Trending News
સ્થાનિક સમાચાર

ગ્રામ્ય સંસદની ચૂંટણીના ભણકારા : કચ્છમાં રાજકીય ગરમાવો વધ્યો

28 May



કચ્છ સહિત રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓની ગમે તે ઘડીએ જાહેરાત થવાની સંભાવના : કચ્છની ૧૬૪ ગ્રામ પંચાયતને સુકાની મળવાની બંધાઈ આશા



કચ્છના ઔધોગિક અને વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે વિકાસ બાદ ગ્રામ્ય સુકાનીઓનું વધ્યું મહત્વ : ગ્રામ્ય સુકાની બનવા માટે મુરતિયાઓમાં આગોતરો થનગનાટ : રાજકીય પક્ષો પણ તૈયારીઓમાં જોતરાયા 



વિધાનસભા ર૦ર૭ ચૂંટણી પૂર્વે ગ્રામ પંચાયતોની ચૂંટણી રાજકીય પક્ષો માટે મહત્વપૂર્ણ : રાજકીય પક્ષોના ચૂંટણી ચિહન વગર લડાતી ચૂંટણીમાં જોવા મળશે રાજકીય ખેંચતાણ : ભાજપ સંગઠન મહત્તમ ગ્રામ પંચાયતોની સમરસ કરવા થયું સક્રિય 


ભુજ : કચ્છ સહિત રાજ્યભરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત ગમે તે ઘડીએ થવાની સંભાવના છે, ત્યારે કચ્છ જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે. આમ તો ગ્રામ પંચાયતની ચૂંટણીઓ રાજકીય પક્ષોના ચૂંટણી ચિહન વગર જ યોજાય છે એટલે કે, પ્રત્યક્ષ રૂપે આ ચૂંટણીમાં રાજકીય પક્ષોને ઉતરવાનું રહેતું નથી, પરંતુ જે પક્ષની વિચારધારાનો સરપંચ ગ્રામિણ લોકતાંત્રિક વ્યવસ્થામાં હોય તેને અન્ય ચૂંટણીઓમાં મજબૂતી મળતી હોય છે. આથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈ રાજકીય પક્ષોમાં પણ ઉત્સુકતાનો માહોલ જોવા મળે છે. વર્તમાન ૧પમી ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બર ર૦ર૭માં પૂર્ણ થશે, તેના પહેલા ગ્રામ પંચાયતનોની ચૂંટણીઓ મહત્વની માનવામાં આવી રહી છે.
કચ્છ જિલ્લામાં ૧૬૪ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ થવાની છે. કચ્છ જિલ્લાના ઔધોગિક અને વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે વિકાસ બાદ ગ્રામ પંચાયતના સુકાનીઓનું કદ વધ્યું છે, જે તે વિસ્તારમાં આવેલા ઔધોગિક એકમોના સીએસઆર ફંડમાંથી સ્થાનિકે વિકાસ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંંત જે તે ગ્રામ્ય વિસ્તારમાં પવન કે, સૌર ઉર્જાના પ્રકલ્પો આવે તે વિસ્તારને પણ લાભ થતો હોય છે. ઔધોગિક એકમો અને વૈકલ્પિક ઉર્જા પ્રકલ્પોની સ્થાપના પૂર્વેથી જ ગ્રામ પંચાયતની ભૂમિકા વિવિધ રીતે મહત્વની બની રહેતી હોવાથી ગ્રામ્ય સુકાનીઓ બનવા માટે ભારે ખેંચતાણ થતી હોય છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વિધાનસભા જેવી અન્ય ચૂંટણીઓમાં પણ ગ્રામ્ય સ્તરે જે પક્ષની વિચારધારાના સરપંચ હોય તેને લાભ થતો હોય છે. રાજકીય રણનીતિના મુળભૂત મુળિયાને મજબૂત કરતી પંચાયતી રાજની તળિયાની સંસ્થાઓ ગ્રામ્ય સંસદમાં છેલ્લા અઢી - ત્રણ વર્ષથી ચૂંટણીઓ અટકી પડી હતી. કચ્છની ૧પ૦થી વધુ ગ્રામ પંચાયતોમાં હાલે વહિવટદારનું શાસન ચાલી રહ્યું છે. લાંબા વિલંબ બાદ હવે પ્રથમ વખત ઓબીસી અનામતની જોગવાઈ સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે કચ્છના ગ્રામ્ય ક્ષેત્રમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ખાસ કરીને મોટી વસતી ધરાવતા ગામોમાં ચૂંટણીઓને લઈ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ગ્રામ્ય સુકાની બનવા થનગની રહેલા મુરતિયાઓ પણ હરકતમાં આવ્યા છે.
બીજીતરફ ભાજપા સંગઠન કચ્છમાં વધુને વધુ ગ્રામ પંચાયતો સમરસ ગ્રામ પંચાયત બને તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. કચ્છમાં લોકસભાથી માંડી તમામ પંચાયત અને પાલિકાઓમાં ભાજપનું શાસન હોવાથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય લેવલે સક્રિય થયા છે. પોતપોતાના વિસ્તારમાં મહતમ ગ્રામ પંચાયતોની સમરસ બનાવવા ખાનગી બેઠકો કરી રહ્યા છે. તો બીજીતરફ કોંગ્રેસ પણ આગામી વિધાનસભા ર૦ર૭ને ધ્યાને લઈ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવાનું મન બનાવ્યું છે. ચૂંટણીની તારીખો જાહેર થયા પૂર્વે રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળી રહ્યો છે. હાલે ચૂંટણીની જાહેરાતને લઈ રાજકીય પક્ષો અને મુરતિયાઓની નજર ચૂંટણીપંચ ભણી મંડાઈ છે.

Comments

COMMENT / REPLY FROM