- તો નુંધાતડની સદામ-મામદ ટોળકીની હાઈપ્રોફઈલ ખનીજચોરીનો રેલો ગાંધીનગર સુધી લંબાય? : અમુક ઝભ્ભાલેંગાવાળાના પણ નામો ખુલે.!
કલેકટરશ્રી જાત તપાસ કરાવે : ગાંધીનગરથી મંજુરી કોણે આપી?
અબડાસાના નુંધાતડમાં બેફામ ખનિજચોરીની ફરિયાદ બાદ તંત્ર દ્વારા તપાસ
સ્થાનિક માથાભારે ખનિજચોરોએ તંત્રની હાજરીમાં ફરિયાદીને ધાક ધમકી કર્યાનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ : ફરીયાદના આધારે તપાસ કરાઈ છે, માપણી બાદ વધુ વિગતો સામે આવી શકે છે :
શ્રી કેયુર પંડયા(ઈન્ચાર્જ ખાણખનિજ અધિકારી પશ્ચીમ કચ્છ ખાણવિભાગ)
સ્થાનિક ખનિજ માફિયાઓ બારાતું ઈન્વેસ્ટરોને બોલાવી લીઝ બહાર મોટા પ્રમાણમાં બેન્ટોનાઈટનું ખનન અને પરિવહન કરાવતા હોવાની ફરિયાદ બાદ તંત્રની ટીમ ત્રાટકી : માપણી અને જથ્થા સહિતની તપાસ હાથ ધરાઈ
ખાટલે મોટી ખોટ : નુંધાતડમાં લીઝના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાળી અને ખનીજચોરીને અંજામ આપવામાં મશીનો કોના વપરાયા? જયાં સુધી આ રીતે મોટા મોટા મશીનોનો ખનીજચોરીમાં ઉપયોગ કરનારા સુત્રધારો પૈકીના એક એવા સદામની સામે લાલઆંખ ભરી ધાક બેસાડતી કાર્યવાહી નહી થાય ત્યાં સુધી અબડાસાને મુકીને લખપત પટ્ટામાં અને લખપત પટ્ટાને મુકીને વળી અન્યત્ર આ સદામગેંગ કરોડોની ખનીજચોરીને અંજામ આપતી જ રહેશે...! : સદામને સાણસામાં લેવાશે તો ગાંધીનગર કક્ષાએથી કોના મારફતે આ પ્રકારની ખનીજચોરીને અંજામ અપાય છે તેનો પણ મોટો પર્દાફાશ થવા પામશે..!
કચ્છ બોર્ડર રેન્જના કડક અને તટસ્થ-કાયદાનિષ્ઠ આઈજીશ્રી ચિરાગ કોરડીયા કેમ ન કરાવે ઘનિષ્ઠ છાનબીન? : પશ્ચિમ કચ્છમાં પોલીસતંત્ર પણ આટઆટલી મોટી ખનીજચોરીઓના આયોજનબદ્ધ ષડયંત્રથી કેમ છે અજાણ? જાણકારો કહી રહ્યા છે કે ખીરસરા પટ્ટા હોય કે પછી નુંધાતડ વિસ્તાર, અહીની ખનીજચોરીઓના કારનામામાં પોલીસ પણ આંટાફેરા કરી જ આવતી હોય છે, પરંતુ ગાંધીનગરથી કે જિલ્લા મથકેથી ફોનની ઘંટડીઓ રણકી જતા વીલા મોઢે અથવા તોચહેરો દેખાડીને સેટીંગ કરીને પરત આવી જતી હોય છે..? આ અંગે કરવી જોઈએ કડક તપાસ
ભુજ : પ્રાકૃતિક ખનિજ સંપત્તિથી સમૃદ્ધ કચ્છ જિલ્લામાં ખનિજ ચોરી મોટું દુષણ છે. કચ્છના પેટાળમાંથી ગેરકાયદે ખનિજનું ખનન કરી ખનિજ માફિયાઓ કરોડોની કમાણી કરી રહ્યા છે. આ ગેરકાયદેસર કારોબારમાં કરોડોની કમાણી હોવાથી ખનિજ ચોરી રોકવાની જવાબદારી જેમના શીરે છે તેવા કેટલાક ભ્રષ્ટ તંત્ર વાહકો પણ તેમાં સંડોવાયેલા હોવાનું ચર્ચાય છે. તંત્રના ભ્રષ્ટ અધિકારીઓની રહેમનજર તળે ખનિજ માફિયાઓ ફાટીને ધૂમાળે ગયા છે. જ્યાં એક તરફ ખનિજ ચોરોને તંંત્રના જ કેટલાક ભ્રષ્ટ બાબુઓનો સાથ મળી રહ્યો છે તો બીજી તરફ માથાભારે ખનિજ માફિયાઓની રાજકીય ક્ષેત્રમાં પણ સારી વગ ઉભી થઈ હોવાથી કેટલાક સ્થાનિક રાજકારણીઓ અને જભ્ભા-લેંઘાધારીઓની મદદ પણ તેમને મળી રહી હોવાનું ચર્ચાય છે.
