મુંદરા તાલુકાની ર૬ ગ્રામ પંચાયતના સુકાનીની ચૂંટણી થશે ?
પ્રધાનમંત્રીના કાર્યક્રમ બાદ
ર૬માંથી મંગરા, શેખડિયા, બરાયા ગ્રામ પંચાયત નવી બની તો ર૩ જુની પંચાયતોની ચૂંટણીનો સમય પૂર્ણ થતા જુન સુધીમાં ચૂંટણી યોજાવાની ચર્ચા : વિવિધ રાજ્યોમાં કોરોનાના કેસ દેખાતા ચૂંટણીઓ સ્થગીત પણ થઈ શકે : પ્રદેશ પ્રમુખ પણ જાહેર થાય તેવી શકયતા
મુંદરા : તાલુકાની ર૬ ગ્રામ પંચાયતમાંથી ર૩ સુકાની વગરની છે, જેના પર વહિવટીતંત્ર કામ કરે છે, તો મંગરા, બરાયા, શેખડિયા ગ્રામ પંચાયત નવી બનેલ તેવી ગ્રામ પંચાયતને પ્રથમ સુકાની મળશે તેવી ચર્ચાઓ સંભાળ રહી છે.
છેલ્લા ઘણા સમયથી ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી થઈ ન હોવાથી લોકોના કામો થતા અટકી ગયા છે, જેના કારણે ઝડપથી ચૂંટણી યોજાય તો ગામોમાં વિકાસ કામોમાં આવતી અડચણ દૂર થાય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે.
જો જુન મહિલામાં સરપંચની ચૂંટણી યોજાય તો બરાયા, શેખડિયા, મંગરા, સમાઘોઘા, કાંડાગરા, મોટી ખાખર, ભદ્રેશ્વર, નવીનાળ જેવા ગામોમાં સરપંચ પદ માટે કાંટે કી ટક્કર થાય તેવું જાણવા મળી રહ્યું છે. ગ્રામ પંચાયતમાં મહિલા અનામત વધુ હોવાથી ઘણી પંચાયતો પર પતિદેવ ભાઈશ્રીઓનો દબદબો રહે તો કેટલીક ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે આરપારની લડાઈ પણ જોવા મળશે તેવી લોક ચર્ચા ચાલી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભુજ આવી રહ્યા છે, ત્યારે રાજકીય પંડિતો જણાવે છે કે, તેમના આગમન બાદ જ કોઈ ખાસ નિર્ણય લેવાય તેવું લાગે છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ પણ જાહેર કરાય તેવી શકયતા છે. દેશના કેટલાક રાજ્યોમાં ફરી કરોનાએ માથુ ઉચકી રહ્યો હોવાથી કદાચ ગ્રામ પંચાયતની ચૂંટણી ઠેલાઈ પણ શકે અને નવેમ્બર - ડિસેમ્બરમાં ચૂંટણીઓ થાય, જેમાં નગરપાલિકા, જિલ્લા પંચાય, તાલુકા પંચાયતની એક સાથે ચૂંટણી યોજાઈ શકે છે. હાલ તો તાલુકાની ર૬ ગામમાં સરપંચ બનવા માટે ચહલ પહલ વધી ગઈ છે. સરપંચ બનવા માટે યુવાનોમાં થનગની રહ્યા છે, જે હોય તે પ્રધાનમંત્રી આગમન પછી જ ચિત્ર સ્પષ્ટ થાય તેવું તાલુકા પંચાયતના અધિકારીઓ જણાવી રહ્યા છે.

Comments