૧૧૭ પ્રકારના ૪ લાખથી વધુ વૃક્ષો ધરાવતું વિશ્વનું સૌથી વિશાળ ભુજનું “ મિયાવાકી જંગલ” કચ્છીમાડુ તથા ટૂરીસ્ટો માટે બન્યું “ફોરેસ્ટ બાથ” નું હબ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન થકી ભુજીયા ડુંગરની ગોદમાં બનેલું જંગલ ગ્લોબલ વેલનેસની મહત્વની થેરાપી “ફોરેસ્ટ બાથ” માટે બન્યું પ્રચલિત
ત્રણ ફેઝમાં કુલ ૪૦ લાખ વૃક્ષોનું વાવેતર કરીને જંગલને વધુ વિશાળ અને ગાઢ બનાવાશે
નિયમિત અનેક નાગરિકો તથા પર્યાવરણપ્રેમીઓ દરરોજ વન સ્નાન કરવા અહીં આવી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુદ્ઢ કરી રહ્યા છે
એડવેન્ચર ગ્રુપના માધ્યમથી આવતા અનેક પર્યાવરણ પ્રેમીઓ વન સ્નાનનો આહ્લાદક અનુભવ મેળવી રહ્યા છે
ભુજ, : ફોરેસ્ટ બાથ એક જાપાની થેરાપી છે. જે ૧૯૮૦માં શારીરિક અને મનોવૈજ્ઞાનિક વ્યાયામના રૂપમાં ઉભરી હતી. જેને જાપાનમાં “શિનરિન યોકૂ”ના નામથી ઓળખવામાં આવે છે. જેમાં વૃક્ષોની વચ્ચે શાંત અને સ્થિર રહીને આસપાસની પ્રકૃતિને ઊંડાણપૂર્વક શ્વાસ લેતા લેતા જોવાની પ્રક્રિયા છે. જે નાના-મોટા સૌને તણાવમુક્ત કરવા તથા પ્રાકૃતિક રીતે સ્વાસ્થ્ય અને માનસિક શાંતિને વધારવામાં મદદ કરે છે. આ થેરાપી(અભ્યાસ) હવે વિશ્વભરમાં ગ્લોબલ વેલનેસનો એક મહત્વનો ભાગ બની ગઇ છે. ત્યારે આ ગ્લોબલ વેલનેસનો આહ્લાદક અનુભવ હવે કચ્છમાં પણ કરી શકાય છે. એક સમયે રેતાળ અને સુકા મલક ગણાતા કચ્છમાં જ્યાં ગાંડા બાવળની ઝાડી સિવાય કંઇ ન હતું ત્યાં હવે જિલ્લાના ભુજમાં ઇકો વન ઉભું થતાં હજારો કચ્છવાસીઓ તથા પ્રવાસીઓ અહીં “ફોરેસ્ટ બાથ” ની મજા લઇ રહ્યા છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ, વિશ્વના સૌથી વિશાળ મિયાવાકી વનની, જે ભુજ ખાતે ભુજિયા ડુંગળની ગોદમાં આકાર પામ્યું છે. એક સમયે જયાં ખડકાળ-કાળા ડિંબાગ પથ્થરો હતા ત્યાં વડાપ્રધાનશ્રીના વિઝન થકી મિયાવાકી પદ્ધતિથી લાખો વૃક્ષો લહેરાઇ રહ્યા છે. આજે, આ વન સ્થાનિક તથા વિશ્વભરના પ્રવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટે ફોરેસ્ટ બાથનું હબ બન્યું છે. અહીં, વૃક્ષો, પશુ, પક્ષી અને માનવીય સંવેદનાનો અનેરો તાલમેલ જોવા મળે છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિકાસના વિઝન થકી કચ્છનું સફેદ રણ, ધોળાવીરા તથા સ્મૃતિવન વૈશ્વિકસ્તરે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પરંતુ આ સાથે ભુજના ભુજીયા ડુંગરમાં ભૂકંપના દિવગંતોની યાદમાં બનેલા સ્મૃતિવન સાથે ઉભું કરાયેલું વિશ્વનુ સૌથી મોટું ‘મિયાવાકી વન’ ભુજ-કચ્છવાસીઓ તથા ટૂરીસ્ટો એક થેરાપી વન તરીકે ઉભર્યું છે. અહીં પ્રથમફેઝમાં વાવેલા ૧૧૭ પ્રકારના ૪ લાખથી વધુના વૃક્ષો, છોડ વગેરે તન અને મનને નવી ઊર્જા પ્રદાન કરનાર છે. એકનવી ઇકો કોલોની આકાર પામતા આ સ્થળ “ફોરેસ્ટ બાથ” માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
વર્ષ ૨૦૨૧ થી વર્ષ ૨૦૨૩ સુધી આ વનમાં સરકાર અને ખાનગી સંસ્થા, કંપનીઓના સહિયારા પ્રયાસથી પ્રથમ ફેઝમાં ૫ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરાઇ ચુક્યું છે. જયારે બાકીના બે ફેઝ મળીને કુલ ૪૦ લાખ વૃક્ષો ભુજીયાની ગોદમાં ઉછેરીને ઘટાદાર જંગલ ઉભું કરાશે.