દરમ્યાન જ અબડાસા તાલુકાના નુધાતડ ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૧૮૭માં આવેલ લીઝમાં ગેરકાયદેસર ખનન કરેલ બેન્ટોનાઈટના જથ્થો સંગ્રહીત કરવામાં આવતો હોવાની ફરિયાદ પરથી ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા હડકપ મચી ગયો હતો. આ લીઝ પર બેન્ટોનાઇટનો જથ્થો પુરો થઈ ગયો હોવા છતાંય લીઝ સરેન્ડર કરાવવાના બદલે રોયલ્ટીના દૂરુપયોગ કરવાની મોડેસ ઓપરેન્ડી મુજબ લીઝની બાજુમાં રહેલ ટાવર્સ પૈકીની જમીનમાંથી બેન્ટોનાઇટનુ ખનન કરી લીઝની જગ્યામા ખાલી કરવામાં આવતું હતું. લીઝમાંથી ખનન કરેલું દર્શાવી રોયલ્ટી મેળવી માલ કાયદેસરનો બતાવી વેચવાની પેરવી કરવાના કૌભાંડના ભાગરૂપે લીઝની બાજુમાં સરકારી જમીનમાં ખનન અટકાવી પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગ દ્વારા ફરિયાદી કાસમ હીગોરાની અરજીના આધારે કાર્યવાહી કરી હતી.
બે દિવસ અગાઉ આ અરજદારની અરજી અનુસંધાને ખાણખનીજની ટીમ તપાસમાં આવી હતી. જે વખતે ખાણ ખનીજની ટીમની હાજરીમાં લીઝના નામે ખનીજચોરી કરતા તત્વો સદામ, મામધ અને કાયદાના જાણકારના પુત્ર એવા બારાતુ શખ્સે ગાળાગાળી કરી હતી. જેનો વિડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો હતો. બાદમાં આ બાબતે અરજદારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ખાણખનીજ અધીકારીઓને તટસ્થ કાર્યવાહી કરવાનું કહેતા સ્થળ પર માપણી કરાઇ હતી. કોઠારા પોલીસના પીએસઆઇ ડાંગરના બંદોબસ્ત હેઠળ માપણી કરાઇ હતી જેમાં લીઝની બાજુમાં સરકારી જમીનમાંથી ખનીજચોરી કરાયાનું જણાઇ આવતાં પંચનામું કરાયું હતું. અને લીઝમા ઉભેલ હીટાચી અને આઇવા ડમ્પરોને અને સ્ટોક કરાયેલ બેન્ટોનાઈટના જથ્થાને ચોક્કસ માપણી ન થાય ત્યાં સુધી સ્થળ પરથી હટાવવા પર રોક લગાવાઇ હોવાનું ચર્ચાય છે.
આ અંગે ખાણ ખનિજ વિભાગના અધિકારી કેયુર પંડ્યાએ જણાવ્યું હતું કે, મળેલી ફરિયાદના આધારે ખાણ ખનિજ વિભાગની તપાસ ટીમ સ્થળ પર ગઈ હતી અને તાસ કરી હતી. જેમાં લીઝ વિસ્તાર બહાર ખનન થયાનું સામે આવ્યું છે. હાલે માપણી અને જથ્થાની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. લીઝ વિસ્તારના નકશાની સરખામણી કરી જથ્થાની ચકાસણી કરવામાં આવશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
................
બારાતુ ઈન્વેસ્ટર કોણ? તેમને આંબાઆંબલી કોણે દેખાડી?
આ મોડસ ઓપરેન્ડીથી થાય છે ધુમ ખનીજચોરી
ગાંધીધામ : અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિકના માથાભારે ખનીજચોરો બારાતુ રોકાણકારોને બોલાવી રોકાણ કરાવી આબાઆબલી બતાવી પોતાનો મેળ કરી લેતા હોય છે જેમાં તેઓ ભોળા ઈન્વેસ્ટરોને તગડી કમાણી હોવાનુ કહી સરકારી જમીનની બાજુવાળી લીઝ ખરીદ કરવાનું કહી સરકારી જમીનમાંથી ખનીજચોરી કરી કમાણી કરવાની લાલચ આપી લીઝના પાવરો કરાવે છે જેમાં આ લેભાગુ ખનીજચોરોનો ભાગ હોય છે એટલે લીઝના પાવર વખતે જ લેભાગુ ખનીજચોરોનો ખાસ્સો એવો મેળ થઈ જાય છે.
.........
