કાનમેર પાસે લક્ઝરી બસ સળગી ઉઠી, મુસાફરોનો આબાદ બચાવ
પાલનપુરથી ભુજ તરફ આવતી બસની વાયરીંગમાં શોર્ટ થતાં લાગી આગ : ડ્રાઈવરે રસ્તા પર બસ થોભાવી મુસાફરોને બહાર કાઢી લેતાં જાનહાની ટળી : ખાનગી કંપનીના ફાયર ફાઈટરની મદદથી
આગ બુઝાવાઈ
ભુજ : પાલનપુરથી ભુજ તરફ આવી રહેલી ખાનગી બસ આજે વહેલી સવારે કાનમેર પાટિયા પાસે પહોંચી ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી તાત્કાલિક બસ ડ્રાઈવરે બસને રોકી અને બસમાં બેઠેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આગના કારણે ખાનગી બસમાં ભારે નુકશાન થયું છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ રામાણી ટ્રાવેલ્સની બસ નેશનલ હાઈવે ૨૭ પર કાનમેર પાસે પહોંચી હતી. ત્યારે લક્ઝરી બસમાં અચનાક જ આગ લાગી હતી. ડ્રાઈવરની સૂઝબૂઝથી તરત જ બસને રોકી દેવામાં આવી. તમામ મુસાફરોને સલામત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.બાદમાં આગની જાણ કરવામાં આવતા હાઈવે પેટ્રોલિંગ ટીમ, ગાગોદર પોલીસ અને લાકડિયા ગેલ કંપનીના ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઈટર્સે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.બસમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે. જોકે બસને નોંધપાત્ર નુકસાન થયું છે. ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે વાહન વ્યવહાર પર કોઈ વિશેષ અસર પડી નથી.

Comments