Trending News
સ્થાનિક સમાચાર

નશાકારક શીરપના ગોરખધંધા બાદ હવે હેન્ડ  સેનિટાઈઝરના નામે નશો વેચવાનું ષડયંત્ર

21 May



દ્વારકા પોલીસે બે મહિના દરમ્યાન કરેલી તપાસમાં સામે આવી હકીકતો : મુંબઈમાં લાયસન્સ વગર ફેકટરી ખોલી બનાવાતા નશાકારક ‘હેન્ડ રબ’નું પાનની દુકાનો અને પ્રોવીઝન સ્ટોરમાં કરાતું વેંચાણ : નવો કીમિયો શોધનાર કચ્છ-મુંબઈ સહિતના વિસ્તારના ૭ લોકોના નામ ખુલ્યા 


ગાંધીધામ : દારૂબંધીની વાતો વચ્ચે કચ્છમાં બેફામ રીતે દેશી અને વિદેશી દારૂ વેચાય છે તેમજ આયાતી દારૂનો પણ વેપલો થાય છે. તેવી રીતે પૂર્વ કચ્છમાં ખાસ કરીને જનરલ સ્ટોરમાં કેફી શીરપની બોટલો વેચાય છે. જેમાં આલ્કોહોલનું પ્રમાણ હોવાથી નશો ચડે છે. ખાસ કરીને શ્રમિક વર્ગ આ બોટલો વધુ ખરીદે છે. કોરોના સમયગાળા દરમ્યાન હેન્ડ સેનીટાઈઝરનો વપરાશ વધ્યો હતો. તેમાં પણ આલ્કોહોલનો વપરાશ થતો હોવાથી પ્યાસીઓ તેને પણ મુકતા નથી, તેવામાં દ્વારકા જિલ્લામાં કેફી શીરપની જેમ હેન્ડ સેનીટાઈઝર વેચવાનું ષડયંત્ર પકડાયું હતું. જેમાં કચ્છ, મુંબઈ સહિતના શખ્સોની સંડોવણી ખુલી છે.  દ્વારકા તાલુકાના ટુપણી ગામે રહેતા સવદાસ કરસન 
પોપાણીયા નામના ૩૭ વર્ષના વેપારીએ તેની પ્રોવિઝન સ્ટોરમાં રાખેલી ચોક્કસ કંપનીની શંકાસ્પદ ગ્રીન એપલ હેન્ડ રબ અને ઓરેન્જ હેન્ડ રબ નામની સેનીટાઇઝરની જુદી-જુદી ૭૪ બોટલ પોલીસે કબજે કરી હતી. તપાસમાં સાત શખ્સોના નામ ખુલ્યા હતા, જેમાંથી ત્રણ શખ્સોની અટકાયત કરીને 
પુછતાછ કરતા આલ્કોહોલ મિશ્રિત સેનિટાઈઝરની આ બોટલોનો ઉપયોગ નશો કરવા માટે થતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ટુપણી ગામના 
વેપારી સવદાસ કરસન 
પોપણીયા, ખંભાળિયાના ચિરાગ લીલાધરભાઈ થોભાણી (ઉ.વ. ૩૪), અકરમ નઝીર બાનવા (ઉ.વ. ૩૭)ની અટકાયત કરી હતી. અન્ય સાગરીતોમાં કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામના અને હાલ ભાવનગર રહેતા લગધીરસિંહ કાળુભા જાડેજા, કલ્યાણપુર તાલુકાના ધર્મેશ ઉર્ફે રઘો ઉર્ફે મારાજ પરસોતમભાઈ, કચ્છ જિલ્લાના માંડવી ખાતેના મૂળ વતની અને હાલ મુંબઈ ખાતે રહેતા હિમાંશુ અરવિંદભાઈ ગોસ્વામી તેમજ પોરબંદર તાલુકાના મિયાણી ગામના સંગીતા આયુર્વેદિક કેર નામની પેઢીના પ્રોપરાઇટર બ્રિજેશ ભાવેશભાઈ જાદવની સંડોવણી ખુલવા પામી છે. માંડવીના હિમાંશુ ગોસ્વામી સામે પ્રોહિબીશન સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે. મૂળ 
કલ્યાણપુરના વતની અને હાલ ભાવનગર રહેતા લગધીરસિંહ જાડેજાએ કેફી શીરપકાંડ ખુલ્લું પડયા બાદ નવો કિમિયો શોધીને મુંબઈના વસઈ ખાતે મિનિ ફેક્ટરી ચાલુ કરી લાયસન્સ વગર હેન્ડ રબના નામે નશાયુક્ત પીણું બનાવવાનું ચાલુ કર્યું હતું. જેમાં સપ્લાયર અને વેપારીઓની મદદથી પાનના ગલ્લે અને અન્ય દુકાનોમાં સપ્લાય કરીને નશાનો કારોબાર ચલાવતા હતા.લાયસન્સ વગર હેન્ડ રબ (સેનીટાઇઝર)ના નામે નશાયુક્ત પીણાંનું 
ઉત્પાદન કરવામાં આવતું હતું. જેમાં શરીરને ખૂબ જ નુકસાન થાય તેટલી માત્રામાં ઈથાઇલ આલ્કોહોલ, આઈસોપ્રોપાઈલ જેવા તત્વોનું મિશ્રણ કરવામાં આવતું હતું. જેનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હતા. આરોગ્યવર્ધક આયુર્વેદિક સીરપની આડમાં બુટલેગરો દ્વારા વધુ આલ્કોહોલ ભેળવીને નુકસાનકર્તા પીણા બનાવીને વેચવામાં આવતા હતા. જે સામે પોલીસ સકંજો વધુ મજબૂત બનતા આરોપીઓએ હવે હેન્ડ રબ (સેનિટાઈઝર)ના સ્વરૂપે અન્ય રાજ્યમાં પ્રોડક્શન કરીને આવી બોટલોનું અહીં પાનના ગલ્લામાં તેમજ અન્ય દુકાનોમાં જાહેરમાં વેચાણ કરવામાં આવતું હોવાનું પણ ખુલવા પામ્યું છે.  


 

Comments

COMMENT / REPLY FROM