સહકારી મંડળીઓ દ્વારા ડીઝલનું ગેરકાયદે ધૂમ વેચાણ? : ડીલર એસો.ના આકરા તેવર
કેટલીક સહકારી મંડળીઓ દ્વારા ચાલતી ગેરરીતિ અંગે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ અસો. દ્વારા ઉચ્ચકક્ષાએ કરાઈ રજૂઆત : મંડળીના જેટલા પેટ્રોલ પંપ છે તેનું વેટ ટેક્સનું તંત્ર દ્વારા ક્રોસ વેરિફિકેશન કરાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય
ભુજ : કચ્છ સહિત રાજ્યભરમાં કેટલીક સહકારી મંડળીઓ દ્વારા ડીઝલના ગેરકાયદેસર વેચાણની વ્યાપક ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. આ દુષણ વ્યાપક બનતા હવે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા રાજ્યના કર-વેટ વિાગના ચીફ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે.
એસોસિએશન દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં જણાવાયું છે કે, રાજ્યમાં ઘણા સમયથી અમુક વ્યક્તિઓ રપ થી પ૦ લોકોનું જૂથ બનાવી સહકારી મંડળીની રચના કરે છે અને સહકારી મંડળી બનાવ્યા પછી ઓઈલ કંપનીઓમાં રજૂઆત કરે છે કે, ગ્રાહકો માટે સહકારી મંડળી બનાવી હોવાથી ગ્રાહકોને તેમની જરૂરિયાત માટે ડીઝલ વેચવાની પરવાનગી આપો. ત્યારબાદ ઓઈલ કંપનીઓ દ્વારા આ સહકારી મંડળીઓને ડીજલ સપ્લાય થાય છે. ડાયરેક્ટ ટુ કન્ઝયુમર કેટેગરીના કારણે રીટેલ ભાવ અને ડાયરેક્ટ ટુ કન્ઝયુમર ભાવમાં મોટો તફાવત જોવા મળે છે. આ તફાવત લગભગ રૂા.૧ર થી ૧પ પ્રતિ લીટર સુધીનો હોય છે. જ્યારે સહકારી મંડળીઓને આવું સસ્તુ ડીઝલ મળે છે ત્યારે ગ્રાહકોને આપવાની સાથે બજારમાં પણ એવા ગ્રાહકોને વેચવામાં આવે છે, જે સહકારી મંડળીના શેર હોલ્ડર કે સભ્ય નથી તેમ છતાં આવા લોકોને ડીઝલનું વેચાણ કરી મંડળીઓ મોટો નફો કમાય છે, જેથી ગુજરાત સરકારને રૂા.૧ર થી ૧પ સુધીનું વેટનું નુકસાન જાય છે. અંદાજીત માસિક રૂા.પ૦ કરોડથી વધુનું નુકસાન થતું હોવાનું એસોસિએશને જણાવ્યું હતું. મંડળીઓ દ્વારા ગેરકાયદેસર વેચાણ થતું હોવાથી માન્ય ડીઝલ પમ્પોનું વેચાણ ઘટે છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના હોદ્દેદારોએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અને રજૂઆત માટે બેઠકનું આયોજન કરવા માંગ કરી છે.

Comments