ખાવડા પંથકમાં થયેલી કામગીરી પર અબડાસામાં પાણીઢોળ
ભુજના ખાવડા વિસ્તારમાં ખનિજ માફિયાઓ પર ગાજ વરસાવનાર તંત્રની કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પરિવહન પ્રવૃત્તિ પર લાગી લગામ : ખાણ ખનિજ અધિકારી અને ફલાઈંગ સ્કવોર્ડની નેત્રદિપક કામગીરી પર અબડાસા પંથકના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ ફરેવી દીધું પાણી : ફરિયાદ ઉચ્ચ કક્ષાએ પહોંચતા તંત્રની ટીમોએ આખરે હાથ ધરી તપાસ
ગાંધીધામ : જ્યાં એક તરફ પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ બારિયાના માર્ગદર્શન હેઠળ ભુજ - ખાવડા સરહદી વિસ્તારમાં બેલગામ બનેલા ખનિજ ચોરોને પકડવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાવડામાં કાયમી ચેકપોસ્ટ બનાવી ખનિજ ચોરોમાં હડકંપ મચાવી દેવામાં તંત્ર સફળ રહ્યું છે. આ વિસ્તારમાં ગેરકાયદે ખનિજનું પરિવહન મહદઅંશે કાબુ કરવામાં ખાણ ખનિજ વિભાગ અને ફલાઈંગ સ્કવોર્ડની ટીમો સફળ રહી છે ત્યારે અબડાસા પંથકમાં ખનિજ ચોરોનો હાથો બની રહેલા તંત્રના જ ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ખનિજ તસ્કરોને છાવરી રહ્યા છે. જ્યાં એક તરફ ખાણ ખનિજ તંત્ર ખનિજ ચોરીને ડામી દેવા કડક કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે તંત્રમાં જ રહી ખનિજ માફિયાઓને છાવરી રહેલા ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં લેવાય તે જરૂરી છે તેવું સ્થાનિક જાગૃતો જણાવી રહ્યા છે.
.........
નુંધાતડ ખનીજકાંડમાં ઉલ્ટા ચોર કોટવાલ કો દાટેનો કેમ થયો તાલ?
ગાંધીધામ : વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર તાજેતરમાં અબડાસા તાલુકાના નુંધાતડ પાસે ખનિજ ચોરીના કિસ્સામાં ખનિજ ચોરો સાથે તંત્રના જ કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓની સાંઠગાંઠ સામે આવી હતી. નુંધાતડ વિસ્તારમાં થતી બેફામ ખનિજ ચોરી પર લગામ કસવા સ્થાનિક જાગૃત લોકો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ખનિજ ચોરીના પુરતા પુરાવા સાથે ફરિયાદ લઈને પહોંચેલા રજૂઆતકર્તાને તંત્રના જ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ ધાકધમકી કરીને ભગાડી દીધાનું સુત્રો જણાવી રહ્યા છે. ખનિજ ચોરીના વીડિયો - ફોટોગ્રાફસ જેવા પુરાવાઓ ફરિયાદી પાસે હોવા છતાં તેને મેળવવાની અને ચકાસવાની કોઈ તસ્દી લીધા વિના ઉલ્ટું ફરિયાદીને ધમકીઓ આપી ભગાડી દઈ ભીનું સંકેલી લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
.........
પશ્ચિમ કચ્છમાં ખનિજમાફીયાઓ બેફામ :
અમુક ભ્રષ્ટ ખાખી - ખાદીધારીઓની રહેમનજર ?
અબડાસાના નુંધાતડમાં ખનિજ ચોરીની ફરિયાદ કરનારને ભ્રષ્ટ બાબુઓએ ભગાડ્યાની ચકચાર : પશ્ચિમ કચ્છમાં ખનિજ ચોરીના કરોડોના કારોબારમાં તંત્રના જ કેટલાક ભ્રષ્ટ કર્મીઓની સંડોવણી ? : સ્થાનિક અમુક રાજકારણીઓની ઓથ મેળવી ફાટીને ધૂમાળે ગયેલા ખનિજ માફિયાઓને હવે ભ્રષ્ટ તંત્ર વાહકોની મળી છત્રછાયા ? : સ્થાનિક જાગૃત નાગરિકોનો સણસણતો સવાલ
ગાંધીધામ : પશ્ચિમ કચ્છ વિસ્તારમાં ખનિજ ચોરીનું દુષણ એટલી હદે વકરી ગયું છે કે તેના પડઘા રાજ્યની વિધાનસભામાં પણ સંભળાયા હતા. કચ્છ જિલ્લામાં ખનિજ તંત્ર દ્વારા ખનિજ ચોરી પડકાય છે ત્યારે અનેક વખત મોટા રાજકારણીઓનું દબાણ (ભલામણ) કાર્યવાહીમાં બાંધછોડ કરવા આવી જતું હોય છે. કેટલાક ખાદીધારીઓની રહેમ દ્રષ્ટિના કારણે જ અનેક કૌભાંડોમાં ભીનું સંકેલી દેવાય છે. અબડાસા પંથકમાં ખનિજ માફિયાઓની ધાક વધી છે તેની પાછળ મોટું કારણ કેટલાક સ્થાનિક નેતાઓ અને અમુક ભ્રષ્ટ તંત્રવાહકોની રહેમ નજર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
............

Comments