા સંસ્કૃતિ પહેલાં પણ માનવ વસાહત હોવાનો પુરાતાત્વિક સંકેત
ભુજ : કચ્છ વિસ્તારના વિશાળ ભૌગોલિક વિસ્તારમાં સમૃદ્ધ પ્રાગ - ઐતિહાસિક શિકારી - સંગ્રાહક સમુદાયો વસતા હતા. ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા ગાંધીનગરના સંશોધકો અને ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા કાનપુર, ઇન્ટર યુનિવર્સિટી એક્સેલરેટર સેન્ટર દિલ્હી અને ભૌતિક સંશોધન પ્રયોગશાળા અમદાવાદના નિષ્ણાતોએ સાથે મળીને પુરાતત્વીય પુરાવો શોધ્યો છે. કચ્છમાં માનવ ઉપસ્થિતિ હડપ્પા યુગથી ઓછામાં ઓછા પાંચ હજાર વર્ષ પહેલાંની છે.
પ્રો. પ્રભાકરે ઉલ્લેખ કર્યો કે ખડીર અને તેની આસપાસના ટાપુઓમાંથી એકત્ર કરાયેલા શંખના નમૂનાનું વિશ્લેષણ અમદાવાદમાં પ્રો. રવિ ભૂષણ અને જે.એસ. રે ના સહયોગથી અને દિલ્હી ખાતે ડૉ. પંકજ કુમારની સહાયથી કરવામાં આવ્યું હતું. વિશ્લેષણના પરિણામોએ પુષ્ટિ આપી કે આ શંખ-માટી સ્થળો હડપ્પા યુગ કરતાં ઘણાં પહેલાંના છે અને તેઓ આ વિસ્તારની પ્રાચીન માનવ વસાહતનો દુર્લભ પુરાવો આપે છે. કચ્છના આ નવા શોધાયેલ સ્થળોને તેવા પ્રથમ સ્થળો તરીકે દસ્તાવેજિત કરવામાં આવ્યા છે, જેમના સાંસ્કૃતિક અને સમયક્રમિક સંદર્ભ સ્પષ્ટ છે. સંશોધકોના મતે, પાકિસ્તાનના લસબેલા અને મકરાન પ્રદેશો તેમજ ઓમાનના દ્વીપકલ્પ તટવર્તી પુરાતત્ત્વીય સ્થળો સાથે સમાનતાઓ જોવા મળે છે, જે સૂચવે છે કે સમગ્ર વિસ્તૃત વિસ્તારના તટીય સમુદાયો ખોરાક એકઠા કરવાનો અને આજીવિકા ચલાવવાનો સમાન વ્યૂહરચના અનુસરી રહ્યા હશે.
શંખના વિખેરાયેલા અને જમા અવશેષો ઉપરાંત, ટીમેને કાપવા, છોલવા અને ચીરવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના પથ્થરના સાધનો મળ્યા છે. આ સાધનો બનાવવામાં જે મૂળ પથ્થરનાં ટુકડા (કોર) ઉપયોગમાં લેવાયા હતા, તે પણ મળ્યા છે. પોસ્ટડોક્ટોરલ સંશોધક ડૉ. શિખા રાયએ જણાવ્યું કે,સાધનો અને સંબંધિત કાચા માલસામાનની હાજરી દર્શાવે છે કે આ સમુદાયો દૈનિક કાર્યો માટેના સાધનોના વ્યાપક ઉત્પાદનમાં વ્યસ્ત હતા. કાચો માલસામાન ખડીર દ્વીપ પરથી મળ્યો હોઈ શકે છે, જે હાલ હડપ્પા યુગના શહેર ધોળાવીરાને કારણે જાણીતું છે, જો કે અન્ય સ્ત્રોતો પણ શક્ય છે. કચ્છમાં શહેરીકરણ મુખ્યત્વે સિંધ પ્રદેશના પ્રભાવથી થયું હતું. પ્રભાકરે જણાવ્યું હતું કે, અચાનક થયેલી બાહ્ય અસર નહીં, પણ અહીં આપણે જે જોઈ રહ્યા છીએ તે સ્થાનિક સ્તરે મૂળ ધરાવતી ક્રમશઃ અનુકૂલન અને સાંસ્કૃતિક વિકાસની પ્રક્રિયા છે. સ્થાનિક ભૂગોળ, જળસ્રોતો અને નાવપરિવહન અંગે સંચિત થયેલું જ્ઞાન શક્ય છે કે બાદમાં હડપ્પન લોકોને તેમની વસાહતો વધુ અસરકારક રીતે આયોજન કરવામાં અને લાંબી અંતરયાત્રા વેપારમાં જોડાવામાં મદદરૂપ બન્યું હોય.
