અંજાર-સતાપર રોડ પર ગમખ્વાર અકસ્માત : બેનાં મોત, ૪ ઘવાયા
પૂરપાટ જતી ક્રેટા ચાલકે બે બાઈક અને એક્ટિવાને ટક્કર મારતા બની ઘટના : અકસ્માતમાં વાહનોનો બુકડો બોલી ગયો : કારમાંથી આદિપુરની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું આઈકાર્ડ મળ્યું
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. આજે સવારે અંજાર-સતાપર રોડ પર માધવ વિલા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં અંજાર તરફ જતા ક્રેટા કારના ચાલકે બે બાઈક અને એક્ટિવાને ટક્કર મારી ઉડાવતા ઘટનાસ્થળે ગંભીર ઈજાઓના કારણે બે લોકોના મોત થયા હતા, જ્યારે ચાર લોકો ઈજા ગ્રસ્ત થયા હતા.
આ બાબતે મળતી વિગતો મુજબ અંજાર-સતાપર રોડ પર આ બનાવ બન્યો હતો. ક્રેટા ગાડી નં.જીજે૧ર - ઈઈ - ૮૦૭૦ ના ચાલકે પૂર ઝડપે ગાડી ચલાવી બે બાઈક અને એક્ટિવાને ઉડાવી હતી. જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે સ્થળ પર બે લોકોનાં મોત થયા હતા. અંજાર પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી મુજબ આ બનાવમાં ટપ્પર ગામના ૪૦ વર્ષિય શરદગર મહેશગર ગુંસાઈ અને પ૮ વર્ષિય સાવિત્રીબેન મહેશગર ગુંસાઈનું મોત થયું હતું, જ્યારે સાક્ષીબેન ગુંસાઈ, હરીભાઈ ઠાકોર, ઉર્વશીબેન ઠાકોર અને એક સાત વર્ષિય બાળકને ઈજાઓ થઈ હતી. પ્રથમ સારવાર માટે ઈજાગ્રસ્તોને અંજાર સરકારી હોસ્પિટલ બાદમાં જી.કે. જનરલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે ઘટનાસ્થળ પર લોકો ભેગા થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન અકસ્માત સર્જનાર ક્રેટા ગાડીમાંથી વિદ્યાર્થીનું આઈકાર્ડ મળી આવ્યું છે. આદિપુરની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું આઈકાર્ડ મળ્યું છે. જેથી પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. પૂર પાટ આવતી કાળા કલરની ક્રેટા યમદૂત સમાન સાબિત થઈ હતી.

Comments