Trending News
સ્થાનિક સમાચાર

માંડવીના વેપારીએ વ્યાજખોરને ર.૮૭ કરોડ ચૂકવ્યા છતા ઉઘરાણી ચાલુ રખાઈ 

01 June


સતત ટોર્ચર કરવામાં આવતા માંડવી મૂકીને પરિવારને વડોદરા જવું પડ્યું 


માંડવી : શહેરમાં લાકડા બજારમાં આવેલી જ્યોતિ સ્ટીલ નામની દુકાનના વેપારી વ્યાજખોરીનો ભોગ બન્યા છે. ગત ર૪ તારીખે તેઓએ માંડવી પોલીસમાં બાબાવાડીના માણેક ઉર્ફે મોહન ગઢવી સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી ૧પ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેમાં એક દિવસના રર,પ૦૦ વ્યાજ લેખે એક વર્ષમાં ૮૧ લાખ ચૂકવ્યા છતા વધુ વ્યાજની ઉઘરાણી કરવામાં આવી હતી જે બાદ આ વેપારીએ ૩૧ તારીખે ભુજના વધુ બે વ્યાજખોર સામે પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાવી છે. 
ફરિયાદી દર્શનભાઈ સચિનભાઈ શાહના જણાવ્યા પ્રમાણે તેમના પિતાની બિમારી અને ધંધામાં ખોટ આવતા આર્થિક પરિસ્થિતિ નબળી થવાના કારણે રૂપિયાની જરૂરિયાત પડતા ર૦રર મા મૂળ માંડવીના હાલે ભુજના સંસ્કારનગરમાં રહેતા નિરવ તુલસીગર ગોસ્વામી પાસેથી વ્યાજે રૂપિયા ચાર લાખ લીધા હતા. જેનું દર મહિને ૧૦ ટકા વ્યાજ ચૂકવ્યું હતું. બાદમાં વધુ રૂપિયાની જરૂરિયાત પડી ત્યારે નિરવે જેષ્ઠાનગરમાં રહેતા જિગર શંકરભાઈ ઠક્કર સાથે મુલાકાત કરાવી હતી. તેની પાસેથી ૧૦ ટકા વ્યાજે અલગ અલગ સમયે રૂપિયા લીધા હતા. ફરિયાદીને જેમ જરૂરિયાત ઊભી થતી તેમ નિરવભાઈ અને જિગરભાઈ પાસેથી ઓનલાઈન, આંગડિયા મારફતે રૂપિયા લઈ વ્યાજ ચૂકવતો હતો. વ્યાજનું મીટર વધી જતા ફરિયાદી નાણા ચૂકવી શકવા માટે અસમર્થ થતા નિરવ અને જિગર દ્વારા ફોન કરી પઠાણી ઉઘરાણી સાથે તેમના કહેવાથી કેમ્પ એરિયાના પઠાણ ફરિયામાં રહેતા અમન રફીકભાઈ લુહારે વારંવાર ફોન કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી. ર૦ર૪ ના મે મહિના સુધી ગણતરી કરતા મૂડી તેમજ ૧૦ ટકા, ર૦ ટકા, વ્યાજનું વ્યાજ, ૩૦થી ૪પ ટકા મીટર વ્યાજ, બાકી રૂપિયાની ડાયરીમાં ઉથલપાથલ પછી ૧,૯પ,પ૭,૦૦૦ બાકી છે જેની સામે ફરિયાદીએ અત્યાર સુધી ર,૮૭,૩૩,૮૦૦ રૂપિયા ચૂકવ્યા છે. જે બાદ નાણાકીય અને માનસિક સ્થિતિ ખરાબ થઈ જતા પરિવારને વડોદરા મુકી ફરિયાદી દુબઈ ગયો અને પરત વડોદરા આવી ત્યાં રહેતો હતો. ચાલુ મે મહિનામાં ફરિયાદી માંડવી આવ્યા ત્યારે નિરવ અને જિગર ઠક્કર દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી. ગત ૧૮ તારીખે નિરવ સ્વિફટ ગાડીમાં આવ્યો અને મારામારી કરી હતી. બહેન અને કાકાઈ ભાઈઓ આવી જતા વધુ મારમાંથી બચાવ્યો હતો. જે બાબતે ૧૮ તારીખે મારામારી અને જાનથી મારી નાખવાની ફરિયાદ પણ નોંધાવી હતી. વ્યાજની પઠાણી ઉઘરાણી ચાલુ જ હોવાથી અંતે માંડવી પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો. 

.......

Comments

COMMENT / REPLY FROM