સંશોધકો માને છે કે આ શંખ-માટીઓ અને તેમનો વિખેરાવું ભૂતકાળના પર્યાવરણ વિષેના અભ્યાસોમાં પણ ખૂબ ઉપયોગી બની શકે છે. કારણ કે હવામાનમાં ફેરફાર હજારો વર્ષમાં ધીમી રીતે થાય છે અને ટૂંકાગાળામાં સીધો અનુભવ થતો નથી. તેથી શંખ જેવા કુદરતી પદાર્થોમાં અતિતના વાતાવરણના સંકેતો સંચિત હોય છે.ગાંધીનગરના અગાઉના અભ્યાસોએ ખડીર ટાપુના છેલ્લા ૧૧,૫૦૦ વર્ષના પર્યાવરણીય નકશાની રચના કરી છે. હવે મળેલી આ શંખ-માટીઓનું વધુ વિશ્લેષણ એ જલવાયુ પરિપ્રેક્ષ્યમાં વધારે મહત્વની માહિતી આપી શકે છે. જેમાં આરંભિક માનવ વસાહત ચાલી રહી હતી.
ડૉ. રાયે જણાવ્યું હતું કે, તેેઓએ તેમના પર્યાવરણીય મર્યાદાઓને ધ્યાનમાં રાખીને જીવી શકવાની ક્ષમતા દેખાડેલી છે, જે આજના વૈશ્વિક હવામાન પરિવર્તનના સંદર્ભમાં શીખવા જેવી છે. હવે સંશોધક ટીમનું લક્ષ્ય ગુજરાતમાં પ્રાગૈતિહાસિકથી ઇતિહાસિક યુગ સુધીના સાંસ્કૃતિક વિકાસનો નકશો બનાવવાનું છે, જેથી માનવ અનુકૂલનની પ્રક્રિયા કેવી રીતે વિકસી તે વિસ્તૃત રીતે સમજવામાં મદદ મળે. વર્ષ ૨૦૨૫માં આયોજિત ૧૭મી વાર્ષિક દક્ષિણ એશીયાઇ પુરાતત્વ કાર્યશાળા (હાર્ટવિક કોલેજ અને શિકાગો વિશ્વવિદ્યાલય), ઇન્ડો - ઈરાની સરહદી ક્ષેત્રની પુરાતત્વ વિષયક સંગોષ્ઠી શ્રેણી (સોરબોન વિશ્વવિદ્યાલય, પેરીસ) અને પ્રાગૈતિહાસિક અને ચતુર્થાંશ અભ્યાસ હેતુ ઇન્ડિયન સોસાયટીએ ૫૦માં વાર્ષિક સંમેલન (રાયપુર)માં આ અભ્યાસનો નિષ્કર્ષ રજૂ કર્યો હતો. સંશોધન ટીમમાં પ્રો. વિક્રાંત જૈન (પૃથ્વી વિજ્ઞાન વિભાગ, આઈઆઈટી ગાંધીનગર), પ્રો. જાવેદ મલિક અને દેબજ્યોતિ પૉલ (આઈઆઈટી કાનપુર), ડૉ. પંકજ કુમાર (ઈન્ટર યુનિવર્સિટી એસેલેરેટર સેન્ટર, દિલ્હી) અને મહેન્દ્રસિંહ ગઢવી (એલ.ડી. કોલેજ, અમદાવાદ) સામેલ હતા.
------

Comments