કચ્છની ભરતકલા વડાપ્રધાન સમક્ષ : શ્રુજન સંસ્થા દ્વારા નિર્મિત વિશિષ્ટ પેનલ વડાપ્રધાનને કરાઈ અર્પણ
ભુજ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના "ઓપરેશન સિંદૂર" અભિયાન અંતર્ગત કચ્છ ખાતે યોજાયેલી વિશાળ જાહેર સભા દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મંત્રીઓ દ્વારા એક હસ્તકલાની વિશિષ્ટ ભરતકામની કલાત્મક પેનલ વડાપ્રધાનને અભિવાદનરૂપે ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી.
કચ્છના વિવિધ ગામડાઓમાં ભરતકામ કરતી અલગ અલગ જાતી સમુદાયની કારીગર બહેનો દ્વારા શ્રુજનના માર્ગદર્શન અને નિદર્શન હેઠળ વિવિધ પ્રકારની અનન્ય શૈલીઓવાળી કલાત્મક ભરતકામની આવી પેનલો તૈયાર કરવામાં આવતી હોય છે, જેમાંની આ પેનલ પણ "શ્રુજન" સંસ્થાના મહિલા કારીગરો દ્વારા બનાવવામાં આવી હતી. શ્રુજન સંસ્થા છેલ્લા ૫૫ વર્ષથી કચ્છની મહિલા કારીગરો સાથે મળીને કચ્છની ભાતીગળ લોકસંસ્કૃતિ સમાન હસ્તકલાના વૈવિધ્યપૂર્ણ વારસાને જીવંત રાખવા કાર્યરત છે. આ પેનલમાં કચ્છની ૧૨ અલગ-અલગ સમુદાયોની ૧૬ જેટલી પરંપરાગત ભરતકામ શૈલીઓને સમાવિષ્ઠ કરવામાં આવી છે. દરેક શૈલી તેની જાતમાં એક અનોખી ઓળખ ઊભી કરી છે તે કચ્છના સાંસ્કૃતિક વૈવિધ્યતાની ઝલક આપે છે. આ પેનલ માત્ર કલાનો નમૂનો જ નથી, પરંતુ કચ્છની કારીગર બહેનોની સર્જનાત્મકતા, કારીગરી, કુનેહનું જીવંત પ્રતિક છે. પેનલની દરેક કડી એક વાર્તા કહે છે - પરંપરાની, ઓળખની અને આશાની!
આ પેનલ વડાપ્રધાનને મુખ્યમંત્રીએ યાદગાર સંભારણરૂપે અર્પણ કરી હતી, જે સમગ્ર કચ્છ માટે અને ભરતકામ સાથે જોડાયેલ કારીગર બહેનો માટે ગૌરવ અને ગરિમાની ક્ષણ હતી. વડાપ્રધાનની સાથે સાથે આ તમામ કારીગર બહેનોનું પણ સન્માન હતું. આ પહેલા પણ શ્રુજન સંસ્થાની આવી કલાત્મક કૃતિઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, નીતિન ગડકરી, રાજ્યપાલો, વિવિધ મંત્રીમંડળના સભ્યો તેમજ જાણીતા કલાકારોને સન્માનરૂપે વિવિધ અગ્રણીઓ, સંસ્થાઓ તેમજ શ્રુજન દ્વારા અર્પણ કરવામાં આવી છે. શ્રુજન સંસ્થાનું કાર્ય સ્પષ્ટ દર્શાવે છે કે કલા માત્ર એક ઔપચારિકતા નથી, પરંતુ એ એક સંસ્કૃતિ છે - જે લોકોના જીવન સાથે જોડાયેલી છે. આવી પેનલ કચ્છની ધરતીથી ઉદ્દભવેલી મહિલાઓની સર્જનાત્મકતાનું ગૌરવશાળી દસ્તાવેજ છે.
-----

Comments