માંડવીનો દરિયાકાંઠો દેશ - વિદેશના સહેલાણીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન બનશે
રણ બાદ મહેરામણને વિકસાવવાનું મોદીનું વિઝન
ભુજની જનસભામાં વડાપ્રધાને રણોત્સવની સમાંતરે માંડવીમાં બીચ ફેસ્ટિવલ ગોઠવવા રાજ્ય સરકારને કર્યો અનુરોધ : વિશ્વ ભરમાં ઝડપભેર લોકપ્રિય બની રહેલી બીચ ગેમ્સની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન માંડવીના દરિયાકિનારે કરવા રજૂ કર્યું વિઝન : કચ્છ માટે અભિશાપરૂપ રણને આશિર્વાદ બનાવનાર વડાપ્રધાન મોદીના વિઝનથી હવે મહેરામણના વિકાસની આશ
વડાપ્રધાનના વિઝનથી કચ્છ પ્રવાસનને મળશે નવી પાંખ : મોદી હૈ તો મુમકીન હૈ : કચ્છના પ્રબુદ્ધ નાગરિકોએ વ્યક્ત કર્યો મત
ભુજ :ભૂતકાળમાં કચ્છ માટે અભિશાપ ગણાતું કચ્છનું રણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી આશિર્વાદરૂપ બન્યું છે. કચ્છના સફેદ રણમાં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે શરૂ કરાવેલ કચ્છ રણોત્સવની લોકપ્રિયતા વિશ્વભરમાં પ્રસરી છે. દર વર્ષે લાખો સહેલાણીઓ કચ્છના સફેદ રણની મુલાકાતે આવી પ્રાકૃતિક સૌદર્યની અભિભૂત થાય છે. સાથે જ અનેક બોલીવુડ અને પ્રાદેશિક ફિલ્મો, મ્યુઝિક આલ્બમોમાં કચ્છના સફેદ રણની સૌદર્યતા કંડારવામાં આવી છે. તો ખાવડાના મોટા રણમાં એશિયાનું સૌથી મોટૂ રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણ થઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીના શબ્દોમાં કહીએ તો કચ્છ માટે અભિશાપ ગણાતું રણ હવે સમગ્ર દેશને હરિત ઉર્જા પ્રદાન કરવાનું કેન્દ્ર બની રહ્યું છે.
કચ્છના રણને વિશ્વના નકશે મોભાદાર સ્થાન અપાવનાર વડાપ્રદાન મોદીએ હવે કચ્છના દરિયાકાંઠાને વૈશ્વિક પ્રસિદ્ધિ અપાવવાનું વિઝન રજુ કર્યું છે. સોમવારે કચ્છની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ રાજ્ય સરકાર અને કચ્છના જનપ્રતિનિધિઓને રણોત્સવની સમાંતરે માંડવીના રમણીય દરિયાકાંઠે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે, વિશ્વ ભરમાં બીચ ગેઈમ્સ લોકપ્રિય બની રહી છે. માંડવીના દરિયા કિનારે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ સાથે કચ્છ રણોત્સવ સમયગાળામાં બીચ ફેસ્ટિવલ ઉજવવાનુંવિઝન તેમણે ભુજમાં રજૂ કર્યું હતું. સાથે જ તેમણે આ પ્રોજેકટ માટે પોતે તમામ પ્રકારની મદદ માટે તૈયાર હોવાની હૈયાધારણા અને ખાતરી પણ આપી હતી.
કચ્છના જાગૃત નાગરિકોએ વડાપ્રધાનની દુરંદેશીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ટૂરીઝમ ક્ષેત્રે કચ્છનો વિકાસ વડાપ્રધાન મોદીને આભારી છે. ભૂતકાળમાં કોઈએ નમકના સફેદ રણમાં વિશ્વને આકર્ષવાની વડાપ્રધાને કચ્છના રણને વિશ્વ ફલક પર ચમકાવવાનું વિઝન રજૂ કર્યું હતું. આજે કચ્છનું રણ દેશના પ્રવાસનનું તોરણ બન્યું છે. હવે જયારે વડાપ્રધાન મોદીએ માંડવી બીચના ફેસ્ટિવલની વાત મુકી છે, ત્યારે કચ્છના પ્રવાસનને નવી પાંખો જરૂર મળશે. મોદી હૈ તો મુમકીન હૈ તેવું કહેતા પ્રબુદ્ધ નાગરિકો જણાવે છે કે, આવનાર દિવસોમાં માંડવીનો દરિયાકિનારો બીચ ફેસ્ટિવલના કારણે વૈશ્વિક પ્રસિદ્ધિ પામશે. તેમાં બે મત નથી. માંડવીનો દરિયા કિનારો આગવી ખાસિયત અને સૌદર્ય ધરાવે જ છે. ત્યારે માંડવીના બીચ પર બીચ ગેમ્સ ફેસ્ટિવલના આયોજનથી ચાર ચાંદ લાગી જશે. ધોરડો, ધોળાવીરા, સ્મૃતિવન બાદ હવે આવનાર દિવસોમાં માંડવી બીચ પર પ્રવાસીઓનું ફેવરીટ ટૂરીસ્ટ ડેસ્ટિનેશન બની જશે.

Comments