Trending News
સ્થાનિક સમાચાર

સવાયા કચ્છી પીએમ મોદીજીનો સરહદી કચ્છ સાથે       અનન્ય ઋણાનુબંધ : હું કચ્છનો અને કચ્છ મારૂં..!

26 May

મોદી હૈ તો મુમકીન હૈ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા



પીએમ તરીકે મોદીજીના કચ્છ પ્રવાસની તવારીખ : વર્ષ ર૦૧૪માં દેશના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈ મોદીએ આઠ વખત કચ્છની લીધી મુલાકાત


ર૬મીએ પીએમના નવમા પ્રવાસનું સાક્ષી બનશે કચ્છ : વડાપ્રધાન બન્યા બાદ કચ્છને ગ્રીન એનર્જી, બંદરીય વિકાસ સહિતના અનેક પ્રકલ્પોની ભેટ આપનાર મોદીજીની મુખ્યમંત્રી તરીકે વિનાશક ભૂકંપ બાદ કચ્છને સવાયું બનાવવામાં રહી છે મહત્વપૂર્ણ ભૂમિકા


 ભુજ : હું અગાઉના જન્મમાં ચોકકસથી કચ્છી માતાના કુખે અવતર્યો હોઈશ, આવુ  પોતાના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળમાં દેશના વર્તમાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અનેક વખત જાહેર મંચ પરથી કહી ચૂકયા છે. કચ્છ તેમનો લાડકવાયો જિલ્લો છે, કચ્છીમાડુઓ પ્રત્યે તેમને અપાર સ્નેહ રહેલો છે. કચ્છ પાછલા દોઢ-બે દાયકામાં દેશ-વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે અને વિકાસની જે હરણફાળ ભરી રહ્યુ છે તેનો ખરેખર મુળ યશ જો કોઈનો જતો હોય તો એ સવાયા કચ્છી નરેન્દ્રભાઈ મોદીજીની આગવી કોઠાસુઝ અને દિર્ઘ દ્રષ્ટીાને જ આભારી છે. 
સવાયા કચ્છી એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હંમેશા સરહદી કચ્છ જિલ્લા માટે વિશેષ લાગણી રહી છે. દેશના વડાપ્રધાન બન્યા બાદ તેમણે દેશ વિદેશના જુદા જુદા વિસ્તારોમાં પોતાના કચ્છ પ્રત્યેના સ્નેહની અભિવ્યક્તિ પણ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં ૮૦થી વધુ વખત કચ્છની મુલાકાત તેમણે લીધી હતી. જયારે વડાપ્રધાન બન્યા બાદ વર્ષ ર૦૧૪થી અત્યાર સુધી આઠ વખત કચ્છની મુલાકાતે આવી ચુકયા છે. ર૬મી મેના તેમનો નવો કચ્છ પ્રવાસ હશે. 
વર્ષ ર૦૦૧માં આવેલા મહાવિનાશક ભૂકંપમાં તારાજ થયા બાદ કચ્છના નવસર્જનમાં તત્કાલિન મુખ્યમંત્રી તરીકે મોદીજીની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. જયાં એકતરફ લોકો કહેતા હતા કે, મહાવિનાશકારી ભૂકંપની થપાટ બાદ કચ્છ ફરી કયારેય બેઠું નહીં થાય ત્યારે મુખ્યમંત્રી તરીકે તેમણે કચ્છની સવિશેષ કાળજી લીધી હતી, તેથી સવાયું કચ્છ બનાવી સવાયા કચ્છી તરીકે તેમને અપાયેલા બિરૂંદને સાર્થક કર્યું હતું. કચ્છની અવિરત વિકાસયાત્રાને વણથંભી રાખવા મુખ્યમંત્રી તરીકે તેમણે ૮૦થી વધુ વખત કચ્છનો પ્રવાસ કર્યો હતો. 
વડાપ્રધાન બન્યા બાદ પણ કચ્છ પ્રત્યે તેમની લાગણી યથાવત રહી છે. વર્ષ ર૦૧૪માં તેઓ દેશના વડાપ્રધાન બન્યા હતા, જેના એક વર્ષ બાદ ર૦૧પમાં ધોરડોનું સફેદ રણ સમગ્ર ભારતના પોલીસવડા, સુરક્ષા કર્મીઓ, પ્રધાનો સાથે ડીઆઈજી સમીટનું સાક્ષી બન્યું હતું. ત્યારબાદ તેઓ વર્ષ ર૦૧૭ની રરમી મેના રોજ પૂર્વ કચ્છના ભચાઉ આવ્યા હતા. જયાં તેમણે લોધેશ્વર મહાદેવ - ટપ્પર ડેમ સુધી નર્મદાના નીર પહોંચાડવાના મહત્વપૂર્ણ કાર્યનો આરંભ કરાવ્યો હતો. આજે પણ ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસોમાં ટપ્પર ડેમમાં ઠલવાતા નર્મદાના નીરથી કચ્છવાસીઓની પ્યાસ બુઝાવવામાં આવી રહી છે. પાણીની તીવ્ર ખેંચવાળા ઉનાળાના દિવસો હવે ભૂતકાળ થયા છે. આ દિવસે જ તેમણે કંડલા બંદરની વિવિધ વિકાસ યોજનાઓને લીલીઝંડી આપી હતી.  વર્ષ ર૦૧૭માં તેઓ બે વખત કચ્છની મુલાકાતે આવ્યા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગ્યા બાદ ર૭મી નવેમ્બર ર૦૧૭ના રોજ તેમણે દેશદેવી મા આશાપુરાના દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હ તા. માતાનામઢ ખાતે મા આશાપુરાના આશિર્વાદ મેળવ્યા બાદ તેમણે ભુજમાં વિશાળ ચૂંટણીસભાને સંબોધન કર્યું હતું. સપ્ટેમ્બર ર૦૧૮ની ૩૦મી તારીખે તેમણે સતાપર ખાતે જીપીએસસી તેલ પાઈપલાઈન ટર્મિનલનું ઉદ્દઘાટન કર્યું હાતું. ચોથા પ્રવાસ કાર્યક્રમમાં તેમણે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ જનસભા સંબોધી હતી. ૧પમી ડિસેમ્બર ર૦ર૦ની મુલાકાત વખતે વડાપ્રધાન મોદીએ ગ્રીન એનર્જી ક્ષેત્રે કચ્છને હબ બનાવવાની બુનિયાદ મુકી હતી. કચ્છના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ ધોરડોથી અલ્ટ્રા મેગા હાઈબ્રીડ પાર્ક, મોટા રણના સોલાર પ્રોજેકટ તથા એનર્જી પાર્કનું રૂલર તથા અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે સરહદ ડેરીના બે લાખ લિટરની ક્ષમતા ધરાવતા પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ ધોરડોથી કર્યું હતું, સાથે જ માંડવીના ડિસેલીનેશન પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું હતું. 
વર્ષ ર૦રરની ર૮મી ઓગસ્ટે વડાપ્રધાન મોદીએ દેશને ભુજમાં વિનાશક ભૂકંપનો ભોગ બનેલા દિવગંતોની યાદમાં નિર્માણ પામેલા સ્મૃતિવનની ભેટ આપી હતી. આજે 
સ્મૃતિવનની ખ્યાતિ દેશ - વિદેશમાં પ્રસરી છે. દર વર્ષે હજારો દેશ - વિદેશના સહેલાણીઓ વિશ્વના સૌથી શ્રેષ્ઠ સાત મ્યુઝિયમમાં સ્થાન મેળવનાર સ્મૃતિવનની મુલાકાતે પહોચં છે. વર્ષ ર૦રરમાં ફરી ર૮મી નવેમ્બરના તેમણે અંજાર ખાતે વિધાનસભા ચૂંટણીને સંબોધન કર્યું હતું. મોદી મેજીક કચ્છમાં ચાલ્યું હતું અને વિધાનસભા ચૂંટણી કચ્છની તમામ છ વિધાનસભા બેઠક ભાજપને ફાળે ગઈ હતી. કોંગ્રેસનો સફાયો થયો હતો. ગત દિવાળીએ તા. ૩૧મી ઓકટોબર ર૦ર૪ના વડાપ્રધાન મોદીએ પોતાની સ્થાપિત પરંપરા અનુસાર સેનાના જવાનો સાથે દિવાળી  ઉજવી હતી. ર૦ર૪ની દિવાળી વખતે વડાપ્રધાન મોદીએ કચ્છ સરહદે દિપાવલી મનાવી હતી. સિરક્રિક ખાતે સેનાના જવાનોને મીઠાઈ ખવડાવી વડાપ્રધાને દિવાળીની  શુભેચ્છા પાઠવી હતી.  ર૬મી મેના વડાપ્રધાન નવમી વખત કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત કચ્છ આવી રહેલા સવાયા કચ્છી વડાપ્રધાન મોદીને આવકારવા કચ્છ થનગની રહ્યું છે.

