ગાંધીધામ - માંડવી સહિત રાજ્યભરમાં ચોરી કરનાર યુપીની ધાબળા ગેંગ પકડાઈ
ગરમ ધાબડા વેચવાના નામે રહેણાંક વિસ્તારોમાં રેકી કરી ચીભડચોરીને અંજામ આપતા હતા
ભુજ : ગીર સોમનાથ જિલ્લાની ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર રાજ્યમાં ૧૦૪ જેટલી ચોરી અને ચીલઝડપને અંજામ આપનાર ઉત્તર પ્રદેશની એક ગેંગના ચાર સભ્યોને ઝડપી લીધા છે. દેખાવ પૂરતા ગરમ ધાબળા વેચવાનું કામ કરતી આ ગેંગે નાના વેપારીઓને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી હોવાનું ખુલ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૨૫ હજાર સહિત કુલ ૯૦ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.ઝડપાયેલા આરોપીઓમાં સંજય રાજપૂત (રહે. ઉત્તર પ્રદેશ), વિભાષ રાજપૂત (રહે. ઉત્તર પ્રદેશ), વિશાલ કોહલી (રહે. ઉત્તર પ્રદેશ) અને વિજય રાજપૂત (રહે. ઉત્તર પ્રદેશ) નો સમાવેશ થાય છે.પોલીસ તપાસમાં આ ગેંગની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. આ ગેંગ દેખાવ પૂરતા ચાદર અને ગરમ ધાબળા વેચવાનો ઢોંગ કરતી હતી. તેઓ નાની રકમની ચોરી કરતી હતી અને એક જ દિવસમાં આઠથી દસ ઘટનાઓને અંજામ આપતી હતી. ચોરી કર્યા બાદ તેઓ તાત્કાલિક તે વિસ્તાર છોડીને નાસી છૂટતા હતા, જેના કારણે તેમને પકડવા મુશ્કેલ બનતા હતા. મોકો મળતા જ તેઓ ચીલઝડપ કરતા અથવા ધાકધમકીથી પૈસા પડાવીને ફરાર થઈ જતા હતા.આ ચારેય ગેંગના સભ્યોની આકરી પૂછપરછમાં તેમણે પ્રાથમિક કબૂલાત આપી છે. જેમાં તેમણે ગાંધીધામમાં ૩ દુકાનો, માંડવીમાં ૯ દુકાનો સહિતના સ્થળોએ ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે અને આ રાજ્યવ્યાપી યુપીની તસ્કર ગેંગ બાબતે તમામ પોલીસ સ્ટેશનોને જાણ કરવામાં આવી છે જેથી આવા ગુનાઓને અંકુશમાં લાવી શકાય.

Comments