Trending News
સ્થાનિક સમાચાર

- તો માંડવીના ત્રગડી દારૂ-કાંડમાં થાય કઈક નવા કડાકા-ભડાકા : ખાખીના કયા-કયા ભ્રષ્ટ અધિકારી-કેટલા જવાબદાર? થાય ખુલાસો’

02 June

સ્ટેટ મોનીટરીંગ સેલ તપાસ પોતા પાસે રાખે



ત્રગડીમાં પકડાયેલા દારૂ પ્રકરણના આરોપીઓ ભૂગર્ભમાં છુપાઈ ગયા : એસએમસીએ કાર્યવાહી કરતા સ્થાનિકના અધિકારીઓની સામે લાલઆંખ કરી દેવાઈ, પરંતુ કરોડોના દારૂના જથ્થા માત્ર અને માત્ર સ્થાનિકના બીટ જમાદાર-પીઆઈ કક્ષાના અધિકારી માત્રની છુટથી મંગાવી શકાય ખરા? જો એસએમસીની ટીમ આ પ્રકરણની તપાસ પોતા હસ્તક લઈ ઝિણવટભરી છાનબીન હાથ ધરશે તો ખાખીના કઈ-કેટલાય ભ્રષ્ટ તત્વોના પગ તળે આ કેસનો રેલો લંબાશે એટલુ માત્ર જ નહી પરંતુ આવી રીતે બીજી વખત દારૂ મંગાવવાની હિમંત કરતા પણ બુટલેગર ટોળકી-ખાખીની સિન્ડીકેટ ૧૦૦ વાર કરશે વિચાર..! 



ફરાર ૭ શખ્સો, ૪ મોબાઈલ ધારકોને વિના વિલંબે દબોચી લ્યો, તો પણ ઘણુ બધુ આવી શકશે બહાર..! : જો માત્ર અને માત્ર સ્થાનિકના ગણ્યાગાઠયાઓની સામે કાર્યવાહી કરી કામગીરી કરી લીધાનો સંતોષ માનતો ઓડકાર માની ખાઈ લેવાશે તો પુનઃ કરોડોના દારૂની ખેપ જે ભ્રષ્ટ મોટાગજાના ખાખીધારીઓની લીલીઝંડીથી આવી રહ્યા છે તે તો આવતા જ રહેશે..!, કારણ કે : જાણકારોની લાલબત્તી


કચ્છ બોર્ડર રેન્જના કડક-તટસ્થ-કાયદાનિષ્ઠ આઈજીશ્રી ચિરાગ કોરડીયા તપાસ કરાવે, કે લાખોના દારૂના કન્સાઈનમેન્ટ પાછળ કોણ કોણ છે?



કાર્યવાહી ચાલુમાં છે, ફરાર આરોપીઓને ઝડપી લેવા તપાસ ગતિવાન છે : શ્રી જેઠી (તપાસનીશ એલસીબી પીઆઈ)



ખોટલે મોટી ખોટ : દારૂનો જથ્થો સીધેસીધો તો ઉડ્ડીને માંડવીના ત્રગડી સુધી પહોચી નહી ગયો હોય..? કંઈ કેટલાય પોલીસ મથકોની હદ પસાર કરીને પહોચ્યો હશે, ચેકપોસ્ટો ક્રોસ કરીને અહી સુધી આવ્યો હશે, શું એકમાત્ર બીટ જમાદાર અને 
પીઆઈ કક્ષાએથી આ બધા સેટીંગ ઠેર-ઠેર કરી શકાય ખરૂં? બીટ જમાદાર સહિત એકાદ અધિકારીની સામે પગલા લેવાયા, 
પરંતુ દારૂના મોટા બુટલેગરો સાથે મેળાપીપણાં ધરાવતી સિન્ડીકેનો પર્દાફાશ કરાશે ખરો?




