ભુજ-નલિયા વચ્ચે પેસેન્જર ટ્રેનનું સફળ પરીક્ષણ થતા આશા બંધાઈ
પશ્ચિમ રેલવે દ્વારા ઈલેકટ્રીક એન્જીન સાથે ભુજથી નલિયા સુધી અને નલિયાથી ભુજ સુધી ટ્રેન દોડાવાઈ : સંપૂર્ણ ગુજરાતમાં ઈલેકટ્રીફીકેશનનું કાર્ય આ સાથે પૂર્ણ થયું
નલિયા : ભુજ - નલિયા વચ્ચે પાટા પથરાઈ ગયા બાદ છ મહિના પહેલા વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારથી ભુજ - નલિયા વચ્ચે ટ્રેન દોડાવવા માટે માંગ ઉઠી રહી છે. આ વચ્ચે ઈલેકટ્રીફીકેશનનો કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આજે પશ્ચિમ રેલવે દ્વારા ભુજથી નલિયા અને નલિયાથી ભુજ વચ્ચે પેસેન્જર ટ્રેન દોડાવી ઈલેકટ્રીફીકેશનનું સંપૂર્ણ પરીક્ષણ કરવામાં આવતા ટુંક સમયમાં ટ્રેન સેવા શરૂ થવાની આશા બંધાઈ છે. ભુજથી સવારે ૯ કલાકે ટ્રેન ઉપડી હતી. રસ્તામાં આવતા સુખપર, સણોસરા, મોથાળા સહિત તમામ સ્ટેશનોએ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્રણ કલાક પછી આ ટ્રેન નલિયા સ્ટેશને પહોંચી હતી. જયાં પણ જરૂરી ગતિવિધિ ચકાસવામાં આવી હતી. ૯૦ની ઝડપે આ ટ્રેન દોડશે. ભુજ - નલિયા વચ્ચે અંતર કાપતા ર કલાકનો સમય થશે. હાલ ભુજ - નલિયા ઈલેકટ્રીફીકેશનને ભચાઉમાંથી વીજ પુરવઠો પુરો પાડવામાં આવશે. પશ્ચિમ રેલવેના વડી કચેરીના પ્રિન્સીપલ ચીફ ઈલેકટ્રીક એન્જીનીયર રંજન શ્રીવાસ્તવે જણાવ્યું કે, રસ્તામાં પરીક્ષણ દરમ્યાન ત્રણ થી ચાર સુધારા જણાયા છે. જે બાબતે સુચના આપી દેવાઈ છે. આગામી બે - ત્રણ દિવસોમાં રીપોર્ટ તૈયાર કરી સોંપી દેવામાં આવશે. મહદઅંશે પરીક્ષણ સફળ રહેતા આગામી ટુંક સમયમાં ભુજ - નલિયા વચ્ચે પેસેન્જર ટ્રેન દોડે તેવી ગતિવિધિ જોવા મળી રહી છે. આ તકે અમદાવાદ ડીવીઝનમાંથી રેલવેના વરિષ્ઠ અધિકારી ઉપરાંત નલિયા સ્ટેશનના માસ્તર અમિતકુમાર, નિરજકુમાર સહિતના હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો પણ નલિયા સ્ટેશને ટ્રેન જોવા માટે આવી પહોંચ્યા હતા. આગામી ર૬ તારીખે વડાપ્રધાન ભુજ આવી રહ્યા છે ત્યારે તેઓ દ્વારા ભુજ - નલિયા વચ્ચે પેસેન્જર ટ્રેનની જાહેરાત કરવામાં આવશે તેવી શકયતાઓ જોવા મળી
રહી છે.

Comments