સિંદુરના છોડથી પર્યાવરણ જતન સાથે દેશભક્તિનો સંદેશ
ભુજમાં પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી
કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કચ્છવાસીઓને ઘરેઘરે સિંદુર વૃક્ષના વાવેતરનો કર્યો અનુરોધ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે શહેરીજનોને સિંદુર રોપાઓનું કરાયું વિતરણ
ભુજ : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ દેશની સેનાએ ઓપરેશન સિંદુરના માધ્યમથી આતંક પર પ્રભાવક પ્રહાર કર્યો છે. ઓપરેશન સિંદુરની ભવ્ય સફળતા બાદ દેશભરમાં તિરંગાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા છે, ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે કચ્છમાં ઘરે ઘરે સિંદુરના વૃક્ષનો ઉછેર થાય અને દેશના નેતૃત્વ અને સૈન્યના પરાક્રમની યાદ કાયમી જળવાઈ રહે તે માટે સિંદુરના રોપાઓનું વિતરણ કરાયું છે. દરેક કચ્છવાસીઓ પોતાના ઘેર સિંદુરના છોડનું વાવેતર કરે તેવી અપીલ કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ કરી હતી. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે કચ્છના સાંસદની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ભુજના જયુબિલી ગ્રાઉન્ડ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકોને સિંદુરના રોપાઓનું વિતરણ કરાયું હતું. આ તકે શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં વડાપ્રધાન મોદીએ ભુજમાં જે સ્થળે દેશવાસીઓને સંબોધન કર્યું હતું. તે સ્થળે સિંદુર વન બનવાનું છે. સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આવનાર દિવસોમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે આ પ્રકારનો વધુ મોટો કાર્યક્રમ યોજાશે.
અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે જણાવ્યું હતું કે, વર્તમાન સમયે પર્યાવરણીય અસંતુલન વધ્યું છે, ત્યારે વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય તે ઈચ્છનીય છે. ઓપરેશન સિંદુરની સફળતા બાદ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે લોકોને સિંદુરના રોપાનું વિતરણ કરાયું છે. સિંદુરનું વૃક્ષ પર્યાવરણની સુરક્ષા અને લોક આરોગ્ય માટે લાભદાયક છે. લોકો વધુને વધુ સિંદુર વૃક્ષનું વાવેતર કરે તેવી અપીલ સાથે કચ્છવાસીઓને પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે ભારતીય સેના અને દેશના નેતૃત્વએ ઓપરેશન સિંદુરના પરાક્રમથી આતંકવાદને પરાસ્ત કર્યું છે, તેવું જણાવ્યું હતું. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે કચ્છની બે સંસ્થાઓ દ્વારા સિંદુરના રોપાનું વિતરણ કરાયું, ત્યારે આજની ઉજવણીમાં પર્યાવરણના જતન સાથે દેશભક્તિનો સંદેશ અપાયો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મોટી સંખ્યામાં ભુજવાસીઓને સિંદુરના રોપાઓનું વિતરણ કરાયું હતું. સાથે ઉપસ્થિત સેનાના જવાનોને પણ સિંદુરના રોપાઓનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા ઈન્ચાર્જ યજ્ઞેશભાઈ દવે, ધવલભાઈ આચાર્ય, રાહુલભાઈ ગોર, મીતભાઈ ઠક્કર, હસ્મિતાબેન ગોર, પારૂલબેન કારા, તાપસ શાહ, મહિદીપસિંહ જાડેજા, અનવરભાઈ નોડે, માવજીભાઈ ગુંસાઈ, મનીષાબેન સોલંકી, રવિભાઈ નામોરી, જયંત ઠક્કર વગેરે ઉપરાંત ભુજના નગરસેવકો, યુવા અને મહિલા મોરચાના કાર્યકરો હાજર રહ્યા હતા.

Comments