જિલ્લા વિકાસ અધિકારીશ્રીની પહેલથી હવે કચ્છના છેવાડાના તાલુકાઓમાં સ્ત્રીરોગ અને બાળરોગ નિષ્ણાંતોની સેવા મળી રહેશે
સગર્ભાઓને નિદાન અને સારવાર માટે ભૂજ સુધી કે ખાનગી દવાખાનામાં જવું નહીં પડે
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પ્રતિનિયુક્તિથી ફરજ બજવવા આદેશ કરાયા
ભુજ: કચ્છ જિલ્લામાં માતા મરણ અને બાળ મરણ ઘટાડવા સારું નિષ્ણાંત તબીબોની સેવાઓ મળી રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાની ભૌગોલિક વિશાળતાનાં લીધે છેવાડાના રાપર, અબડાસા અને લખપત તાલુકાઓમાં સ્ત્રીરોગ નિષ્ણાંત અને બાળ રોગ નિષ્ણાંતની સેવાઓ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જ મળી રહે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા હાલ જિલ્લામાં ઉપલબ્ધ નિષ્ણાંત માનવબળનો ઉપયોગ કરીને અઠવાડિયામાં એક વખત સ્ત્રીરોગ નિષ્ણાંત તથા બાળરોગ નિષ્ણાંતની સેવાઓ આપવા માટેના પ્રતિનિયુક્તિના આદેશો કરવામાં આવ્યા છે.તદઅનુસા૨ છેવાડાના વિસ્તારોની સગર્ભા બહેનોને તેના નિદાન, સારવાર સોનોગ્રાફી વગેરે માટે ભુજ સુધી અથવા તો ખાનગી દવાખાનામાં જવું ન પડે તે માટે સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ - રાપર ખાતે ગાંધીધામ એસ.ડી.એચના સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ. વૈષ્ણવી ગાયકવાડ અને બાળરોગ નિષ્ણાંત ડૉ.હશ્મિત બલદાનીયાની જ્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર-નલીયા ખાતે એસ.ડી.એચ માંડવીના સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. શ્વેતા શાહ અને બાળરોગ નિષ્ણાંત ડૉ.ચિંતન સચદેની તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર-દયાપર ખાતે એસ.ડી.એચ-નખત્રાણાના સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ.વિદિશા પારગી અને બાળરોગ નિષ્ણાંત ડૉ.હેમાંગી કોઠારીને દર અઠવાડીયામાં એક વખત ગુરૂવારના રોજ પ્રતિનિયુક્તિના ધોરણે સેવાઓ પૂરી પાડવાના આદેશો કરવામાં આવ્યા છે.આ તજજ્ઞ તબીબોએ પ્રતિનિયુક્તિ વાળા સ્થળે અઠવાડિયામાં એક દિવસ દર ગુરુવારે જવાનું રહેશે. દયાપર, નલિયા સા.આ.કેન્દ્ર તથા રાપર એસ.ડી.એચના અધિક્ષકશ્રીઓએ આ તજજ્ઞ તબીબો માટે જરૂરી બેઠક વ્યવસ્થા, સાધન - સામગ્રી પૂરી પાડવા તથા રાપર, અબડાસા અને લખપતના તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓને આ તજજ્ઞોની સેવાઓનો મહત્તમ લાભ તેમના તાલુકાના લાભાર્થીઓને મળી રહે તે મુજબનું આગોતરું આયોજન કરવા જણાવવામાં આવ્યું છે. જિલ્લાકક્ષાએ આ વ્યવસ્થાનું સંકલન કરવા આર.સી.એચ.ઓ શ્રી દિનેશ પટેલ અને એસ.એચ.એ શ્રી વિજયભાઈ પરમારને જવાબદારી સોંપવામાં આવી છે. આ વ્યવસ્થાનો મહત્તમ લાભ લાભાર્થીને મળે તે સુનિશ્ચિત કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા આપવામાં આવી છે તેમ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની અખબારી યાદીમાં જણાવાયું છે.

Comments