વિશ્વના સૌથી વિશાળ મિયાવાકી આ વનની ખાસિયત એ છે કે, આ વનમાં ફળાઉ વૃક્ષોથી માંડીને ઔષધીય છોડ, ફૂલોના છોડ તથા અન્ય તમામ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાયું છે. કુલ મળીને ૧૧૭ પ્રકારના વૃક્ષોની જાતનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. જેમાં આમળા, નાગ ચંપા, સપ્તપર્ણી, ગુલમહોર, બ્લેક જામુંન, સેતુર, શરૂ, ગરમાળો, કંદમ, સિસમ, ખાટી આંબલી, બેહડા, નીમ, પેરૂ, મેંગો, બામ્બુ, સીતાફળ, દાડમ, કરંજ, બંગાળી બાવળ, સરગવો, કાજુ, બદામ, રાયણ, સિંદુર, પારીજાત, લીબુ, પલાશ, બિલ્વ પત્ર, અર્જૂન, મહોંગની, રામફળ, લક્ષ્મણ ફળ, લેમન ગ્રાસ, જેકફ્રૂટ, પીપળો, મલબાર નીમ, રૂદ્રાક્ષ વગેરે પ્રકારના વૃક્ષો હાલ મિયાવાકી વનની શોભા વધારી રહ્યા છે. આગળના બે ફેઝમાં પણ આ પ્રકારના વૃક્ષોનું રોપણ કરીને જંગલ વિસ્તારને વધુ ગાઢ બનાવાશે.
જાપાનના ૯૧ વર્ષીય બોટેનિસ્ટ ડો.અકીરા મિયાવાકીએ ૪૦ વર્ષ પહેલા આ ટેક્નીક વિકસાવી હતી. આ ટેક્નીકની મદદથી વિશ્વના અનેક દેશમાં વન ઉભા કરાયા છે. ત્યારે સરહદી કચ્છમાં પણ પર્યાવરણને અનુકૂળ સ્થિતિ ઉભી કરવા વડાપ્રધાનશ્રીએ ભુજ સ્મૃતિવન ખાતે મિયાવાકી વન ઉભું કરવાની વિચારણા કરી હતી. જેના પરિણામે આજે અહીં ૪ લાખથી વધુ વૃક્ષો લહેરાઇ રહ્યા છે અને હજુપણ ડુંગરાળ વિસ્તારમાં ગાઢ વન બનાવવાની પ્રક્રિયા ચાલુમાં છે.
આ અંગે ભુજીયાની ગોદમાં મિયાવાકી જંગલ તૈયાર કરનાર ડો.આર.કે.નૈયર જણાવે છે કે, દોઢ વર્ષમાં આ વન તૈયાર થયા બાદ અહીંના વિસ્તારમાં ૬ થી ૭ ડીગ્રી તાપમાન ઓછું જોવા મળે છે. ડોકટર સામાન્ય રીતે આરોગ્ય સુધારા માટે માસમાં એકવખત ફોરેસ્ટ બાથ લેવાનું કહેતા હોય છે ત્યારે કચ્છમાં તૈયાર થયેલા આ વનમાં ૮ કિ.મીનો વોક-વે બનાવાયો છે. જેમાં અનેક લોકો મોર્નિંગ અને ઇવનીંગ વોક કરીને સ્વાસ્થ્ય સુધારી રહ્યા છે. કાર્બન મુકત વાતાવરણના કારણે અહીંનું વાતાવરણ પ્રફુલ્લિત કરનારું છે. અહીં વન વચ્ચે બનેલા ૫૦ ચેકડેમમાં વરસાદના પાણીના સંગ્રહથી તેમાં કુદરતી રીતે માછલી તથા કાચબા પણ જોવા મળ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વિકાસના વિઝન થકી સરહદી કચ્છમાં માત્રમાં રણ નહીં પરતું પ્રવાસીઓ માટે વન પણ જોવાલાયક નજરાણું બન્યું છે.
