Trending News
સ્થાનિક સમાચાર

સ્કૂલવર્ધીના વાહનોમાં ક્ષમતાથી વધુ વિદ્યાર્થીઓ બેસાડનાર દંડાશે

02 June


ઉનાળુ વેકેશનના પ્રારંભ પૂર્વે સ્કૂલવર્ધી માટે નિયમો જાહેર કરયા : ઓટો રિક્ષામાં છ અને વેનમાં ૮ બાળકો બેસાડી શકાશે : વાહન ચાલકોએ પરમીટ લેવી ફરજિયાતઃ સ્કૂલ વર્ધીના વાહનો માટે વીમો અને પીયુસી ફરજિયાત 



ભુજ : શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણતા ભણી પહોંચ્યું છે. આગામી ૯ મી જૂનથી ફરી શાળાઓ બાળકોની કિલકારીઓથી ગાજી ઉઠશે. ઉનાળુ વેકેશનની પૂર્ણાહૂતિ પહેલાં સ્કૂલવર્ધી વાહનો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મંજૂરી કરતા વધુ બાળકો બેસાડનાર વાહનચાલકો સામે કડક પગલાં લેવાની ચેતવણી અપાઈ છે. 
કચ્છ જિલ્લામાં શાળાઓના વિદ્યાર્થીઓને લઈ દોડતા રીક્ષા, છકડો, વેન જેવા વાહનોમાં ઠાંસીઠાંસીને છાત્રોને બેસાડવામાં આવતા હોવાની ફરિયાદો દર વર્ષે ઉઠતી હોય છે. સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહનોમાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં તંત્રવાહકો દ્વારા કાર્યવાહી ભાગ્યે જ કરવામાં આવતી હોય છે. રાજ્ય કે દેશમાં કોઈ સ્થળે સ્કૂલ વાહનના અકસ્માતનની કોઈ ઘટના બને તો થોડો સમય તંત્ર દ્વારા કડકાઈ કરવામાં આવે છે. થોડા દિવસો બાદ ફરી ‘વોહી રફતાર’ જોવા મળતી હોય છે. 
સ્કૂલવર્ધી વાળા વાહનો માટે આરટીઓના નિયમાનુસાર વિદ્યાર્થીઓને બેસાડવાની સંખ્યા નક્કી કરવામાં આવી છે. ઓટો રિક્ષામાં છ નાના બાળક અને વેનમાં ૮ બાળકોની ક્ષમતા નક્કી કરવામાં આવી છે. જો તેનાથી વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવશે તો કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત સ્કૂલવર્ધીમાં ચાલતા વાહનચાલકોએ પરમીટ લેવાનું ફરજિયાત રહેશે અને સ્કૂલવર્ધીમાં ચાલતા વાહનોનો વીમો અને પીયુસી ફરજિયાત છે. તંત્ર દ્વારા નિયમો જાહેર કરી દેવાયા છે ત્યારે કચ્છમાં તેની કેટલીક અસરકારક અમલવારી થશે તે ૪પ દિવસીય ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ શાળાઓ શરૂ થશે ત્યારે જાણી શકાશે. 
અત્રે નોંધનીય છે કે, સ્કૂલવર્ધીના વાહનોમાં ઓછા બાળકો બેસાડવાથી પરવડતું ન હોવાનું વાહન ચાલકો જણાવે છે. આ ઉપરાંત ઓછા વિદ્યાર્થીઓને બેસાડી ભાડું વધારવામાં આવે તો વાલીઓને પરવડતું નથી જેવા કારણો રજૂ કરાતા હોય છે. વાલીઓ પણ ઓછા ભાડું ચૂકવી પોતાના સંતાનોને જીવના જોખમે વર્ધીવાળા વાહનોમાં શાળાએ મોકલતા હોય છે. કચ્છમાં ઓટો રિક્ષામાં ઠાંસીઠાંસી ૧૦થી ૧ર જેટલા ભૂલકાઓને બેસાડવામાં આવતા હોય છે. વેનમાં પણ ક્ષમતાથી બમણા છાત્રોને ભરવામાં આવતા હોય છે. આરટીઓના નિયમોની સચોટ અમલવારી થાય તે જરૂરી છે તેવું જાગૃત્ત નાગરિકો જણાવી રહ્યા છે. 

 

Comments

COMMENT / REPLY FROM