Trending News
સ્થાનિક સમાચાર

લખપત તાલુકામાં ૬ ગ્રામ પંચાયતની ચૂંટણી જંગ જામે તેવા એંધાણ 

04 June

સરપંચનો પદ મેળવવા અનેક મુરતિયા તૈયાર 




માતાનામઢ સમરસ માટે બેઠક મળી પરંતુ પ્રયાસો વિફળ : નારાયણસરોવરમાં સરપંચ પદ અ.જા.નો ઉમેદવાર જ નથી ? : બરંદા, વિરાણી, દોલતપર, કોટડા (મઢ)માં ચૂંટણીની ગતિવિધિ તેજ : તમામ ગામોમાં ચૂંટણી એંધાણ 




નખત્રાણા : સરહદી લખપત તાલુકામાં તીર્થધામો નારાયણસરોવર અને માતાનામઢ સહિત ૬ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે, જેમાં બરંદા, નાની વિરાણી, દોલતપર, કોટડા (મઢ)નો સમાવેશ થાય છે, આ ગ્રામ પંચાયતોમાં હવે વહિવટના શાસનનો અંત આવશે. તિર્થધામ માતાનામઢ ગામે ૮ વોર્ડમાં કુલ રપ૦૦ની વસતીમાં ૧૭૦૦ જેટલા મતદારો છે, આ વખતે સરપંચ પદનું રોટેશન બક્ષીપંચ સામાન્ય છે, ત્યારે એક પેનલ ટૂ પેનલ ચૂંટણી જંગ જામશે તે નક્કી છે. ગત સાંજે ગામના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ જનરલ ગામ લોકોની બેઠક બોલાવી હતી. અને ગ્રામ પંચાયત સમરસ થાય તેવા પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. સરપંચ પદે આ વખતે જાગરિયા જ્ઞાતિમાંથી ખેતાભાઈ ગાભાભાઈ જાગરિયા તથા કાસમભાઈ કુંભાર વચ્ચે ચૂંટણી જંગ જામશે તે નક્કી છે.સુરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ગામની કોમી એકતા જળવાઈ રહે અને મનદુઃખ ન થાય તે માટે મે પ્રયાસો કર્યા હતા. સમરસ માટે પરંતુ તે વિફળ નિવડ્યા હતા. બીજીતરફ કાસમભાઈ કુંભારનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, મા આશાપુરાનું તિર્થધામ છે અને અઢી - અઢી વર્ષ સરપંચ પદ માટે મેં ચીઠ્ઠી નાખવાની અપીલ કરી પણ કોઈ સહમત થયા ન હતા. આ બેઠકમાં ઈભ્રાઈમભાઈ કુંભાર, જયંતીભાઈ શાહ, મગનભાઈ પટેલ, કાનજી ગોરડિયા, રામજી મહેશ્વરી, અર્જુન જાગરિયા, મુળજી જાગરિયા, ગિરીશ જોષી સહિત અઢારે વર્ણના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો નારાયણસરોવરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ અનુસુચિત જનજાતિનું રોટેશન છે, પરંતુ ત્યાં અ.જ. જાત છે નહીં એટલે સરપંચ પદ ખાલી રહેશે અને ઉપસરપંચ પદેથી સરપંચનો વહિવટ ચલાવે તેવા સંજોગો  ઉભા થયા છે. સાત વોર્ડમાં ત્યાં ચૂંટણી યોજાય તેવી વકી છે. તો તાલુકાના નાની વિરાણી, બરંદા, દોલતપર અને કોટડા (મઢ) સહિત ૬એ ૬ ગ્રામ પંચાયતમાં ચૂંટણી જંગ જામે  તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. લખપતમાં સમ ખાવા પુરતી કોઈ સમરસ ગ્રામ પંચાયત થાય તેવું જણાતું નથી. સરપંચ પદની ચૂંટણીને લઈ ગ્રામ પંચાયતમાં ગરમાવો આવ્યો છે અને ગતિવિધિ તેજ બની છે. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી ખાતે પણ લોકો ફોર્મ અને મટરીયલ લેવા જાણકારી મેળવવામાં આવી રહી છે. 

Comments

COMMENT / REPLY FROM