માથકમાં સાવકા પિતાએ ૬ વર્ષના દિકરાને પાણીમાં ડૂબાડી હત્યા કરી
દરરોજ પતિ - પત્ની બંને કામ પર જતા પરંતુ ગુરૂવારે બિમાર હોવાનું કહી પતિ કામ પર ન ગયો અને માસૂમ બાળકના જીવનનો અંત લાવી દિધો : માતા સહિત આસપાસના લોકો આખો દિવસ શોધખોળ કરતા રહ્યા પરંતુ નફ્ફટ આરોપીએ કબૂલાત ન આપી : અંતે કેમેરામાં હકિકતો ખુલી
અંજાર : તાલુકાના માથક વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય સાવકા પિતાએ ૬ વર્ષના દિકરાને પાણીમાં ડુબાડી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. આ બાબતે મળતી વિગતો મુજબ મધ્યપ્રદેશના અને હાલે માથકમાં ઈન્ડસ્ટ્રીયલ બેગ પેકેજીંગ કંપનીની કોલોનીમાં રહેતા પરિવારમાં આ બનાવ બન્યો હતો. ફરિયાદી પૂજાબેનના જણાવ્યા પ્રમાણેે તેમના પહેલા લગ્ન એમપીના દયારામ કુશ્વાહ સાથે થયા હતા. સંતાનમાં ૩ દિકરા છે. પહેલા પતિનું ૩ વર્ષ પહેલા અવસાન થતાં ૪ મહિના પહેલા બીજા લગ્ન એમપીના જ ખેતસીંગ દેવીસીંગ અહીરવાલ સાથે થયા હતા. પહેલા લગ્નના ૩ સંતાનો પૈકી ૧૮ અને ૧૬ વર્ષના દિકરા દિલ્હીમાં શેરડીની ફેકટરીમાં મજૂરી કામ કરે છે. જયારે ૬ વર્ષનો દિકરો રાહુલ નાનો હોવાથી ફરિયાદી માતા પાસે રહેતો હતો. જેની સાથે બીજા લગ્ન થયા તેની પહેલી પત્ની કોઈની સાથે ભાગી ગઈ હતી. તેના બે દિકરા પૈકી એક દાદી પાસે અને બીજો તેની માતા પાસે રહેતો હતો. બંને જણા સવારે ૮ વાગ્યે કંપનીમાં જતા અને ૬ વાગ્યે પાછા આવી જતા ઘરની બાજુમાં દિયર સૌરભ રહેતો જેની નાઈટ ડ્યુટી હોવાથી દિવસ દરમિયાન રાહુલ તેના ઘરે રહેતો હતો. ૩૦મી તારીખે પૂજાબેન નિત્યક્રમ પ્રમાણે નોકરીએ ગયા ત્યારે પતિએ આજે તબીયત બરોબર નથી એટલે હું આવીશ નહીં તેમ જણાવ્યું હતું. પતિ અને દિકરો રાહુલ રૂમ પર હતા. બાદમાં ૧૦ વાગ્યે પતિ ખુદ કંપનીમાં આવ્યો અને કહેવા લાગ્યો કે, રાહુલ મળતો નથી. જેથી કંપનીમાંથી રૂમ પર આવી આજુબાજુના લોકોને જાણ કરતાં સૌ કોઈ માથકમાં સાવકા પિતાએ
શોધખોળમાં પરોવાઈ ગયા હતા. કંપનીના સિક્યુરિટી ગાર્ડ અને બીજા માણસોને જાણ કરતાં તેઓ પણ શોધખોળમાં હતા. દરમિયાન સાંજના સમયે કંપનીના કર્મચારીઓએ કેમેરા ચેક કર્યા જેમાં જાણવા મળ્યું કે, મહિલા ૮ વાગ્યે નોકરીએ ગઈ તેના અડધો કલાક પછી પતિ રાહુલને લઈને જતો હતો. અને પરત આવ્યો ત્યારે એકલો હતો. રાહુલ જોવા મળ્યો ન હતો. કંપનીના માણસોએ પુછપરછ કરતાં પતિએ મને કાંઈ ખબર નથી. તેમ કહ્યું પરંતુ બાદમાં કંપનીથી દૂર આવેલ પાણી ભરેલા ખાડામાં રાહુલને ફેંકી દિધો હોવાની વાત કહી, જેથી ત્યાં જઈ તપાસ કરતાં પાણી ભરેલા ખાડામાં રાહુલ મળી આવ્યો હતો. પોલીસને જાણ કરતાં પોલીસ પણ પહોંચી આવી હતી. આરોપી ખેતસીંગે દિકરાની હત્યા કરી હોવાથી માતાએ આદિપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પતિના અવસાન બાદ દિકરાઓનું ભવિષ્ય સુધારવા માટે માતાએ બીજા લગ્ન કર્યા પરંતુ બીજા લગ્નમાં આવેલો પતિ જ યમ બનતા માસુમ બાળકનું જીવન સંકેલાઈ ગયું છે. આ ઘટનાથી કંપનીના સ્ટાફ સાથે સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. સ્થળ પર પહોંચેલી પોલીસ પણ આ સમગ્ર બનાવ સાંભળી ચોકી ઉઠી હતી. નરાધમ બાપ સામે સખ્ત પગલાં લેવાય અને ઝડપી ચાર્જશીટ કરી કડક સજા મળે તે જરૂરી છે.
............
૧પ દિવસ પહેલા પતિએ ઝઘડો કરી કહ્યું હતું હું રાહુલને જીવતો નહીં મુકુ
પૂજાબેનના આરોપી સાથે ૪ મહિના પહેલા જ લગ્ન થયા છે. આરોપી ખેતસીંગના બંને દિકરા દાદી અને માતા પાસે રહે છે, જેથી તેણે પુજાને આ ૬ વર્ષના દિકરાને દાદા - દાદી પાસે મુકી આવ તેવું કહ્યું હતું. ૧પ દિવસ પહેલા પૂજા સાથે ઝઘડો કરી કહ્યું હતું કે, તું તારા છોકરાને સાથે કેમ લાવી છો ? તે મને ગમતો નથી. તું તેને મુકી આવ નહીં તો હું તેને જીવતો નહીં મુકુ તેમ કહી ઝઘડો કર્યો હતો. પરંતુ માતાને ખબર ન હતી કે, આ પ્રમાણે દિકરાને ડુબાડીને મારી નાખશે. આ બનાવથી માતા પર જે વીતી હશે તેની કલ્પના કરી શકાય તેમ નથી.
..........

Comments