ગાંધીધામ : એકતરફ વિશ્વના સર્વાધિક લોકપ્રીય પ્રધાનસેવક નરેન્દ્રભાઈ મોદી ઓપરેશન સિંદુર બાદ કચ્છના પ્રવાસે પહોચી રહ્યા હતા તેવા જ સમયે બીજીતરફ સરહદી કચ્છ વિસ્તારમાં ઠેર-ઠેર કાયદો-વ્યવસ્થાને લલકારતી ઘટનાઓ બનવા પામી રહી હતી તે પૈકીની એક એવી પશ્ચીમ કચ્છમાં માંડવી તાલુકાના ત્રગડી ગામમાં પણ સ્ટેટ મોનીટરીંગ સેલને ત્રાટકીને લાખોનો જંગી દારૂનો જથ્થો પકડવાની ઘટના પણ ટોક ઓફ ધી ટાઉન બની હોય તેમ ચર્ચાનું આવરણ સર્જી રહી છે. આ ઘટનામાં સ્થાનિકે એક બીટ જમાદાર તથા એક પીઆઈ અને એલસીબીના અધિકારીની સામે કાર્યવાહી કરવામા આવી છે પરંતુ અહી સવાલ એ થાય છે કે, શું આ પ્રકારનો દારૂ માંડવીના ત્રગડી પટ્ટામાં ઝડપાયો તે માટે માત્ર માંડવી પોલીસ જ જવાબદાર ઠરી રહી છે? હજુ તો આ કેસમાં તપાસના અનેકવિધ પાસાઓ ચકાસવાના બાકી છે, કારણ કે સાત જેટલા શખ્સો આ કેસમાં હજુ ફરાર છે તો ચાર મોબાઈલધારકોની ધરપકડ કરવાની પણ બાકી બોલી રહી છે ત્યારે જાણકારો કહે છે કે, ખરેખર તો લાખોના આ દારૂના પ્રકરની તપાસ હકીકતમાં તો  સ્ટેટ મોનીટરીંગ સેલે પોતા પાસે જ રાખવી જોઈએ. લાખોના દારૂ પ્રકરણ પર દરોડો એસએમસીએ જ પાડયો છે તો પછી તપાસ પણ આ કેસની એસએમસીએ પોતા હસ્તક જ રાખવી જોઈએ, જો આમ થાય તો સમગ્ર પ્રકરણમાં કઈક નવા કડાકા-ભડાકા થવા પામી જશે તેવુ જાણકારો કહી રહ્યા છે. એટલુ માત્ર જ નહી પણ ૮૦ લાખથી વધુનો દારૂનો જથ્થો મંગાવાવમાં ખાખીના અમુક કયા કયા અન્ય પળલેલા તત્વોની સામેલગીરી છે તે બધાયના પગ તળે પણ ચોકકસથી રેલો લંબાવવા પામી જ શકે તેમ છે. 
વાત સહેજ ફોડ પાડીને કરીએ તો ગત શુક્રવારે ર૩ મેની સવારે માંડવી તાલુકાના ત્રગડી ગામે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં વાહનો અને મકાનમાંથી ૮૩.૭૮ લાખનો દારૂ પકડાયો હતો. લિસ્ટેડ બૂટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા, દિવ્યરાજસિંહ સૂરેન્દ્રસિંહ જાડેજા, રોહિતસિંહ કેશુભા જાડેજા અને મેહૂલસિંહ ચંદુભા ઝાલાએ દારૂ મંગાવ્યો હતો. કટીંગ કરતી વખતે દરોડો પાડતા દારૂ સાથે સાત વાહનો પકડાયા હતા. તેના ડ્રાઈવરો પણ ભાગી ગયા અને ચાર મોબાઈલ નંબરના ધારકો પણ મળ્યા ન હતા. કુલ ૧૬ લોકો સામે માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તમામ આરોપીઓ દરોડા પડ્યા બાદ ભૂગર્ભમાં છુપાઈ ગયા છે. બેદરકારી સંદર્ભે માંડવી મરીનના પીઆઈ અને બીટ જમાદારને સસ્પેન્ડ કરવા સાથે એલસીબી પીઆઈને લિવ રિર્ઝવમાં મૂકી દેવામાં આવ્યા છે.
આરોપી યુવરાજસિંહનો અગાઉ પણ દારૂ ઝડપાઈ ચૂક્યો છે. મોટી માત્રામાં શરાબનો તેનો ધંધો ચાલતો હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી ગાંધીનગરથી આવેલી પોલીસને દરોડો પાડવાની ફરજ પડી હતી. આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસની બેદરકારી ઉજાગર થવા પામી છે. સૂત્રોમાં ચર્ચાતી વીગતો અનુસાર કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ સાથે ખાખીના અમુક ભ્રષ્ટ તત્વોની રીતસરની ભાગબટાઈ જ રહેલી છે. કયા ભ્રષ્ટ અને પલળેલા ખાખીધારીઓની મીઠીનજર હેઠળ યુવરાજ લાખોના દારૂની હેરફેર કચ્છમાં બિનધાસ્ત કરતો હતો?તેઓની તપાસ પણ થવી જોઈએ. જેથી આખી સિન્ડિકેટ સામે આવશે. આ બાબતે તપાસનીશ એલસીબી પીએસઆઈ એચ.આર.જેઠીનો સંપર્ક કરતા તેમણે તપાસ ચાલુમાં હોવાનું જણાવી આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી ચાલી રહી હોવાનું ઉમેર્યું હતું. 

Comments

COMMENT / REPLY FROM