આ અંગે ભુજોડી શાળાના પ્રિન્સીપાલ તથા કોરાના કાળ બાદ લોકોને પ્રકૃતિને નજીક લઇ જવા માટે પ્રયત્નશીલ તથા લોકોને વિવિધ સ્થળો પર નેચર વોક માટે લઇ જતાં પિયુષભાઇ ટાંક જણાવે છે કે, કોરાના કાળમાં સૌ કોઇ ઘરમાં રહેતા હોવાથી લોકો બહાર નીકળીને પ્રકૃતિની નજીક આવે તથા તણાવથી મુક્તિ મેળવે તે માટે અમે દર સપ્તાહે રજાના દિવસોમાં કચ્છના વિવિધ વૃક્ષો આચ્છાદિત પ્રાકૃતિક સ્થળો પર લઇ જવાનું શરૂ કર્યું. “ફોરેસ્ટ બાથ” થેરાપી આખુ સપ્તાહ કામના તણાવથી ઝુઝતા કે ડિપ્રેશનનો શિકાર લોકો માટે સુખકારક છે. જે રીતે પાણીના સ્નાનથી શરીરનો થાક હળવો થાય છે તે રીતે આ વનવોકથી માનસિક સ્નાન થાય છે. નિયમિત પ્રકૃતિ વચ્ચે રહેવાથી માનસિક તમામ તણાવથી મુક્તિ સાથે શારીરિક પીડામાં પણ ફેર પડે છે.
જયારે કચ્છના વિવિધ જંગલોમાં નિયમિત ફોરેસ્ટ વોક પર લોકોને લઇ જતાં જીગ્નેશ ગોસ્વામી ઉમેરે છે કે, છેલ્લા ૫ વર્ષથી ભુજીયા વન, ભેડમાતા, લહેર થી ગંગેશ્વર તથા સુતેશ્વરથી આશાપુરા ટેકરી સહિતના જંગલોમાં અમે લોકોને “ફોરેસ્થ બાથ” માટે લઇ જઇએ છીએ. કોવિડ બાદ અનેક લોકો જાતે પણ જતાં થયા છે. અમે ગ્રુપ જતાં હોઇએ છીએ એક સાથે ૫૦ થી ૧૦૦ લોકો હોય છે. જેમાં લોકોને નેચર વોક સાથે વનસ્પતિનું જ્ઞાન તથા અન્ય આનુસંગિક માહિતી પણ આપીએ છીએ. સતત છેલ્લા ૫ વર્ષથી નિયમિત ફોરેસ્ટ વોક કરતા લોકોના જીવનમાં અનેક બદલાવ આવ્યા છે. તેઓ ઉમેરે છે કે, ભુજમાં જ મિયાવાકી વન બની જતાં જે લોકોને દૂર ન જવું હોય તે અહીં જ ફોરેસ્ટ બાથની મજા લઇ શકે છે. અમે અહીં ગ્રૂપમાં ૨ કલાકનો નેચર વોક રાખતા હોઇએ છીએ, જેમાં અહીં વાવેતર કરાયેલા અનેક ઔષધિય વૃક્ષોથી માહિતગાર થવા સાથે ટ્રેકિંગનો પણ લોકો આનંદ લે છે.
આ અંગે ભુજના મિનલ ગોહિલ જણાવે છે કે, મારો ૧૦ વર્ષનો દિકરો માહિર ગોહિલ પ્રકૃતિપ્રેમી છે. તેને અમે નેચર વચ્ચે જવા પ્રેરિત કર્યો જે બાદ તે રજાના દિવસોમાં આસપાસના જંગલમાં પિતા સાથે અથવા ફોરેસ્ટ વોક પર જતાં ગ્રૂપો સાથે જઇ રહ્યો છે. જે બાદ તેના સ્વભાવમાં બદલાવ થયો છે. પહેલા તે હાઇપર એક્ટિવ તથા ચંચળ હતો પરંતુ જ્યારથી ફોરેસ્ટ બાથ લેતો થયો છે ત્યારથી વધુ શાંત અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બન્યો છે. તેના અભ્યાસમાં એકાગ્રતા વધી છે.
