ભુજમાં ખોદકામ દરમ્યાન સોનુ મળ્યું છે કહી ઠગાઈ કરનાર આરોપી નવ વર્ષે પકડાયો
સુરતના લેબર કોન્ટ્રાકટરને પહેલા સાચા સોનાનો નમુનો બાદમાં નવ લાખ લઈ પીળી ધાતુના નકલી બિસ્કીટ આપી આરોપી ભાગી ગયો હતો
ભુજ : નકલી સોનાના નામે ઠગાઈ કરી ૯ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. જે અંગે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો હતો. આ કેસમાં આરોપીને મધ્યપ્રદેશથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવાયો છે.નવ વર્ષ પહેલા ભુજમાં ખોદકામ કરતી વખતે આરોપીએ તેના સ્થાનીક મિત્રને સોનું આપવાનું કહી એક કિલો નકલી પીળી ધાતુના બિસ્કિટ આપી નવ લાખ મેળવી ભાગી ગયો હતો. નવ વર્ષ સુધી ફરાર રહ્યા બાદ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ૯ લાખ રૂપિયાના સોનાના છેતરપિંડીના મુખ્ય આરોપી મહેશ હમારિયા તોમરને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ચિકોડા ગામમાંથી ધરપકડ કરી છે. ટીમે તેને મજૂર તરીકે કામ કરતી વખતે શોધી કાઢ્યો હતો. તોમર ૨૦૧૬ થી ફરાર હતો જેથી અદાલત દ્વારા વોરંટ જારી કરાયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, સુરતના કાપોદ્રા વિસ્તારની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા શ્રમ કોન્ટ્રાક્ટર ફરિયાદી ધર્મેશ રામાણી સાથે ઠગાઈ કરાઈ હતી. મહેશે ફરિયાદીને જણાવ્યું હતું કે, તેનો મિત્ર ભુજમાં છે અને તેને ખોદકામ દરમિયાન સોનું મળ્યું છે.
આ સોનુ તે સસ્તામાં વેચવા માંગે છે તેમ કહી ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે પહેલા વાસ્તવિક સોનાનો નમૂનો આપ્યો અને પછી એક કિલો સોનાનો સોદો કરી નવ લાખ રૂપિયા લઈ લીધા અને બદલામાં નકલી
પીળી ધાતુના બિસ્કિટ આપી ભાગી ગયો હતો.

Comments