રેરા રજિસ્ટ્રેશન વગર પ્રોજેક્ટનો પ્રચાર-બુકીંગ કરનાર બિલ્ડરને થશે દંડ
ગુજરેરાની કડકાઈથી કચ્છના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ફફડાટ
આગામી ૧પમી જૂનથી લાગુ થશે નવો નિયમ : વિકાસથી ધમધમતા કચ્છમાં અનેક મોટા બાંધકામ પ્રોજેક્ટમાં રેરાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન : ભુજ, ગાંધીધામ, મુંદરા સહિતના વિસ્તારોમાં અનેક પ્રોજેક્ટ પર આવશે તવાઈ : પ્રોપર્ટી ખરીદતા ગ્રાહકોની સુરક્ષા માટે બનાવેલા અધિનિયમની સચોટ અમલવારી કરાવવા તંત્રની કવાયત
ભુજ : ઔદ્યોગિક, બંદરિય સહિતના ક્ષેત્રે વિકાસથી ધમધમતા કચ્છ જિલ્લામાં બાંધકામ ક્ષેત્ર પણ ખૂબ વિકસીત થયું છે. સર્વાંગી વિકાસના પગલે વધી જતી આવાસ અને વાણિજ્ય કેન્દ્રોની જરૂરિયાતના પગલે જિલ્લામાં ઠેર-ઠેર અનેક મોટા રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ્સ ધમધમી રહ્યા છે. ખાસ કરીને જિલ્લા મથક ભુજ, ગાંધીધામ, મુંદરા, માંડવી, અંજાર અને ભચાઉ વિસ્તારમાં અનેક નવા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ અને હાઉસીંગ પ્રોજેકટ્સ પ્રગતિમાં છે. નિયમ અનુસાર કોઈપણ મોટા પ્રોજેક્ટને રેરા હેઠળ રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત હોય છે. રેરા રજિસ્ટ્રેશન બાદ જ માર્કેટીંગ અને બુકીંગ શરૂ કરી શકાય છે, પરંતુ કચ્છ જિલ્લામાં રેરાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. કચ્છમાં અનેક મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ રેરાની મંજૂરી વિના જ ધમધમી રહ્યા છે. રેરા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ અને ઓનલાઈન બનાવી દેવામાં આવી છે છતાં પણ બિલ્ડરોનું રેરા રજિસ્ટ્રેશન તરફ વલણ ઉદાસીન જ રહ્યું છે. ભૂતકાળમાં જિલ્લા મથક ભુજમાં રેરાની કચેરી ધમધમતી હતી. હવે તમામ પ્રક્રિયા ઓનલાઈન થઈ જતા કચેરી નામશેષ બની છે. સરકારે ઘર કે પ્રોપર્ટી ખરીદતા ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા રેરા કાયદો લાગુ કર્યો હતો, પરંતુ આ કાયદાના પાલનમાં બિલ્ડર લોબીની ઉદાસીનતાના પગલે વખતો વખત રેરા રજિસ્ટ્રેશન વગર જ બુકીંગ અને માર્કેટીંગ કરતા બિલ્ડરો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
તાજેતરમાં ફરી એક વખત અધિનિયમનું પાલન ન કરનાર સામે તંત્રએ લાલ આંખ કરી છે. ગુજરેરા નિયમ ભંગ કરતા બિલ્ડરોને પકડવા રાજ્યવ્યાપી ઝુંબેશ ચલાવશે તેવા સંકેત સાંપડી રહ્યા છે. એજન્સી દ્વારા માર્કેટીંગ માટે ઘડાયેલા નવા નિયમો ૧પમી જૂનથી લાગુ થશે તે પૂર્વે રેરા રજિસ્ટ્રેશન વગર જ પ્રોજેક્ટનું બુકીંગ અને માર્કેટીંગ કરતા બિલ્ડરો પર મોટી તવાઈ આવી રહી છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. નિયમ ભંગ કરનાર બિલ્ડરોને નોટીસ ઈસ્યુ કરવામાં આવશે. ગુજરેરાની સઘન ઝુંબેશના ભણકારાથી કચ્છમાં રેરાના કાયદાનું ઉલ્લંઘન કરનાર બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે.
રેરાના નવા નિયમ અનુસાર હવે બિલ્ડરોને માર્કેટીંગ માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે, જેમાં પ્રોજેક્ટના બ્રોશર અને વિજ્ઞાપનોમાં રેરા રજિસ્ટ્રેશનના નંબર ફરજિયાત દર્શાવવા પડશે. રેરા સર્ટીફિકેટ આધારીત ક્યુઆર કોડ પણ રાખવાના રહેશે. જે બ્રોશર, બુકીંગ ફોર્મ, પ્રિન્ટ અને વીડિયો વિજ્ઞાપનોમાં પણ ફરજિયાત રહેશે. ઓડિયો એડમાં રેરા રજિસ્ટ્રેશન બોલવા પડશે. સોશિયલ મીડિયા જાહેરાતમાં પણ તે નિયમ લાગુ થશે. નિયમભંગ બદલ રેરા કાયદાની કલમ ૬૩ હેઠળ બાંધકામ ખર્ચના પાચ ટકાની પેનલ્ટી લાગશે. ૧પમી જૂન સુધીમાં બિલ્ડરોને તેમના પ્રચાર સાહિત્યમાં બદલાવ કરવાની ચેતવણી અપાઈ છે. ગુજરેરાના આકરા તેવરથી બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. આવનાર દિવસોમાં રેરાના નિયમોનું કચ્છમાં પાલન થાય છે કે કેમ તે જોવું રહ્યું. પ્રોપર્ટી ખરીદતા ગ્રાહકોની સુરક્ષા માટે બનાવવામાં આવેલ રેરાના કાયદાની કચ્છમાં સચોટ અમલવારી થાય તે તંત્રએ સુનિશ્ચિત કરવું જોઈએ તેવી લાગણી કચ્છના પ્રબુદ્ધ નાગરિકોએ વ્યક્ત કરી છે.
.........

Comments