તેઓ વધુમાં જણાવે છે કે, આધુનિક જીવનશૈલી અને કામકાજના કારણે આજના સમયમાં લોકોને પ્રકૃતિની વચ્ચે રહેવાનો મોકો જ નથી મળતો, પરંતુ ભુજની વચ્ચે વડાપ્રધાનશ્રીએ ઝડપી વૃક્ષો મોટા થઇ શકે તે માટે મીયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને એક આખું જંગલ ઉભું કરી દીધું છે. જેના કારણે અમારા જેવા અનેક ભુજની આસપાસ રહેતા નાગરિકોને સ્થાનિકે જ રોજ વનસ્નાન ફાયદો મળી રહ્યો છે. હું છેલ્લા ૩ વર્ષથી રોજ અહીં આવું છું. જેનાથી મારા શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો થયો છે.
વન સ્નાન શા માટે જરૂરી છે ? વન સ્નાનનો અભ્યાસ વયસ્ક અને બાળકો તમામને લાભપ્રદ છે. આ અંગે પર્યાવરણવિદ જણાવે છે કે, પોતાની તમામ ઇન્દ્રિયોથી વનના વાતાવરણને ગ્રહણ કરવાના અનુભવને વન સ્નાન કહેવાય છે. આ માત્ર જંગલમાં ટહેલવું નહીં પરંતુ જંગલના દશ્યો, ધ્વનિ અને ગંધ વગેરેને સચેત અને ચિંતનશીલતા સાથે મહેસુસ કરવાનો અભ્યાસ છે. આ અભ્યાસ ૧૯૮૦ના દશકામાં જાપાનમાં વિકસિત કરવામાં આવ્યો હતો. તેને જાપાને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમનો ભાગ પણ બનાવ્યો હતો. એક સંશોધન અનુસાર વન વાતાવરણના કારણે રકતચાપ, હ્યદયની ગતિ અને હાનિકારક હાર્મોનના સ્તરને ઓછો કરે છે. ફોરેસ્ટ બાથ પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલો ઉપહાર છે. ડિપ્રેશન,તણાવ, ચિંતા, એન્ઝાઇટી અને ડાયાબિટીજ મેલેટસ જેવી અનેક સમસ્યાઓમાં ફોરેસ્ટ બાથિંગ વરદાન સમાન છે. મુડને સારું કરવામાં અને સકારાત્મકતા વધારવામાં વન સ્નાન થેરાપી કારગર છે. શરીરની ઇમ્યૂન સિસ્ટમને વધારે છે. એડીએચડી વાળા બાળકો માટે વન સ્નાન ફાયદાકારક છે. એક રીતે, આ થેરાપી ભાગદોડભરી જિંદગીમાં તણાવ અને પ્રેશરથી છૂટકારો મેળવવા માટે ફાયદાકારક છે.
હાલના સમયમાં લોકો ૯૦ ટકા સમય ઘરની અંદર વિતાવે છે. કોવિડ-૧૯ મહામારી બાદ દરેક વ્યકિત દિવસનો મોટાભાગનો સમય મોબાઇલને આપી રહ્યો છે. લોકોનો સ્ક્રીન ટાઇમ વધી ગયો છે. કામ દરમિયાન પણ લોકો ઇલેકટ્રોનિક ડિવાઇસના સતત સંપર્કમાં રહેતા હોય છે. જેના પરિણામસ્વરૂપ ટેકનોસ્ટ્રેસ નામક નકારાત્મક તણાવ ઉભો થાય છે. લોકોમાં માથાનો દુખાવો, થાક, ઓછી નીંદર તથા વધુ ચિંતા સહિતની સમસ્યા વધી ગઇ છે. આ બધી સમસ્યાના કારણે બ્લડપ્રેશર, ડાયાબિટીસ તથા હદય રોગ સહિતના ગંભીર રોગ વધી રહ્રયા છે.
આરોગ્ય નિષ્ણાંતો અનુસાર વન સ્નાન કેવી રીતે કરવું ?ઇલેકટ્રોનિક ડીવાઇસ બંધ કરીને સચેત રહેવું, ધીમા ચાલવું જેથી જંગલને વધારે નજીકતાથી જોઇ અને મહેસુસ કરી શકાય, ઉંડો શ્વાસ લેવો, શ્વાસ અંદર લેવાના સાપેક્ષે બહાર બેગણી ઝડપથી શ્વાસ છોડવો, જેથી શરીરને સંદેશ મળી શકે તે તે આરામ કરી શકે છે, આસપાસની પ્રકૃતિની ચીજોની સુંગંધ લ્યો, તમામ ઇંદ્રિયોનો ઉપયોગ કરીને આસપાસના વાતાવરણને મહેસુસ કરો, વધુમાં વધુ સમય વૃ્ક્ષો વચ્ચે રહો.
...............

Comments