સામખિયાળી રેલવે સ્ટેશન પર જોવા મળશે કચ્છીયતની ઝલક : વિનોદ ચાવડા
સામખિયાળી : દેશના તમામ રેલવે સ્ટેશનો માત્ર પ્રવાસીઓના આવાગમનનું માધ્યમ જ નહીં પરંતુ જે-તે વિસ્તારની સાંસ્કૃતિક કે આધ્યાત્મિક ધરોહરનું કેન્દ્ર બને તેવી વડાપ્રધાન મોદીની પરિકલ્પના સાકાર થઈ રહી છે. આજે કચ્છવાસીઓ માટે ગૌરવનો દિવસ છે. કરણ કે, અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આજે દેશના ૧૦૩ આધુનિકીકરણ પામેલા રેલવે સ્ટેશનોના લોકાર્પણ કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી રેલવે સ્ટેશનનો સમાવેશ પ્રથમ તબક્કામાં થયો છે. કચ્છ લોકસભા બેઠકના સામખિયાળી અને મોરબી અમૃત સ્ટેશનની આજે દેશના વડાપ્રધાન મોદીએ પ્રવાસી જનતાને ભેટ આપી છે તેવું કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ નવીનીકરણ પામેલા સામખિયાળી રેલવે સ્ટેશનના ઈ-લોકારપણ પ્રસંગે જણાવ્યું હતું. આજે વડાપ્રધાન મોદીએરાજસ્થાનના બિકાનેરની ધરતી પરથી અમૃત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત નવીનીકરણ પામેલા દેશના ૧૦૩ રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં કચ્છના સામખિયાળી રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું હતું. આ તકે સામખિયાળી રેલવે સ્ટેશન પર આયોજીત લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિતોને સંબોધન કરતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છના પ્રવેશદ્વાર એવા સામખિયાળી રેલવે સ્ટેશનનું કચ્છીયતની ઝાંખી સાથે નવીનીકરણ થયું છે. આ રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીઓને કચ્છની ભાતીગળ સંસ્કૃતિની ઝલક જોવા મળશે સાથે જ કચ્છની સાંસ્કૃતિક ધરોહરથી રેલવે પ્રવાસીઓ અવગત થશે. કચ્છના અન્ય રેલવે સ્ટેશનો પણ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નવા રંગરૂપથી સજ્જ થઈ રહ્યા છે. આઝાદીના અમૃત કાળમાં કચ્છને મોટી ભેટ મળી છે. સંસ્કૃતિની ઝલક સાથે આધુનિક ટેકનોલોજીની મદદથી સામખિયાળી રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની સુવિધામાં પણ વધારો થયો છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, સામખિયાળી રેલવે સ્ટેશન પર કચ્છની હસ્તકલા, મડવર્કની ઝાંખી થઈ રહી છે. ૧૩.૪પ કરોડના માતબર ખર્ચે નવીનીકરણ પામેલું સામખિયાળી રેલવે સ્ટેશન કચ્છની સાંસ્કૃતિનું વિરાસતની સુંદર ઝાંખી કરાવી રહ્યું છે. અમદાવાદ રેલવે ડીઆરએમ સુધિરકુમાર શર્માએ ઉપસ્થિતોને સામખિયાળી રેલવે સ્ટેશન પર નવી ઊભી કરાયેલ પ્રવાસી સુવિધાઓ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, સામખિયાળી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ કરનારી ટ્રેનોની સંખ્યા ૪૮ છે. પ્લેટફોર્મ ૧ ને પ્લેટફોર્મ ૨ અને ૩ સાથે
જોડતો એક ફૂટ ઓવરબ્રિજનો વિસ્તાર કરીને તેને પ્લેટફોર્મ ૪ અને ૫ સાથે જોડવામાં આવ્યો છે. આ સ્ટેશનમાં નવીનિકરણના ભાગરૂપે વિશાળ પાર્કિંગ સુવિધા, આકર્ષક પ્રવેશદ્વાર, આધુનિક શૌચાલય, દિવ્યાંગજનો માટે સુવિધા, ફૂડ પ્લાઝા, ૪,૯૦૮ વર્ગ મીટર એરિયામાં પ્લેટફોર્મ શેડ તેમજ સ્ટેશન પર અલગ અલગ જગ્યાએ કચ્છી મડવર્કથી સુશોભન તેમજ કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોની ઝાંખી સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સાથે તેમણે રાજ્યના અન્ય રેલવે સ્ટેશનોના નવીનીકરણ અંગે વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો.
લોકાર્પણ સમારોહ સ્થળે ઉપસ્થિત મહાનુભાવોનું રેલવે સ્થળે ઉપસ્થિત મહાનુભાવોનું રેલવે વિભાગ દ્વારા પરંપરાગત સન્માન કરાયું હતું. સમારોહ સ્થળે વડાપ્રધાન મોદીના બિકાનેરથી ઈ-લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું છે. આ પ્રસંગે ગાંધીધામ રેલવેના એઆરએમ આશિષ ધાનિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ રબારી, એપીએમસી ચેરમન વાઘુભા જાડેજા, રાણુભા જાડેજા, જગદીશભાઈ મઢવી, વિશાલ કોટક, વાઘજીભાઈ છાંગા, ગેલાભાઈ આહિર, મહેશભાઈ તિર્થાણી, રેલવેના શ્રી રાકેશ, વિકાસ રાજગોર, રાકેશ જૈન, ભાવેશભાઈ વગેરે ઉપરાંત રાજકીય-સામાજિક આગેવાનો, રેલવેના પદાધિકારીઓ, વાગડવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Comments