........................


કચ્છની સૌથી વધુ મુલાકાત લેનાર વડાપ્રધાન બનશે નરેન્દ્ર મોદી


ભુજ : કચ્છની ધરતી પર અત્યાર સુધીમાં દેશના છ વડાપ્રધાન આવી ચુકયા છે. ર૬મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છની સૌથી વધુ  વખત મુલાકાત લેનાર પીએમ બનશે. સ્વ. ઈન્દિરા ગાંધીએ કચ્છની આઠ વખત મુલાકાત લીધી હતી. હવે ર૬મીએ મોદીજી તેમનાથી એક કદમ આગળ થઈ જશે. અન્ય વડાપ્રધાનોની વાત કરીએ તો સ્વ. લાલબહાદુર શાસ્ત્રી, સ્વ. નરસિંહારાવે એક - એક વખત, સ્વ. પંડિત જવાહરલાલ નહેરૂએ ત્રણ વખત, સ્વ. અટલ બિહારી વાજપેયીએ ચાર વખત, સ્વ. રાજીવ ગાંધીએ પાંચ વખત અને સ્વ. ઈન્દિરા ગાંધીએ આઠ વખત કચ્છની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લખનીય છે કે, પુર્વ વડાપ્રધાન સ્વ. મોરારજીભાઈ દેસાઈએ પણ કચ્છની મુલાકાત લીધી હતી પરંતુ તે સમયે તેઓ વડાપ્રધાન પદ ઉપર ન હતા.

...............

Comments

COMMENT / REPLY FROM