સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં સહયોગ આપી સમાજને આપી નવી રાહ
ભુજ : ઓપરેશન સિંદુરથી ભારતીય સેનાનાં શુરવીર જવાનોએ પોતાના અદમ્ય સાહસ અને બહાદુરીનો પરચો દુશ્મનોને બતાવી દીધો હતો તેનાથી સૌ નાગરિકો સારી રીતે વાકેફ છે. વિષમ પરિસ્થિતિ અને કઠિન પરિબળો વચ્ચે દેશનાં સિમાડાઓ પર ફરજ બજાવતા દેશના જવાનોની બહાદુરી અને સાહસને બિરદાવવી તે પણ દેશના નાગરિકોની નૈતિક ફરજ છે તેવા અનોખા વિચાર સાથે દહિંસરા પાસે આવેલ પ્રાઈડ રોક રિસોર્ટનાં સંચાલક મનજીભાઈ વરસાણીએ તેઓનાં સ્વ માતૃશ્રીની સ્મૃતિમાં સશસ્ત્ર સેનાનાં જવાનો, સ્વ સૈનિકોની ધર્મપત્નીઓ અને તેઓનાં પરિવારની કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે માટે ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે યોગદાન આપવાની ઈચ્છા રામપર વેકરા સ્થિત હરી વિદ્યામંદિરનાં પ્રધાનાચાર્ય નયનભાઈ ચાવડાને વ્યક્ત કરી હતી અને આ બાબતે નયનભાઈ ચાવડાનાં માર્ગદશન હેઠળ તા ૨૯ મેંનાં રોજ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીએ લક્ષ્મણભાઇ મનજીભાઈ વરસાણી રૂબરૂ આવી સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ કે જે સૈનિકો અને તેઓના પરિવારની કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે નિર્મિત છે તેમાં રૂ. ૫૧,૦૦૦નું માતબર ફંડ આપ્યુ હતું . ભારતીય સશસ્ત્ર સેનાની સેવાઓને બિરદાવેલ હતી. આ સહયોગ માટે કચેરીના અધિકારી શ્રી હિરેન લીમ્બાચિયાએ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટનાં પ્રમુખ અને કલેકટર, ભુજ તરફથી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને સૈનિક કલ્યાણની વિવિધ કલ્યાણકારી યોજનાઓને હજુ વધુ વિસ્તૃત અને લાભકારી કરી શકાય તે માટે સશસ્ત્ર સેના ધ્વજ દિવસમાં ફાળો આપવા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરેલ હતો. આ ફાળો જિલ્લાના નાગરિકો, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રૂમ ન. ૧૧૪, બહુમાળી ભવન, ભુજ (ફોન ૦૨૮૩૨ - ૨૨૧૦૮૫) ખાતે રૂબરૂમાં રોકડ, ચેક, ડીમાન્ડ ડ્રાફ્ટથી કલેકટર અને પ્રમુખ, આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ એકાઉન્ટ, ભુજ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા મારફતે પણ જમા કરાવી શકો છો તેમ વધુમાં જણાવ્યું હતું.

Comments