Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ખડીર વિસ્તારમાં હજુય બેંકની શાખા કે એટીએમની સુવિધા પહોંચી નથી 

01 June

દર વર્ષે દેશ-વિદેશના લાખો સહેલાણીઓ પહોંચે છે તેવા...




ધોળાવીરાને વર્લ્ડ હેરીટેજ સાઈટનું સન્માન મળ્યા બાદ પ્રવાસીઓનો વધ્યો ધસારો : ખડીરના સાત ગામો પૈકી એકેય ગામની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી હાલાકી : આધુનિક ટેકનોલોજીના યુગમાં ખડીરવાસીઓ પ્રાથમિક સુવિધાથી વંચિત : મોટાભાગની સરકારી યોજનાઓ અને સબસીડીનો લાભ લાભાર્થીઓને બેંક એકાઉન્ટથી અપાય છે ત્યારે ખડીરવાસીઓને સુવિધાના અભાવે થાય છે ધક્કા 




ભુજ : કચ્છ પ્રવાસનનો સૂર્ય મધ્યાહને ઝળહળી રહ્યો છે. કચ્છના ત્રણ પ્રવાસન સ્થળો ધોરડો ગામ, સ્મૃતિવન અર્થકવેક મેમોરિયલ અને ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઈટને વૈશ્વિક સન્માન પણ મળ્યું છે. દર વર્ષે લાખો દેશ-વિદેશના સહેલાણીઓ કચ્છની મુલાકાતે આવતા થયા છે. સાથે જ પ્રવાસન સ્થળો પર સહેલાણીઓ માટે વિવિધ સુવિધાઓ પણ સરકારી અને ખાનગી ધોરણે ઊભી કરવામાં આવી છે પરંતુ દેશ-વિદેશના સહેલાણીઓથી વર્ષભર ધમધમતા ધોળાવીરા ખાતે કેટલીક માળખાગત સુવિધાઓનો અભાવ હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. 
કચ્છના ખડીર વિસ્તારમાં ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઈટ આવેલી છે. આ સ્થળેથી લોકોને હડપ્પીય સંસ્કૃતિના અવશેષો, નગરરચનાઓ વગેરે જાણવા-સમજવા મળે છે. પુરાતત્વમાં રસ ધરાવતા લાખો દેશ-વિદેશના સહેલાણીઓ ધોળાવીરા આવે છે પરંતુ વૈશ્વિક ઓળખ ધરાવતા આ વિસ્તારમાં બેકિંગ જેવી પાયાની સુવિધાનો અભાવ હોવાથી પ્રવાસીઓને મુશ્કેલીમાં મૂકાવવું પડે છે. 
સ્થાનિક જાગૃત ખડીરવાસીઓના જણાવ્યા અનુસાર ખડીરના સાત ગામો પૈકી એકેય ગામાં કોઈપણ બેંકની શાખા આવેલી નથી. એટલું જ નહીં હજારો પ્રવાસીઓ અહીં આવતા હોવા છતાં કોઈપણ ખાનગી કે રાષ્ટ્રીયકૃત બેંકના એટીએમની પણ વ્યવસ્થા ન હોવાથી દૂરદૂરથી આવતા પ્રવાસીઓને મુશ્કેલી પડતી હોય છે. ખડીરના કલ્યાણપર, રતનપર, ધોળાવીરા, જનાણ, અમરાપર વગેર ગામના લોકોને પણ બેંકની સુવિધા સ્થાનિકે ન હોવાથી મોટા ગામો કે શહેરો સુધી ધક્કા ખાવાની ફરજ પડે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ અને સબસીડીનો લાભ હવે લોકોને સીધો જ બેંક ટ્રાન્સફરથી મળે છે પરંતુ ગામમાં કોઈ જ બેંકની શાખા ન હોવાથી બેંક સંલગ્ન કામો માટે નાણાં અને સમય ખર્ચી ખડીરવાસીઓને ધક્કા ખાવાની ફરજ પડે છે. આ વિસ્તારના ચૂંટાયેલા જનપ્રતિનિધઓ પણ ખડીરમાં બેંક અને એટીએમની સુવિધા શરૂ થાય તે માટે રસ દાખવતા નથી. આ વિસ્તારના મોટા ગજાના રાજકારણીઓને માત્ર રિસોર્ટ ઊભા કરવામાં જ રસ હોય તેમ માત્ર અંગત સ્વાર્થને આગળ રાખી રોડ, રસ્તા, પાણી જેવી સુવિધાઓ માટે સમયાંતરે અવાજ ઉઠાવતા રહે છે પરંતુ ખડીરવાસીઓને બેંકની સુવિધા સ્થાનિકે મળી રહે તે માટે રજૂઆત કરવા આગળ આવતા જ નથી. તેઓ બળાપો સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. આજના ટેકનોલોજીના યુગમાં મોટાભાગના નાણાંકીય વ્યવહારો ઓનલાઈન થઈ ગયા છે પરંતુ ખડીરવાસીઓને હજુ બેંકની શાખા કે એટીએમ જેવી પાયાની સુવિધા પણ મળી નથી. આ વિસ્તારમાં વહેલી તકે બેંકની શાખા શરૂ થાય અને એટીએમની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી લાગણી સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. 


..........

Comments

COMMENT / REPLY FROM